Top News

More Posts

   The Latest

Most Popular

આગામી ડિસે. 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરીને સરકાર બને તે દિશામાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે આવતીકાલે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પૂર્વ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડિયાની પંસદગી કરવામાં આવે તેવી સંભાવના છે.

તાજેતરમાં ફેબ્રુઆરી – માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયા બાદ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ રાજીનામા આપી દીધા હતા. જો કે હાઈકમાન્ડે તેમને હોદ્દા પર ચાલુ રહેવા જણાવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ પદ માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોંલકી અને પાર્ટીના સિનિયર અગ્રણી શકિત્તસિંહ ગોહિલના નામોની ચર્ચા ચાલી રહી છે. આગામી નજીકના દિવસોમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ જાય તેવી અટકળો થઈ રહી છે.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ હાઈકમાન્ડ દ્વારા નવા પ્રભારીની પણ નિમણૂક કરાય તેવી સંભાવના છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસના સંગઠ્ઠનીય માળખામાં ધરખમ ફેરફાર પણ આવી શકે છે.

અર્જુન મોઢવાડિયા 2017ની વિધાનસભાની ચૂંટણી હારી ચૂકયા છે. તાજેતરમાં કોરોનાની બીજી લહેર વખતે મોઢવાડિયાએ ગુજરાતમાં કચ્છથી શરૂ કરીને ઉમરગામ સુધી, અંબાજીથી દાહોદ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને પાર્ટીના ધારાસભ્યો, તબીબો, જિલ્લાના સિનિયર અધિકારીઓ સાથે બેઠકો – મુલાકાત કરીને દર્દીઓને વધુમાં વધુ સગવડ મળે તેવા પ્રયાસો કર્યા હતા. જેની હાઈકમાન્ડ દ્વારા પણ નોંધ લેવાઈ છે.

To Top