Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કોરોનાની બીજી લહેર દરમિયાન હવે કાપડ માર્કેટો (Textile Market) ખૂલી ગઇ છે અને લૂમ્સ કારખાનાંને પણ ખોલવાની છૂટ આપવામાં આવી હોવા છતાં કારીગરોની અછત અને ગ્રે કાપડની ડિમાન્ડ ઓછી હોવાને કારણે વિવિંગ ઈન્ડસ્ટ્રી પર તેની અસર જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટો શરૂ થયાના 20 દિવસ થવા છતાં વિવિંગ એકમો હજી માત્ર 70 ટકા જેટલાં જ શરૂ થયાં છે. તેમાં પણ કેટલાંક યુનિટોમાં (Units) એક જ પાળીમાં કામ ચાલુ છે.

કોરોનાની બીજી લહેરમાં શહેરની સાથે દેશનાં અન્ય રાજ્યોમાં પણ કોરોના વકરતાં કેટલાંક રાજ્યોમાં રિટેલ માર્કેટ બંધ છે. હવે ધીમે ધીમે માર્કેટો શરૂ થતાં વેપાર શરૂ થયો છે, પરંતુ તે છતાં જોઇએ તેવી ડિમાન્ડ નહીં હોવાથી અન્ય રાજ્યોના વેપારીઓ ઓર્ડર આપી રહ્યા નથી. જેના કારણે વિવિંગ ઈન્ડસ્ટ્રી પર તેની માઠી અસર થઈ રહી છે. સુરત શહેરમાં 50 હજાર વિવિંગ એકમોમાં 8 લાખ જેટલાં લૂમ્સનાં મશીનો છે. જ્યારે સાડા પાચ લાખ કર્મચારીઓ છે. સામાન્ય દિવસોમાં આ તમામ એકમો રાત-દિવસ એમ બે-બે પાળીઓમાં ચાલતાં હતાં. પરંતુ કોરોનાની બીજી લહેરમાં વિવિંગ એકમોમાં કામ કરતાં કર્મચારીઓમાંથી 50 ટકા કર્મચારીઓ વતન ચાલ્યા ગયા છે. જેઓ હજી પરત ફર્યા નથી.

સુરતમાં કાપડ માર્કેટ 20 દિવસથી ખૂલી ગયું છે. પરંતુ હાલ કોઇ સિઝન નહીં હોવાથી અન્ય રાજ્યોના વેપારી સાડી અને ડ્રેસની ખરીદી કરી રહ્યા નથી. કર્મચારીઓની અછત અને ગ્રે કાપડની ડિમાન્ડ ન હોવાને કારણે વિવિંગ એકમો 70 ટકા જ ચાલી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં શહેરમાં રોજનું 4 કરોડ મીટર જેટલું ગ્રે કાપડ તૈયાર કરવામાં આવતું હતું. પરંતુ હવે વિવિંગ એકમો એક જ પાળીમાં ચાલી રહ્યાં છે અને માત્ર 1.5 કરોડ મીટર જ કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, હજી કર્મચારીઓ વતનથી પરત ફર્યા નથી અને કાપડ માર્કેટના વેપારીઓ ગ્રે કાપડનો ઓર્ડર ન આપી રહ્યા હોવાને કારણે એકમો પર તેની અસર થઈ રહી છે અને 30 ટકા એકમો હજી બંધ છે અને જે શરૂ થયાં છે તે માત્ર એક પાળીમાં જ ચાલી રહ્યાં છે. વિવર્સનું માનવું છે કે, આગામી એકાદ મહિના સુધી આ પરિસ્થિતિ રહેશે.

To Top