Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: (Delhi) મોદી મંત્રીમંડળના (Narendra Modi Cabinet) વિસ્તરણ દેશમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. દેશમાં એક સાથે આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં  મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી ગુજરાતના નેતાને સોંપાઈ છે. પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ (Governor) હશે. બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેમની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરે એવી શકયતા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોદી 2.0નું વિસ્તરણ બુધવારે સવારે 11 વાગ્યે થશે. કેબિનેટમાં હાલ 28 મંત્રીપદ ખાલી છે અને કહેવાઈ રહ્યું છે કે 17-22 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવાય એવી શકયતા છે.

મંગુભાઈ પટેલ

રાજ્યપાલ તરીકે કોને કયા રાજ્યમાં અપાઈ નિયુક્તિ

કેન્દ્રમાં મોદી સરકારના વિસ્તરણની અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા થાવરચંદ ગહલોતને કર્ણાટક (Karnataka) ના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં વજુભાઈ વાળા રાજ્યપાલના પદ પર બિરાજમાન હતા જેઓને હવે રાજકીય નિવૃત્તિ આપી દેવાઈ હોવાની ચર્ચા છે. હરિ બાબૂ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ કાર્યરત હતા. રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શ્રીધર પિલ્લઈને ગોવા, સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરા, રમેશ બૈસને ઝારખંડ અને બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ (Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે 24-48 કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 53 છે, જેને વધારીને 81 કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષની સાથે કેબિનેટના વિસ્તરણ અંગે બેઠક કરી છે.

કેબિનેટ વિસ્તરણ દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ નિશાનો લગાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ અંતર્ગત મોટા દલિત ચહેરાને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપી શકાય તેવી શક્યતા છે. જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં નાના પક્ષોની ભાગીદારી વધારીને તમામ વર્ગને સંતોષવાનો પ્રયાસ થઈ શકે છે.

To Top