Charchapatra

સક્ષમ વ્યકિત રાજય સંભાળે તેવી ભાવના હોવી જોઈએ

કહેવાય છે કે માનવીના મૌનથી ઘણા પ્રશ્નો ટળી જાય છે, જયારે વગદાર વ્યક્તિના મુખેથી બોલાયેલા શબ્દ અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનો તાજો દાખલો જોઇએ તો તાજેતરમાં ખોડલ ધામના નરેશભાઈ પટેલ તરફથી સન 2022 માં ગુજરાતના નાથ પાટીદાર સમાજનો હોવો જોઇએ. એ શબ્દો ઉચ્ચારતા અનેકોની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયામાં અને અખબારમાં વાંચવા મળી.દેશમાં લોકશાહી છેલ્લાં 70 વર્ષથી અમલમાં છે. તે અગાઉ મોગલ સલ્તનત અને અંગ્રેજોએ રાજ કર્યું.

અંગ્રેજોના ત્રાસથી મુકત થવા આઝાદીના લડત ઉખડી અને છેવટે 15 મી ઓગસ્ટ, 1947 ના દિને દેશ સ્વતંત્ર થયો. 1950 માં બંધારણ રચાયું. હવે બ્રિટીશરોના જુલ્મનો જેઓ ભોગ બન્યા હોય તેવી કોઇ વ્યક્તિ જીવિત ન હોઇ શકે, પણ ઇતિહાસ વાંચતાં નવી પેઢીને ખબર પડી જાય કે ગુલામી દશા કેવી હતી.લોકશાહી એટલે બંધારણના 15 થી 18 માં ઉલ્લેખ કર્યા મુજબ તમામ નાગરિકને સમાનતા બક્ષવાનો કે અન્ય અધિકારો હેઠળ કોઇ પણ જાતના ભેદભાવરહિત ધંધા, વસવાટ કે ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લઇ શકે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ પછી તે કોઇ પણ કોમ, સંપ્રદાય કે જ્ઞાતિનો હોય, તે રાષ્ટ્ર, રાજ્ય કે શહેરનો પ્રથમ નાગરિક બની શકે છે. મૂળ ભાવના તો દરેક રાજ્ય કે શહેરના લોકો શાંતિથી સંપીને સ્વતંત્ર રીતે જીવન પસાર કરે તે હોઇ અને એટલા માટે જ તો આઝાદી મેળવી. કોઇ એક ચોક્કસ કોમનો મુખ્ય મંત્રી હોવા જોઇએ તે ઉપરથી બીજી જ્ઞાતિના પણ આવું વિચારવા લાગ્યા. આપણા વડાઓએ મહામુશ્કેલીએ આઝાદી મેળવી છે તો તે ટકાવી રાખવાની છે. હજુ તો દેશમાં ગરીબી, બેકારી, અસમાનતા, ભેદભાવ, શિક્ષણમાં આગેકૂચ બાકી વગેરે પ્રશ્ન તો ઠેરના ઠેર છે જયારે જ્ઞાતિવાદની માનસિકતા મગજમાંથી કાઢી નાંખી સક્ષમ વ્યક્તિ રાજ્ય દેશ કે શહેર સંભાળે તેવી ભાવના હોવી જોઇએ. જો અંદરોઅંદર ઝઘડતાં રહીશું તો બહારનાં તત્ત્વો તો કબજો લેવા રાહ જોઇને બેઠા છે, જયારે સમગ્ર માનવજાતના હિતમાં વિચારીએ અને છેલ્લે રામરાજ્યમાં પ્રજા સુખી-બધાને ખબર જ છે કે કટુ વચન બોલવાથી તો મહાભારત સર્જાયું હતું.

સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top