Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: ઠાસરાની ૧૬૫ વર્ષ જુની તાલુકા પ્રાથમિક શાળા (કુમાર શાળા) આવેલી છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. દરમિયાન ગત નવેમ્બર-૨૦૨૦ માં શાળાના આચાર્ય નિવૃત્ત થયાં હતાં. જે બાદ શાળાના સિનિયર શિક્ષકે આચાર્યનો ચાર્જ ન સંભાળતાં વહીવટી કામ ખોરંભે ચડ્યું હતું. રાજકીય વગ ધરાવતાં આ સિનિયર શિક્ષકે શાળાનું સંચાલન કરવાને બદલે પોતાની જવાબદારીમાંથી છટકી જવાના બદઈરાદે ૧૬૫ વર્ષ જુની શાળાને મર્જ કરી બંધ કરાવી દેવાના કાવાદાવા કર્યાં હોવાની ચર્ચા બાદ ગત તા.૨૦-૯-૨૧ ના રોજ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી તાલુકા પ્રાથમિક શાળાને કન્યાશાળામાં મર્જ કરી દેવામાં આવી હતી.

દોઢ સદી જુની શાળા એકાએક મર્જ કરી બંધ કરી દેવાના તંત્રના તઘલઘી નિર્ણયથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપરાંત નગરજનોમાં ભારે રોષ ફેલાયો હતો. શાળાને બંધ થતી અટકાવવા માટે વિદ્યાર્થીઓ-વાલીઓ, એસ.એમ.સી સભ્યો, પાલિકાના કાઉન્સિલરો, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો એકજુટ થઈ રજુઆતોનો મારો ચલાવ્યો છે. રજુઆતો ધ્યાનમાં લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

નગરના યુવાનોએ સોશ્યલ મિડીયામાં #Savemyschoolthasra ટ્રેન્ડ ચલાવ્યો

ઠાસરા નગરમાં આવેલ તાલુકા શાળા (કુમારશાળા) ને કન્યા શાળામાં મર્જ કરી દેવાના તઘલઘી નિર્ણયના વિરોધમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત નગરજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓ દ્વારા તેમની રજુઆતો ધ્યાનમાં ન લેવાતાં આખરે ઠાસરાના નગરજનોએ સોશ્યલ મિડીયાનો સહારો લેવો પડ્યો છે. નગરના અનેક યુવાનોએ આ માટે ‘સેવ માય સ્કુલ ઠાસરા’ હેસટેગ ચલાવી શાળાને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યાં છે.

નગરજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરાઈ

નગરમાં આવેલ ૧૬૫ વર્ષ જુની તાલુકા શાળાને મર્જ કરવાનો નિર્ણય લઈ એકાએક તાળા મારી દેવામાં આવતાં આ મામલે પંદરેક દિવસ અગાઉ ઠાસરા નગરપાલિકાના કાઉન્સિલર સહિત નગરના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, એસ.એમ.સી ના સભ્યો તેમજ ગામના રહીશોએ ખેડા જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર-ઠાસરા, ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આગળ આવ્યું

ઠાસરા તાલુકા શાળા (કુમારશાળા) ને કન્યાશાળામાં મર્જ થતી અટકાવવા માટે ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં રજુઆત કરવામાં આવી છે. જેમા જણાવ્યું છે કે ૧૬૫ વર્ષ જુની આ શાળામાં ૧૩૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આખા તાલુકાનો વહીવટ આ શાળાથી ચાલી રહ્યો હતો તેમજ શાળામાં શિક્ષકની ઘટ પણ ન હતી. તેમ છતાં આ શાળાને કન્યા શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. ત્યારે ઠાસરા તાલુકાના શિક્ષકો, વાલીઓ તેમજ નગરજનોની શાળા બંધ ન થાય તેવી માંગણી છે. જે ધ્યાનમાં રાખી તાલુકા શાળા પુન: શરૂ કરવામાં આવે તેવી માંગ છે.

શાળાના સિનિયર શિક્ષકની આડોડાઈથી ૧૩૬ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

સિનિયોરીટીમાં આવતાં શિક્ષક દ્વારા મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળવામાં ન આવ્યો નથી. તેમજ રાજકીય વગ ધરાવતાં સિનિયર શિક્ષકની આડોડાઈ, ફરજ પ્રત્યેની ઉપેક્ષા અને બેદકારીને પગલે શાળામાં વહીવટી કામ ખોરંભાયેલ છે અને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ છેલ્લાં દશેક મહિનાથી ફુડ સિક્યુરીટી એલાઉન્સથી વંચિત રહ્યાં છે. બીજી બાજુ તાલુકા શાળાને કન્યા શાળામાં મર્જ કરી તાળાબંધી કરી દેવાતાં આ શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે.

To Top