Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ (Ahmedabad) જીએસટી વિભાગની વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદમાંથી જીએસટી ચોરીનું મસમોટુ કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે. બોગસ બિલિંગના આધારે સોના- ચાંદી અને હિરા -ઝવેરાતની ખરીદી કરી 2435.96 કરોડના બોગસ બિલ બનાવી જીએસટી (GST) કૌભાંડ આચરી હોવાનો પર્દાફાશ થયો હતો. અમદાવાદ જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના રાણીપ વિસ્તારમાં દરોડો પાડીને શુકન સ્માઈસીટીમાં રહેતા ભરત સોનીની (Bharat Soni) ધરપકડ કરવામાં આવી હતી. જીએસટી વિભાગના અંદાજ મુજબ, રૂ.10 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે.

આરોપી ભરત સોનીની સઘન પૂછપરછ કરતા ભરત સોનીએ પરિવારના અલગ-અલગ સભ્યોના નામે છ જેટલી પેઢીઓ ખોલી હતી, અને સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જુદી જુદી પેઢી ખોલીને તેના નામે બોગસ બિલો જનરેટ કરીને એક સુનિયોજિત ષડયંત્ર દ્વારા અંદરો અંદર ટ્રેડિંગના વ્યવહારો બતાવીને બેન્કિંગ વ્યવહારોના આધારે બોગસ બિલો બનાવવામાં આવતા હતા. જુદી જુદી પેઢીઓના નામે રૂપિયા 2435. 96 કરોડના બોગસ બિલો બનાવાયા હતા. જેના આધારે આ પેઢીઓના નામે રૂપિયા 72.25 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી. જીએસટી વિભાગ દ્વારા ભરત સોનીની ધરપકડ કરી તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

સેન્ટ્રલ જીએસટીને મળેલી માહિતીના આધારે ભરત સોની સામે તપાસ કરાઈ અને તેણે શહેરના વિવિધ બુલિયન ટ્રેડર્સ સાથે સાંઠગાંઠ કરીને હજારો કરોડના બોગસ બિલ જનરેટ કરી કરોડો ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાનું શોધી કઢાયું. અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભરત સોનીને રજૂ કરાયો હતો. જેણે ભરત સોનીને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી ભરત સોનીએ કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

જાણવા મળ્યા મુજબ મુખ્ય સૂત્રધાર ભરત સોનીએ 6 અલગ અલગ પેઢીઓ ખોલી હતી. જે તેના પરિવારજનોના નામે હતી. જેમાં ઘનશ્યામ જ્વેલર્સ(ભરત સોની પોતે), કનિષ્ક જ્વેલર્સ(ભાવિન સોની, પુત્ર) દીપ જ્વેલર્સ(દીપાલી પાટડીયા, પુત્રી), એન.એસ. એન્ટરપ્રાઈઝ(નીતિન પાટડીયા, જમાઈ), એસ.એ.ઓર્નામેન્ટ(શ્વેતા પાટડીયા, પુત્રી), બી-2 જેમ્સ(આદર્શ પાટડીયા, જમાઈ)નો સમાવેશ થાય છે. ફક્ત આ છ પેઢીના નામે જ રૂ.2435.96 કરોડના બોગસ બિલ જનરેટ થયા. જેના આધારે આ પેઢીઓના નામે રૂ.72.25 કરોડની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી.

To Top