Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: અડાજણમાં વોશિંગ મશીન રિપેર કરવા માટે ગયેલા 20 વર્ષિય યુવકનું કરંટ લાગ્યા બાદ મોત નીપજવાની ઘટનામાં યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. જો કે, યુવક હજુ પણ જીવતો જ છે તેવી આશાએ પોસ્ટમોર્ટમ કર્યા વગર જ પરિવારજનો ડેડબોડી લઇને જતા રહેતાં ટ્રોમા સેન્ટરના ડોક્ટરો તેમજ પોલીસ કર્મચારીઓ દોડતા થયા હતા. પોતાનો લાડકવાયો જીવે છે તે પુરવાર કરવા માટે આ પરિવાર લાડકવાયાની લાશ લઇને વિનસ હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ તમામમાં લાગણીના આવેશમાં આવેલા પરિવારે સિવિલનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અલબત્ત, વીસ વર્ષીય યુવાનનું મૃત્યુ સિવિલમાં ચકચારી બન્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ચોકબજારના ફૂલવાડી નજીક રહેતા સિકંદર શાબીર શા (ઉં.વ.20) અડાજણની સુરભી ડેરી પાસે આવેલી એક દુકાનમાં મજૂરીકામ કરતા અને દુકાનમાંથી જ્યાં ઓર્ડર હોય ત્યાં વોશિંગ મશીન રિપેરિંગ કરવા માટે જતો હતો. ગુરુવારે સિકંદર અડાજણ હનીપાર્ક રોડ ઉપર વોશિંગ મશીન રિપેરિંગ કરવા માટે ગયો હતો. વોશિંગ મશીનની પાસે પાણીનો ભરાવો થયો હતો અને તે રિપરિંગ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ કરંટ લાગ્યો હતો. કરંટના ઝટકાથી સિકંદર નીચે પડી ગયો હતો. તાત્કાલિક તેને સારવાર માટે 108માં નવી સિવિલ લાવવામાં આવ્યો હતો. અહીં હાજર સીએમઓ ડો.નીશા ચંદ્રાએ સિકંદરને મૃત જાહેર કર્યો હતો.

સિક્યોરિટી ગાર્ડ પણ આંખ આડા કાન કરીને તમામ ઘટના જોતા રહ્યા
સિકંદરના મોત અંગે નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાણ કરીને વર્દી લખાવવામાં આવી હતી. આ સાથે જ બોડીને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવાની તજવીજ થઇ રહી હતી, ત્યાં જ સિકંદરના પરિવારજનો આવી પહોંચ્યા હતા. તેઓએ સિકંદર જીવતો છે તેમ કહીને પરિવારજનો બોડીને હાથ ઉપર જ ઊંચકીને ચાલવા લાગ્યા હતા. . બીજી તરફ ટ્રોમા સેન્ટરની બહાર ચાર-ચાર સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં પણ તેઓના પેટનું પાણી હલ્યું ન હતું. તેઓએ પણ પરિવારજનોને ડેડબોડી લઇ જતા અટકાવ્યા ન હતા. આખરે પરિવારજનો બોડીને લઇને છેક ગેટ સુધી પહોંચી ગયા હતા અને રિક્ષામાં બેસીને અન્યત્ર ચાલ્યા ગયા હતા. મૃતકને અન્ય જગ્યાએ લઇ જવાતાં પોલીસ સહિત ડોક્ટરો દોડતા થઇ ગયા હતા

મૃતકને વિનસ હોસ્પિટલ લઈ જવાયો
અકસ્માત મોતની તપાસ કરનાર અડાજણ પોલીસના અહેમદઅલીએ જણાવ્યું હતું કે, સિકંદરને નવી સિવિલમાં મૃત જાહેર કરાયો હતો, પરંતુ પરિવારજનો તે માનવા તૈયાર ન હતા. બાદમાં સદ્દામને લઇને લાલ દરવાજા સ્થિત વિનસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ ત્યાં પણ હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતાં આખરે ડેડ બોડીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સિકંદરનું મોત અડાજણ વિસ્તારમાં થયું હતું અને પોસ્ટમોર્ટમ માટેની તમામ કાયદેસરની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં થઇ હોવાથી મોડી રાત્રે ડેડ બોડીને પરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. અને બીજે દિવસે સવારે તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ જ મોતની હકીકત વધારે સ્પષ્ટ થશે.

To Top