૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં સારું નીવડશે એ અંધશ્રદ્ધા છે. પ્રકૃતિ આપણી આશા અને શ્રદ્ધા પ્રમાણે વર્તતી નથી. ૨૦૧૯નું વર્ષ પૂરું થયું, ત્યારે આપણે ૨૦૨૦નું વર્ષ સુખી રહે તેવી કામના કરી હતી, પણ એવું ન થયું ને! ગ્રહોની સ્થિતિ કે આપણી કુંડળીઓમાં એવું ક્યાંય લખ્યું ન હતું કે ૨૦૨૦માં આપણે મહામારીનો ભોગ બનીશું. એનું કારણ એ છે કે બીમારીઓ હસ્તરેખાઓ પ્રમાણે નથી આવતી. એ આવે છે આપણી જીવનશૈલીમાંથી.પ્રકૃતિના વૈજ્ઞાનિક નિયમો છે અને તે એ નિયમોને આધીન કામ કરે છે. એમાં આપણા હાથમાં કશું ય જો હોય તો એટલું જ કે આપણે આપણી સ્વાર્થી અને લાલચી ગતિવિધિઓથી પ્રકૃતિના નિયમોમાં ગરબડ કરીએ છીએ અને પછી પ્રકૃતિ આપણને તેનો દંડ આપે છે. ૨૦૨૧માં કોરોના જેવું કોઈ સંકટ આપણને પરેશાન ન કરે, તે માટેનો એક જ રસ્તો છે કે આપણે પ્રકૃતિની ઈજ્જત કરીએ.
2020ની મહામારીમાંથી એક જ પાઠ ભણવા જેવો છે કે માનવીય સ્વાસ્થ્ય અને પ્રકૃતિના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. આપણી સુખાકારી આપણી આસપાસનાં લોકોની સુખાકારી પર નિર્ભર છે, તે વાત જેટલી સહજ છે, તેટલી જ આ પ્રકૃતિ અને આપણી સુખાકારીની વાત સહજ છે. કોરોના ઝૂનોટિક વાઈરસ છે. પ્રાણીઓ માણસ માટે લાભકર્તા છે. વિશાળ પ્રમાણમાં મનુષ્યો રોજ પ્રાણીઓ સાથે પનારો પાડે છે. આપણી પ્રગતિમાં પ્રાણીઓનું યોગદાન બહુ મોટું છે. સાથે એ પણ હકીકત છે કે પ્રાણીઓમાં હાનિકારક જંતુઓ પણ હોય છે, જે મનુષ્યોમાં ફેલાઈને બીમારી પેદા કરે છે. આને ઝૂનોટિક વાઈરસ કહે છે.દુનિયામાં ઝૂનોટિક વાઈરસ બહુ સામાન્ય છે.
વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે મનુષ્યના દર ૧૦ ચેપી રોગમાંથી છનું મૂળ પ્રાણીઓમાં નીકળે છે અને નવા આવતા દર ચાર ચેપમાંથી ત્રણ પ્રાણીઓ તરફથી આવે છે. એમાં નવી એન્ટ્રી કોરોનાની છે. જેમ જંગલમાંથી કોઈ રાની પશુ મજબૂરીનું માર્યું માનવવસ્તીમાં ઘૂસી જાય તેવી રીતે કોરોના વાઇરસ પ્રાણી જગતમાંથી કૂદીને મનુષ્યોના એવા જગતમાં આવી ગયો છે, જ્યાં પ્રકૃતિનો ખુડદો બોલવી દેવાનો કાર્યક્રમ છેલ્લી એક સદીથી પૂરજોશમાં ચાલે છે. આપણે આપણો સરસામાન લઈને જેટલા પ્રકૃતિની અંદર ઘૂસી રહ્યા છીએ, પ્રાણીઓનાં હાનિકારક જંતુઓ સાથે આપણો સંબંધ એટલો જ ઘનિષ્ઠ થઇ રહ્યો છે. કોરોના માટે તો આ ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું.બિલ ગેટ્સે 2018માં ચેતવણી ઉચ્ચારી હતી કે દુનિયા યુદ્ધના ધોરણે જો સંભવિત રોગચાળાઓ સામે લડવાની વ્યવસ્થા નહીં કરે તો ચીન જેવા દેશમાંથી બીજા દેશોમાં ફેલાયેલો રોગચાળો એક જ વર્ષમાં 3.3 કરોડ લોકોને ભરખી જાય તેવી શક્યતા છે.
જેટ ગતિએ ટ્રાવેલની સુવિધાઓ અને સામાનની ડિલિવરી સિસ્ટમ, વસ્તીથી ફાટ-ફાટ થઈ રહેલાં શહેરો અને પ્રાકૃતિક જગત પર આપણાં દબાણો કરવાની આપણી આધુનિક જીવનશૈલી સામે પ્રકૃતિ આપણને વારંવાર ચેતવણીઓ આપે છે, છતાં પણ આપણે કોરોના જેવો વાઇરસ આવે ત્યારે થોડો વખત આશ્ચર્ય વ્યકત કરીને પાછા સૂઈ જઇએ છીએ. આપણે યુદ્ધોમાં એકબીજાની સાથે છીએ પણ રોગોમાં એકલા છીએ અને તેનો પરાજય ગંભીર હશે.એટલા માટે ૨૦૨૧ સુખેથી જાય તેવી આશા માત્ર આશા છે અથવા અંધશ્રદ્ધા છે. દુનિયાભરની સરકારો ભેગી થઈને (જે અત્યારે તો દૂર દૂર સુધી શકય દેખાતું નથી) આ મહામારી અને સંભવિત મહામારીની દિશામાં કેવું કામ કરે છે તેના પર માનવજીવનની સુખકારીનો આધાર છે.
વિજ્ઞાનીકોનું અનુમાન છે કે કોરોના સામેની ઇમ્યુનિટી જો એક વર્ષ સુધી જ કારગત રહે, તો ૨૦૨૫ અને તેથી પણ આગળનાં વર્ષોમાં દર વર્ષે કોરોનાનો વાવર ફેલાતો રહેશે.મુસીબત એ છે કે આપણે વૈજ્ઞાનિક તથ્યોને બદલે આપણા વ્યક્તિગત પૂર્વગ્રહોમાં વધુ વિશ્વાસ રાખીએ છીએ. પર્યાવરણનું નુકસાન મનુષ્ય જાતિનું નુકસાન છે, તેવી ચેતવણી વૈજ્ઞાનિકો દશકાઓથી આપી રહ્યા છે, પણ આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં તો ગ્લોબલ વોર્મિંગના જોખમને અમેરિકાવિરોધી કાવતરું ગણાવીને અમેરિકા પર્યાવરણની વૈશ્વિક સંધિમાંથી નીકળી ગયું હતું.આપણે ૨૦૨૧નું વર્ષ સારું જશે તેવી આશામાં વધુ વિશ્વાસ રાખીએ છીએ કારણ કે એ આસાન છે. તેમાં આપણે કશું નક્કર કરવાનું નથી આવતું. આપણે જેવું જીવીએ છીએ, તેવું જીવવાનું ચાલુ રાખીએ અને આત્મસંતોષ લઈએ કે સૌ સારાં વાનાં થઇ જશે. વૈજ્ઞાનિક અભિગમમાં મુશ્કેલી એ છે કે જીવનમાં ઘણા બધા સુધારા કરવા પડે અને ઘણું બધું જતું કરવું પડે. તથ્યો આપણને બદલવાની ફરજ પાડે છે.
અંધશ્રદ્ધા આપણને આપણા દોષમાંથી મુક્તિ આપે છે.આપણે જેમાં માનતા હોઈએ, તેટલું જ વાંચવું, એ અંધશ્રદ્ધા કહેવાય. ખુદની માન્યતાથી પ્રતિકૂળ હોય તે પણ વાંચે એ ઉત્તમ વાચક કહેવાય. આપણા પૂર્વગ્રહો અને મર્યાદાઓને અનુકૂળ આવે અને તેને પંપાળે તેવાં લોકોની વચ્ચે જ રહીએ, તો વાસ્તવિકતાથી દૂર થઇ જવાના આપણા ચાન્સ વધુ હોય. વાસ્તવિકતા તમારા પૂર્વગ્રહો સાથે મેળ ના ખાતી હોય, તો વાસ્તવિકતાને બદલવા કરતાં પૂર્વગ્રહો બદલવાનું વધુ કારગત નીવડે છે. પોતાની માન્યતાઓમાં શંકા કરવી, એ ખરેખર સાહસનું કામ છે. આપણે સતત ખુદને જ બેવકૂફ બનાવતા રહીએ છીએ અને એક વ્યક્તિના જીવનમાં અને એક પેઢીના ઇતિહાસમાં આ અનેક વાર સાબિત થતું રહે છે.
૨૦૨૦નું વર્ષ સમાપ્ત થયું, ત્યારે ઈઝરાયેલી ઇતિહાસકાર અને ‘સેપિયન્સ’ના લેખક યુવલ નોઆ હરારીએ કહ્યું હતું:‘કોવિડ-19 સાથેના મનુષ્યજાતિના યુદ્ધમાં વિજ્ઞાન જ આપણી મદદે આવ્યું છે પણ રાજકારણના સ્તરે ધબડકો થયો છે. ઇતિહાસમાં પહેલી વાર એક વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે આપણી પાસે ટેકનોલોજીકલ ક્ષમતા છે પણ મહામારીના એક વર્ષ પછી પણ તેનો સામનો કરવા માટે આપણી પાસે ન તો કોઈ વૈશ્વિક લીડરશીપ છે કે ન તો વૈશ્વિક એક્શન પ્લાન. આ સંકટે રાજકારણીઓને ઊંઘતા ઝડપ્યા છે.
એમાં શું કરવું તેની તેમની પાસે કોઈ બ્લ્યૂ-પ્રિન્ટ નથી. પરિણામે ગાંડા જેવા આઈડિયા પણ સ્વીકારાઈ રહ્યા છે. એક વાર વિકલ્પોની પસંદગી થશે, તે પછી એક નવી વૈશ્વિક વ્યવસ્થા મજબૂત બનશે અને પછી જુદા પથ પર જવું ઉત્તરોત્તર મુશ્કેલ બનતું જશે. 2021માં જે પણ પાર્ટી સત્તામાં આવશે ત્યારે ‘પાર્ટી’ પૂરી થઈ ગઇ હશે અને એ પાર્ટીએ ગંદાં વાસણો સાફ કરવાનો વારો આવવાનો છે. હજુ પાર્ટી ચાલુ છે ત્યાં સુધી આપણે સરકારોને યોગ્ય નીતિઓ ઘડવામાં મદદ કરવી જોઈએ. આપણી સામે બે વિકલ્પ છે: કાં તો આપણે વૈશ્વિક એકતા અને સહકાર સાધીને દુનિયાને વધુ સંગઠિત અને સુંવાળી કરીએ અથવા રાષ્ટ્રવાદી અલગાવ અને પ્રતિસ્પર્ધામાં સંકટને વધુ ગંભીર બનાવીને દુનિયાને ખંડિત અને શત્રુતાવાળી કરીએ. આશા રાખીએ કે એકલા હાથે આ યુદ્ધ લડી રહેલા વિજ્ઞાન સાથે 2021માં ખભો મિલાવવા માટે વૈશ્વિક રાજનીતિ સક્ષમ થાય. હેપ્પી ન્યૂ યર.’
RAJ GOSWAMI