Dakshin Gujarat

ભરુચ જિલ્લાની 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને 34 જીલ્લા પંચાયતમાં કમળ ખીલ્યું

ભરૂચમાં (Bharuch) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (Election) આજરોજ મતગણતરી હાથ ધરાતાં જીલ્લાની 4 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કેસરીયો લહેરાયો હતો. પહેલી વખત બી.ટી.પી. ધરાશાયી થતાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીલ્લા પંચાયતમાં બેસશે. તમામ તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો (BJP) કેસરીયો લહેરાયો છે. આ વખતે એક માત્ર આમોદ નગરપાલીકા પણ કોંગ્રેસે ગુમાવતા હવે ચારેચાર નગરપાલિકાઓ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 નગરપાલિકાઓની વાત કરીએ તો ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. જ્યારે આમોદમાં કોંગ્રેસનું શાસન હતું. આ વખતની ચૂંટણીમાં ભરૂચ નગરપાલિકામાં અપક્ષોનું જોર વધતાં ચૂંટણી રસાકસી ભરી બની રહે તેવા એંધાણ હતા. આમોદમાં કોંગ્રેસના મુખ્ય આગેવાનોને જ મેન્ડેટ ન મળતા તેઓ અપક્ષમાં ઊભા હતા. જ્યારે જંબુસરમાં પણ અપક્ષો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય હરીફ તરીકે ઉભરી આવ્યા હતા. જોકે ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપ એક શક્તિશાળી પાર્ટી તરીકે ચારેય નગરપાલિકાઓમાં ઉભરી આવી છે.

ભરૂચ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો હસ્તગત કરી છે, કોંગ્રેસે 11 અને 2 બેકઠો પર અપક્ષોએ વિજય મેળવ્યો છે. આમોદ નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસનો સફાયો થઈ જતા એકપણ બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ ન હતી, ભારતીય જનતા પાર્ટીએ 14 બેઠકો મેળવી ત્યાં સત્તાપલટો કર્યો છે, જ્યારે અપક્ષને 10 બેઠકો મળી હતી. અંકલેશ્વર નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકોમાંથી 30 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જયારે કોંગ્રેસ 5 બેઠક પર વિજેતા થયું છે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. જંબુસર નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી 16 બેઠકો પર ભાજપે વિજય પ્રાપ્ત કરી કબજો કર્યો છે. જ્યારે અપક્ષ અને કોંગ્રેસે 6-6 સીટો ફાળે આવી છે. ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં પણ કેસરીયો લહેરાયો છે. તાલુકા પ્રમાણે જોઈએ તો ભરૂચ તાલુકા પંચાયતમાં કુલ 30 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસના ભાગે ફકત 8 બેઠકો આવી છે.

અંકલેશ્વર તા.પં.ની ૨૬ બેઠકો પૈકી ૨૩ પર કમળ ખીલ્યું, કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી

અંક્લેશ્વર: અંકલેશ્વરની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપે બાજી મારી કોંગ્રેસને પછડાટ આપી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો પૈકી અંકલેશ્વરની 6 બેઠકો અંદાડા, ગડખોલ,ભડકોદ્રા, સારંગપુર, સંજાલી, અને દિવા એમ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા. જ્યારે કોંગ્રેસની ખાતુ પણ ખુલ્યુ નહોતું, ગત ટર્મમાં ૬ બેઠકો પૈકી ૪ ભાજપ અને ૨ પર કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે આ ટર્મમાં ભાજપે કોંગ્રેસ પાસેથી બે બેઠકો છીનવી લઈને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાતની કુલ ૨૬ બેઠકોમાંથી ૨૩ બેઠકો પર કમળ ખીલ્યું હતું અને ભાજપે પુનઃ એકવાર તાલુકા પંચાયતની સત્તા પોતાના હસ્ત કરી લીધી હતી, જ્યારે કોંગ્રેસે માત્ર ૩ બેઠકો પર વિજય બનીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top