આપણે આજકાલ સ્થૂળતા વિષયને સંક્ષેપમાં સમજી રહ્યાં છીએ. ગતાંકે આપણે બાળકોની સ્થૂળતા વિશે સમજ્યાં. આ અંકે તરુણીઓમાં આજકાલ ખૂબ વધુ પ્રમાણમાં ફેલાઈ રહેલ PCODની સમસ્યાને સમજીએ. ગાયનેકોલોજિસ્ટોના મતાનુસાર દર 10 સ્થૂળ તરુણીઓમાંથી પાંચ PCOD એટલે કે પોલી સિસ્ટિક ઓવરી ડીસિઝથી પીડાતી હોય છે. PCOD અને સ્થૂળતા બંને એકબીજાના પૂરક છે. સ્થૂળતાને કારણે PCOD થવાની સંભાવના રહે છે અને ક્યારેક pcod ને કારણે સ્થૂળતામાં વધારો થાય છે.
PCOD એટલે શું? PCOD અર્થાત્ પોલિ સિસ્ટિક ઓવરી ડીસિઝ .
આ રોગનું ખરું કારણ હજુ જાણવામાં આવ્યું નથી પરંતુ ડોકટરો અનુસાર સ્ત્રી શરીરમાં બે અંડાશય (ઓવરી) આવેલી છે જે દર એકાંતરે મહિને સ્ત્રીબીજ બનાવે. આ સ્ત્રીબીજ બનાવવાની સાથોસાથ ખૂબ ઓછી માત્રામાં અંડાશય દ્વારા પુરુષ હોર્મોન (ટેસ્ટોસ્ટેરોન)નું ઉત્પાદન પણ થતું હોય. અમુક સંજોગોમાં આ અંડાશયમાં સ્ત્રીબીજ ખૂબ નાનાં અને અવિકસિત ઉત્પન્ન થાય અને મોટી માત્રામાં પુરુષ હોર્મોનનું ઉત્પાદન થાય છે. જેના કારણે નીચે મુજબનાં લક્ષણો જોવા મળે છે.
આ ઉપરાંત નીચે મુજબનાં કેટલાંક પરિબળો પણ PCOD થવા માટે જવાબદાર ગણાય છે.
વારસાગત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની કાર્યશક્તિમાં ક્ષતિ :
મોટે ભાગે PCOD વારસાગત રીતે અંત: સ્ત્રાવી ગ્રંથિઓમાં વધુ પડતાં પુરુષ હોર્મોનના ઉત્પાદનને કારણે થાય છે.
અતિશય ચરબીયુક્ત આહાર :
આજકાલ બાળકો ઘરના સાદા ખોરાકને બદલે બહારના તળેલા, મેંદાયુક્ત, ચીઝ- બટરયુક્ત ફાસ્ટફૂડ પર પોતાની પસંદગી વધુ ઉતારે છે. વળી, આપણે પણ વારતહેવારે, સેલિબ્રેશનના ભાગ રૂપે બહારનું ખાવાનું જ પસંદ કરીએ છીએ ને! એ પરિણામે શરીરમાં ચરબીનો ભરાવો કરે છે. આ ચરબીનો વધુ પડતો ભરાવો PCOD તરફ લઈ જાય છે.
અનિયમિત જીવનશૈલી :
અનિયમિત રૂટિન, રાત્રિના ઉજાગરા, અપૂરતી ઊંઘ આ બધું જ હોર્મોનમાં ફેરફાર થવા માટે કારણભૂત હોઈ શકે.
બેઠાડુ જીવન:
હવે ઓનલાઇન એજ્યુકેશન અને મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી લોકો મોબાઈલ રહ્યા નથી. એક જગ્યાએ કલાકો સુધી બેસી રહેતાં તરુણો હવે કસરત, રમતગમતને ભૂલ્યા છે. કસરત દ્વારા પણ શરીરમાં કોર્ટિઝોન જેવા હોર્મોનનું ઉત્પાદન થાય છે જે શરીરના અંત: સ્ત્રાવોના નિયમન માટે જરૂરી ગણવામાં આવે છે. અહીં કસરત ન મળવાને કારણે પણ શરીરનું
હોર્મોન ચક્ર ખોરવાય છે.
PCOD ન થાય તે માટે શું સાવચેતી રાખી શકાય?
જીવનશૈલીમાં ફેરફાર :
મોટેભાગે જીવનશૈલીમાં, આહારવિહારની આદતોમાં ફેરફાર લાવવાથી સમસ્યા નિવારી શકાય છે. માત્ર ૫ થી ૧૦% વજન ઉતારવાથી પણ માસિકચક્રને નિયંત્રિત કરી શકાય છે.
ઇન્સ્યુલિન ઉત્પાદન પર કંટ્રોલ :
PCODની સમસ્યા દરમ્યાન આપણા શરીરનો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે જેથી શર્કરાયુક્ત ખોરાક પચાવવા માટે શરીર વધુ પડતાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. આ વધુ પડતાં ઇન્સ્યુલિનના ઉત્પાદનની સાથે સાથે શરીરમાં પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન પણ વધુ થતું હોય છે. આ સંજોગોમાં ચોકલેટ, ડેઝર્ટ્સ જેવા વધુ ગળ્યા પદાર્થો, સ્ટાર્ચવાળા મેંદા જેવા પદાર્થોનું સેવન વધુ પડતાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી પરિસ્થિતિને વધુ બગાડી શકે. આથી, સમસ્યા પર કાબૂ મેળવવા માટે સૌ પ્રથમ ગળ્યા અને સ્ટાર્ચયુક્ત ખોરાકનું સેવન બંધ કરવું જોઈએ.
રેસાયુક્ત આહારનો ઉમેરો :
રેસાયુકત સલાડ, ફળો, આખા ધાન્ય , લાપસીના ફાડા, ઓટ્સ જેવા ખાદ્યપદાર્થોનો રોજિંદા આહારમાં ઉમેરો ખોરાકના પાચનને ધીમું બનાવી કોષોના ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડી ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટાડે છે.
લીલા શાકભાજીનો ઉમેરો :
પાલક, મેથી જેવી ભાજી તથા બ્રોકોલી, ફ્લાવર, દૂધી જેવાં શાકનો રોજિંદા આહારમાં ઉમેરો ચોક્કસ મદદ કરે છે.
દાળ- કઠોળ – ઈંડાં – ચિકન જેવા પ્રોટિનયુક્ત પદાર્થોનું સેવન :
પ્રોટિન લાંબા સમય સુધી પાચનતંત્રમાં રહે છે. આથી, પેટ ખૂબ ઝડપથી ખાલી થઈ જતું નથી. અલબત્ત, પ્રોટિન તળેલા સ્વરૂપે લેવું જોઈએ નહિ અને જો એક્સરસાઇઝ ન કરવામાં આવે તો વધારે પડતું પ્રોટિન યોગ્ય રીતે પાચન થતું નથી જે ગેસ અને સ્થૂળતા વધારી શકે છે.
કસરત :
PCOD માં એક્સરસાઇઝ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. નિયમિત ઓછામાં ઓછી ૩૫-૪૦ મિનિટની કસરત વજન ઉતારવામાં તેમ જ શરીરમાં ‘હેપ્પી હોર્મોન્સ’ નું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે જે માસિકચક્રના નિયમન માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી નીવડે છે.
તળેલા – મેંદાયુક્ત ફાસ્ટ ફૂડનો નિષેધ :
તળેલો, ખૂબ ચરબીયુક્ત ,મેંદાયુક્ત આહાર PCOD ની સમસ્યામાં વધારો કરી પરિસ્થિતિ બગાડી શકે છે. એથી PCODના નિવારણ માટે પહેલી શરત આ પ્રકારનો ખોરાક બિલકુલ બંધ કરવો એ છે.
પૂરતો આરામ :
રાત્રિ દરમ્યાન 7-8 કલાકની ઊંઘ ખૂબ અગત્યની છે. પૂરતો આરામ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
આમ, આટલાં પગલાં તરુણીઓને PCODની સમસ્યા નિવારવામાં ઉપયોગી થઇ શકે.