Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં કોરોનાને કારણે થતાં મોતની સંખ્યા વધી ગઈ છે. છતાં પણ તંત્ર દ્વારા મોતના આ આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. ‘ગુજરાતમિત્ર’ને મળેલા પુરાવા પ્રમાણે સ્મીમેર હોસ્પિ.માં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ હોય અને મોત થયાં હોય તેવા 8 દર્દીના (Patients) નામો છે. આ તો ખાલી સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) થયેલા મોતના આંકડા છે પરંતુ જો નવી સિવિલ હોસ્પિ. અને અન્ય ખાનગી હોસ્પિ.માં થતાં મોતના (Death) આંકડા પણ જો આમાં ઉમેરવામાં આવે તો સુરતમાં મોતની ભયાનકતા વધી જાય તેમ છે. બીજી તરફ તંત્ર દ્વારા શુક્રવારે થયેલા મોતનો આંક માત્ર 3નો જ બતાવ્યો છે. જે અતિ ગંભીર બાબત છે.

સુરતમાં કોરોનાની ભયાનકતા એટલી ચરમસીમા પર છે કે હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર મેળવવા માટે પરિવારજનોએ હોસ્પિ.માં કાકલુદી કરવી પડી રહી છે. હોસ્પિટલાઈઝ્ડ થયા બાદ કલાકોમાં જ કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યાં હોવાના દાખલાઓ પણ છે. સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક દર્દીની નજર સામે જ ચાર વ્યક્તિના કોરોનામાં મોત થઈ ગયા હતાં અને પાંચમાં દર્દી તરીકે તે વ્યક્તિ ખુદ મોતને ભેટી ગયા હતાં. સુરતમાં કોરોનામાં મોતની આવી હાલત હોવા છતાં પણ તંત્ર દ્વારા કોરોનાના મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં હોવાનું સાબિત થઈ રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં શુક્રવારે કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા હોવા છતા સુરત મનપા દ્વારા બહાર પાડવામાં આવતી પ્રેસ યાદીમાં સ્મીમેર હોસ્પિટલનું એકપણ મોત દર્શાવવામાં આવ્યું ન હતું.

સ્મીમેરમાં આઠના મોતના આ છે પૂરાવા

સુરત મનપા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસયાદીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓના મોતની માહિતી દર્શાવવામાં આવી છે. પરંતુ સ્મીમેરના પીએમ ચોપડામાં થયેલી નોંધ પ્રમાણે, પાંડેસરાની 75 વર્ષીય મહિલા દર્દી, નંદુરબારના 68 વર્ષના વૃદ્ધ, પરવટ પાટીયાના 74 વર્ષીય વૃદ્ધ, કતારગામની 75 વર્ષીય વૃદ્ધા, કાપોદ્રાના 80 વર્ષીય વૃદ્ધ, રાંદેર તાડવાડી વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધ, નવાગામના 55 વર્ષીય આધેડ અને ડિંડોલીના 62 વર્ષીય વૃદ્ધના મોત થયા છે. જેને પગલે તંત્ર દ્વારા કોરોનામાં થતાં મોતનો આંક છુપાવવામાં આવી રહ્યો હોવાની આશંકા પ્રબળ બની છે.

શું કહે છે સ્મીમેરના સત્તાધીશો

સ્મીમેર હોસ્પિટલના સિનીયર આરએમઓ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની તમામ કામગીરીનો ડેટા સુરત મહાનગર પાલિકાને સતત મોકલવામાં આવે છે. મોત અંગેની માહિતી બાબતે હું કશું કહી શકું તેમ નથી. જયારે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિ. ડો. વંદનાબેન દેસાઇએ પણ મનપાના આરોગ્ય વિભાગને આ ખબર હોવાનું જણાવ્યું હતું.

કયા મોતને કોરોનામાં ગણવું તે ડેથ ઓડિટ કમિટી નક્કી કરે છે: મ્યુનિ.કમિ.

તંત્ર દ્વારા સુરતમાં કોરોનામાં થતાં મોતના આંકડાઓને છુપાવવામાં આવી રહ્યાં હોવા અંગે મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ કોરોનામાં મોત કોને ગણવું તે મનપા તંત્ર નક્કી કરતું નથી. આ માટે સરકાર દ્વારા ડેથ ઓડિટ કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા જ કોરોના થયેલા મોત નિયત કરવામાં આવે છે. કોરોનામાં મોતના આંકને મહાપાલિકા સાથે લાગેવળગતું નથી.

To Top