Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના (corona) મહામારીની શરૂઆતમાં ભારત સહિત વિશ્વભરમાં ભારે ખાનાખરાબી સર્જાઇ હતી, પરંતુ પ્રથમ લહેર(first wave)માં ભારત ઝડપી ઉગરી ગયું હતું અને તેના લીધે અર્થતંત્રની ગાડી પણ રીકવરી મોડમાં આવી ગઇ હતી, પરંતુ જે સ્પીડે દેશમાં કોરોનાની બીજી લહેર (second wave) ચાલી રહી છે, તેને જોતાં ભારતીય અર્થતંત્ર(Indian economy)ની ગાડી જે પાટે ચઢી ગઇ હતી, તે અટકી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો દેશમાં ફરીથી લોકડાઉન લાવવાની ફરજ પડશે અને જો એક મહિના માટે દેશમાં લોકડાઉન આવશે તો જીડીપી ગ્રોથમાં બે ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. સરકાર લોકડાઉન (lock down)ન કરવાની સાથે કોરોના પર નિયંત્રણ લાવવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં સફળતા મળી શકી નથી. જેથી લોકડાઉન અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.

જો દેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરાશે તો શેરબજાર લોહીલુહાણ થવાના એંધાણ છે. જે રીતે કોરોનાના પ્રથમ લહેર બાદ ભારતીય અર્થતંત્ર ફરીથી બેઠું થઇ રહ્યું છે, તેને જોતાં એફઆઇઆઇની ભારતીય શેરબજારમાં રોકાણનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ ફરીથી અર્થતંત્ર ખોરવાશે તો એફઆઇઆઇની ભારે વેચવાલી આવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં રોકાણકારોએ પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી નફો બુક કરવો વધુ હિતાવહ માનવામાં આવી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં વર્ષ 2020-21માં વિક્રમી તેજીના તોફાનની સાથે સાથે વિદેશી રોકાણકારોનું સ્થાનિક શેરોમાં રોકાણ હોલ્ડિંગ મુલ્ય 555 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. સપ્ટેમ્બર 2020થી માર્ચ 2021 દરમ્યાન 105 અબજ ડોલર વધ્યું હોવાનું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.

આ એફપીઆઇઝના રોકાણ મુલ્ય સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું શેરોમાં મુલ્ય 203 અબજ ડોલરનું રહ્યું છે, જે એફઆઇઆઇ કરતાં અડધું પણ નહિં હોવાનું બેન્ક ઓફ અમેરિકા સીક્યુરીટીઝ દ્વારા રજૂ કરાયેલા આંકડામાં દર્શાવાયું છે. ભારતીય શેરબજારમાં એફઆઇઆઇ દ્વારા 16 એપ્રિલ, 2021 સુધીમાં ચોખ્ખુ 7.2 અબજ ડોલરનું રોકાણ કરાયું છે. જેના થકી દેશમાં તેમને ચોખ્ખો પોઝિટિવ રોકાણ પ્રવાહ આ વર્ષમાં નોંધાયો છે. માર્ચ 2021 મહિનામાં ઘટાડા અને ફેબ્રુઆરીના 3.5 અબજ ડોલર અને જાન્યુઆરીના 2.2 અબજ ડોલર ઘટીને માર્ચમાં 1.4 અબજ ડોલરનો નોંધાયો છે. વર્ષ 2021માં અત્યાર સુધીમાં એફપીઆઇ દ્વારા અન્ય તમામ વિકાસશીલ બજારોની જેમ ભારતમાં નેટ ધોરણે ઝીરો રોકાણ ઉમેરો થયો છે. જે દર્શાવે છે કે જંગી રોકાણ જાવક થઇ છે. વર્ષ 2020-21માં એફપીઆઇ સ્થાનિક શેરોમાં પ્રમુખ ચાલક બની રહી બે દાયકામાં સૌથી વધુ શેરોમાં રોકાણ 37 અબજ ડોલર એટલે કે રૂ. 2.75 લાખ કરોડનું થયું હોવાનું નેશનલ સીક્યુરીટીઝ ડિપોઝીટરીના આંકડામાં દર્શાવાયું છે.

અગાઉ નાણાંકીય વર્ષોમાં 2010, 2011 અને 2013ના વર્ષમાં એફપીઆઇઝનો રોકાણ પ્રવાહ 20 અબજ ડોલરનો આંક પાર કર્યો હતો. મોટી સેન્ટ્રલ બેન્કો દ્વારા લાખ્ખો ડોલર સીસ્ટમમાં ઠાલવીને મહામારીથી અર્થતંત્રને ઉગારવા કરેલા પ્રયાસો અને એનાથી પ્રવાહિતામાં જંગી વધારાથી રોકાણોમાં જંગી વધારો નોંધાયો છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો રોકાણ પ્રવાહ 2020-21માં નેગેટિવ રૂ. 1.38 લાખ કરોડનો નોંધાયો છે, જેનું હોલ્ડિંગ મુલ્ય 203 અબજ ડોલરનું રહ્યું છે. જેમાં એકસચેન્જ ટ્રેડેડ ફંડોમાં 38 અબજ ડોલર, લાર્જકેપ ફંડોમાં 24 અબજ ડોલર અને ફલેકસી કેપ ફંડોમાં 22 અબજ ડોલર તથા મિડકેપ ફંડમાં 16 અબજ ડોલરનું રહ્યું છે. એક અહેવાલ મુજબ વર્ષ 2020-21માં 37 અબજ ડોલર ઠાલવ્યા બાદ એફપીઆઇનું હોલ્ડિંગનું સ્થાનિક શેરોમાં મુલ્ય રેકોર્ડ 555 અબજ ડોલર રહ્યું છે, જે સપ્ટેમ્બર 2020ના અંતે માત્ર 450 અબજ ડોલર એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશનના 21.4 ટકા રહ્યું હતું. જુન 2020ના ત્રિમાસિકમાં એફઆઇઆઇ રોકાણનંટ મુલ્ય ઇકવીટીઝમાં 344 અબજ ડોલર એટલે કે માર્કેટ કેપના 18.7 ટકા રહ્યું હતું. સપ્ટેમ્બર 2019માં આ એફપીઆઇ મુલ્ય 429 અબજ ડોલરનું રહ્યું હતું. આ દરમ્યાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો શેરોમાં 16 એપ્રિલ સુધી આ વર્ષમાં નેટ ખરીદદાર બની 2.2 અબજ ડોલરનું ચોખ્ખું રોકાણ કર્યુ છે. જે કોરોના મહામારીના પહેલાના લેવલે જોવાયું છે.

બીજી તરફ, કોરોના મહામારીના કાળના સમયગાળામાં પણ ભારતીય શેરબજારે પ્રોત્સાહક પ્રદર્શન કર્યુ છે. ખાસ કરીને પ્રાયમરી બજારમાં તેજી જોવા મળી હતી અને જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 22 કંપનીઓએ આઇપીઓ મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા છે. વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કન્ઝયુમર ગુડઝ અને રિટેલ, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટસ, ઓટોમોટિટવ અને ટ્રાન્સપોર્ટેશન સેકટરની કંપનીઓએ આઇપીઓ લાવવામાં રૂચિ દર્શાવી છે. આ આઇપીઓ મેઇન પ્લેટફોર્મ ઉપરાંત એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થયા છે. એક અહેવાલ અનુસાર દેશના મુડીબજારમાં તેજીના ટ્રેન્ડ વચ્ચે ઘણી કંપનીઓ આઇપીઓ માર્કેટમાં આવી અને આ ટ્રેન્ડ ચાલુ કવાર્ટરમાં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. વર્ષ 2021માં આઇપીઓની સંખ્યામાં ભારત વૈશ્વિક સ્તરે નવમાં સ્થાન પર છે.

To Top