Top News

More Posts

   The Latest

Most Popular

Covid third wave inevitable in India, say health experts | India | The  Guardian

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસના આ નવા વેરિઅન્ટની દસ્તક વચ્ચે નેશનલ સુપરમોડલ કમિટીએ આશંકા વ્યક્ત કરી છે કે, ઓમિક્રોન વેરિઅન્ટના કારણે આવતા વર્ષની શરૂઆતમાં દેશમાં ત્રીજી લહેર આવી શકે છે. હાલમાં દેશમાં દરરોજ  અંદાજિત ૭પ૦૦ કોરોના વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ ઘાતક ડેલ્ટા વેરિઅન્ટની જગ્યા ઓમિક્રોન વેરિઅન્ટ લઈ રહ્યો છે ત્યારે કોરોનાના કેસોનો ફેલાવો વધી શકે છે તેવો આ કમિટિનો અંદાજ છે. સમિતિના અધ્યક્ષ વિદ્યાસાગરે કહ્યું કે, ઓમિક્રોન વાયરસની ત્રીજી લહેર ભારતમાં આવશે. પરંતુ, તે બીજી લહેર કરતાં ઓછી ઘાતક હશે.

તેમણે જણાવ્યું હતું કે, આવતા વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં ત્રીજી લહેરની અપેક્ષા છે. જો કે, તે બીજી લહેર કરતાં હળવી હશે. પરંતુ, તે ચોક્કસપણે આવશે.આઇઆઇટીના પ્રોફેસર વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, દેશમાં બીજી લહેર કરતાં વધુ દૈનિક કેસ નોંધાવાની શક્યતા છે. તમામ પુખ્ત વયના લોકોને રસી આપવાની સરકારની ઝુંબેશ માર્ચ મહિનાથી ચાલી રહી છે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ ફેલાવાનું શરૂ થયું હતું.  પેનલના અન્ય સભ્ય, મનિંદા અગ્રવા જણાવ્યું છે કે, ભારતમાં દૈનિક કેસ એકથી બે લાખ સુધી નોંધાઈ શકે છે. જે બીજી લહેર કરતાં ઓછા છે.

તેમણે કહ્યું કે, સેરો સર્વે મુજબ એક નાનો ભાગ ડેલ્ટા વાયરસના સંપર્કમાં આવ્યો નથી. હવે આપણી પાસે ૭પથી ૮૦ ટકા સેરો-પ્રવર્તન છે. લગભગ ૮પ ટકા પુખ્ત વયના લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને 55 ટકા પુખ્ય વયના લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. પ્રોફેશર વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, જેથી ત્રીજી લહેરમાં બીજી લહેર જેટલા દૈનિક કેસ નહીં જોવા મળે. આપણી પાસે તેની સાથે વ્યવહાર કરવાનો ઘણો અનુભવ છે, જેથી આપણને વધુ મુશ્કેલી નહીં પડે. જો કે નિષ્ણાતોના સધિયારા છતાં ત્રીજી લહેરની વાતથી લોકોમાં ફફડાટ ફેલાય તે સ્વાભાવિક છે.

ઓમિક્રોન બાબતમાં કેટલાક વિદેશોમાંથી આવતા, ખાસ કરીને યુકેથી આવતા આંકડા ધ્રુજાવનારા છે.  બ્રિટનમાં શુક્રવારે અત્યાર સુધીના સૌથી વધુ 93,045 કેસ નોંધાયા હતા. જેમાં ગુરુવારે નોંધાયેલા ૮૮૩૭૬ કેસના રેકોર્ડથી ૪૬૬૯ કેસ વધારે છે.જ્યારે, ડેલ્ટા વેરિઅન્ટ આ દેશના મોટા ભાગના ભાગોમાં ફેલાયેલો છે ત્યારે ઓમિક્રોને લંડન અને સ્કોટલેન્ડમાં ભારે ઉછાળા વચ્ચે તેનું સ્થાન લીધું છે. લંડનમાં કોરોના સાથે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ગયા અઠવાડિયાની સરખામણીમાં ૨૮.૬ ટકા વધીને ૧૫૩૪ પર પહોંચી ગઈ છે. અને ત્યાં રવિવારે અહેવાલ આવ્યા કે બ્રિટનમાં એક જ દિવસમાં ઓમિક્રોનના દસ હજાર કેસો નોંધાયા છે.

આ ડરાવનારા આંકડાઓ વચ્ચે બ્રિટિશ સરકાર હવે ત્યાં બે સપ્તાહનું લૉકડાઉન લાદવાનું આયોજન કરી રહી છે અને બ્રિટનવાસીઓની નાતાલ પણ લૉકડાઉનમાં જ જશે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સાઉથ આફ્રિકાથી તો ઓમિક્રોનના હજારો કેસના અહેવાલો આવતા જ હતા ત્યાં હવે યુકેથી પણ હજારો કેસના અહેવાલો આવવા માંડ્યા છે. જો કે એક રાહત જનક બાબત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી અત્યાર સુધી નહીંવત મોત નોંધાયા છે, પરંતુ એવી ચેતવણી અપાઇ જ છે કે ગફલતમાં રહેવા જેવું નથી. આ વેરિઅન્ટ ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને મૃત્યુઓના આંકડાઓમાં પણ ઉછાળો આવી શકે છે.

જો આવું થાય તો ઘણી જ ભયંકર સ્થિતિ સર્જાય અને દુનિયાના દેશોની સરકારો એટલે જ ભય અનુભવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ તો ઓમિક્રોન વેરિઅન્ટ બાબતે ગફલતમાં નહીં રહેવા ચેતવણી જારી કરી જ દીધી છે. આપણા દેશના કોવિડ ટાસ્ક ફોર્સના વડા અને નીતિ આયોગના સભ્ય(આરોગ્ય) ડૉ. વી.કે. પૌલે તો એવી ધ્રુજાવનારી ચેતવણી ઉચ્ચારી છે કે જો ભારતમાં ઓમિક્રોનનું સંક્રમણ બ્રિટનની જેમ ફેલાય તો તો અહીં દરરોજના ૧૪ લાખ જેટલા કેસો નિકળી શકે છે! આશા રાખીએ કે સ્થિતિ આટલી હદે બગડે નહીં.

આપણે આ વર્ષના માર્ચ-એપ્રિલ-મે મહિનાઓમાં કોવિડ-૧૯ના બીજા મોજાનો હાહાકાર જોઇ ચુક્યા છીએ. ત્યારે દેશભરમાં કેવી અંધાધૂ઼ંધી સર્જાઇ હતી અને મોતનો કેવો માતમ મચી ગયો હતો, ઓક્સિજન અને સારવાર, દવાઓના અભાવે લોકો કેવી રીતે મરી રહ્યા હતા અને પહેલું મોજું શમી ગયા પછી અને રસીકરણ શરૂ થવાની સાથે ઉત્સાહમાં આવીને કોવિડ સામે વિજયની જાહેરાત કરી ચુકેલી સરકાર કેવી ઉંઘતી ઝડપાઇ હતી તે બધું ભૂલી જવા જેવું નથી. હવે ત્રીજા મોજાની આગાહી નિષ્ણાતોએ કરી છે ત્યારે સરકારે અને પ્રજાએ જરાયે ગફલતમાં રહેવા જેવું નથી.

અત્યારે ઓમિક્રોનના કેસો વધવાના શરૂ થઇ ગયા છે અને તે અંગે અનેક ચેતવણીઓ જારી કરવામાં આવી હોવા છતાં લોકોમાં ભારે બેદરકારી અને બેફિકરાઇ જોવા મળી રહે છે. સરકાર પક્ષે અલબત્ત, બીજા મોજાના કડવા અનુભવને કારણે સાવધાની જોવા મળી રહી છે ખરી, પરંતુ જરૂર પડ્યે પ્રજા પાસે કોરોના પ્રોટોકોલ્સનું પાલન કરાવવા તેણે સખતાઇ બતાવવી પડશે. ત્રીજી લહેરની આગાહી થઇ છે ત્યારે બીજી લહેરના અનુભવને યાદ રાખીને પુરતી સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર છે.

To Top