Top News

More Posts

   The Latest

Most Popular

હીન્દી ફિલ્મોમાં કપૂર તો ભરપૂર છે પણ બહુ ઓછા છે જે ખૂબ બધી ફિલ્મોથી ચકચૂર છે. વાણી કપૂરનું પણ એવું સમજો. ઘણીવાર આપણે અમુક ટેલેન્ટેડ એકટ્રેસને જોઇને કહેતા હોય છે આને જો સારા બેનરની સારા સ્ટાર્સ સાથેની ફિલ્મ મળે તો જામી જશે. વાણી કપૂરને શરૂથી જ સારા બેનરની સારા સ્ટાર્સ સાથેની ફિલ્મ મળી પણ વાણી તોય રાણી ન થઇ શકી. હવે બદ્તમીઝ ગીલમાં તે આવી રહી છે. આ ફિલ્મનાં નિર્માતા પંજાબી દિગ્દર્શક પંજાબી, હીરો પંજાબી છે અને બદ્તમીઝ ગીલ જેવું. શીર્ષક પણ પંજાબી છે. પ્રેક્ષકોને થશે કે આટલું બધું પંજાબ છે તો પંજાબીમાં જ ફિલ્મ બનાવીને પંજાબમાં જ રજૂ કરવી હતી ને? ખેર જાને દો. વાણી પંજાબી છે ને તેને પંજાબીઓની મદદ લેવી પડે છે. જોકે તેની પહેલી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ પણ આદિત્ય ચોપરાની હતી. યશરાજ ફિલ્મ શરૂથી જ પંજાબી અભિનેત્રીઓને તક આપવામાં માને છે તેનો લાભ વાણીને થયો હતો. તે સિલસિલો આજ સુધી ચાલે છે એટલે વાણી ચાલે છે. તેની બીજી ફિલ્મ બેફિકરે પણ આદિત્ય ચોપરાની, ત્રીજી વોર પણ આદિત્ય ચોપરાની અને તો પણ જુઓ વાણી ઠેરની ઠેર છે. બેલ બોટમ ફિલ્મમાં તેનો હીરો અક્ષયકુમાર હતો. ચંડીગઢ કરે આશિકીનાં શીર્ષકમાં પણ પંજાબ અને હીરો પણ પંજાબી આયુષ્યમાન હતો. આટલી ફિલ્મો પછી વળી આદિત્યએ તેને શમશેરામાં રણબીર જેવા સ્ટાર સાથે તક આપી. પણ વાણીની ધાણી હજુ પણ ફૂટી નથી. બદ્તમીઝ ગીલ ફિલ્મ પછી પણ વાણીની બાજીમાથી પત્તા ઓછા થતાં નથી. અજય, રિતેશ દેશમુખ સાથે તે રેઇડ-2માં આવી રહી છે. આ ફિલ્મ ત્રણેક મહિના પછી ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. તેમાં ઇલિયાના ડીક્રુઝ કામ કરવાની હતી પણ તેને બદલીને વાણીને લેવામાં આવી છે. તેની અન્ય એક આવી રહેલી ફિલ્મ છે. અબીર ગુલાલ જેમાં તેની સાથે ફવાદ છે. આ ફિલ્મ લંડનમાં ફિલ્માવાય રહી છે. વાણી પાસે તો બચપન કા પ્યાર નામે ય એક ફિલ્મ છે. જેમાં રાજકુમાર રાવ છે. તકો મેળવવામાં તો વાણી સારું નસીબ લઇને આવી છે પણ તક વડે પૂરવાર થવામાં કેમ પાછી પડે છે તે સમજાતું નથી. તે દેખાવમાં પણ સારી છે. ગ્લેમરસ છે અને અભિનયમાં પણ નબળી નથી. હા, તે સાહસિક નથી. સારા બેનર અને સારા સ્ટાર્સની ઓથમાં ઊભા રહેવાનું તેને સલામત લાગે છે. આવી ફિલ્મોથી વધારે લાભ થતો નથી. શીરામાં એલચી નાંખો, દૂધપાકમાં એલચી નાંખો તો શીરો કે દૂધપાક સારો લાગે પણ એલચીથી શીરો કે દૂધ નથી બનતા. વાણી કપૂર આ સમજે તે જરૂરી છે કારણ કે તક કાંઇ હંમેશા મળતી રહેતી નથી. •

To Top