Charchapatra

મહાશિવરાત્રીએ સુરતનાં શિવાલયોમાં ઘીનાં કમળ ચઢાવવાની આસ્થા

શિવભક્તો ભોલેનાથની પૂજા કરે છે. ભક્તો શિવલિંગ પર બિલ્વપત્ર, ધંતુરો, કમળ, કાળા તલ વિ. ચઢાવે છે. દૂધ અને જળનો અભિષેક કરે છે. દર મહિનાની શિવરાત્રીએ ભારતમાં માત્ર દક્ષિણ ગુજરાત અને સુરતનાં શિવાલયોમાં ઘીનાં કમળ ચઢાવવાની પરંપરા છે. ભારતમાં બાર જ્યોતિર્લિંગ આવેલાં છે ત્યાં ઘીનાં કમળ ચઢાવવામાં આવ્યાં હોય એવું ધ્યાને નથી. મહા શિવરાત્રીએ રાત્રે શિવાલયોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને મોડી રાતે શિવલિંગ પર ઘીનાં કમળ ચઢાવવામાં આવે છે. ઘીનાં કમળ બનાવવાની એક અનોખી કલાગીરી છે.

ઘીનાં કમળ બનાવવા અને ઘીની ઉપર ચિત્રકામ કરવું એ કાર્ય એક કલાકાર જ કરી શકે. શિવભક્ત કલાકારો ઘીનાં કમળ બનાવી શિવની અનોખી  આરાધના કરે છે. આ શુભ કાર્ય કોઈ વ્યવસાય ધોરણે થતું નથી. સુરતનાં તમામ શિવમંદિરમાં મહાશિવરાત્રીએ ઘીનાં કમળ ચઢાવવામાં આવે છે. ભક્તો દ્વારા ઘીનું દાન કરવામાં આવે છે. સુરતમાં વિવિધ શિવ મંદિરોમાં દર મહિનાની શિવરાત્રીએ કલાત્મક ઘીનાં કમળ ચઢાવવામાં આવે છે.

મહાશિવરાત્રીએ સુરત ખાતેના કંતારેશ્વર મહાદેવ(કતારગામ), રૂંઢનાથ મહાદેવ(રૂંઢ), ઇચ્છાનાથ મહાદેવ(ઝાંપા બજાર અને ઉમરા), ભીડભંજન   મહાદેવ(ઉધના), ધૂળેશ્વર મહાદેવ(સલાબતપુરા), બિલ્વેશ્વર મહાદેવ(ઇંદરપુરા), ગંગેશ્વર મહાદેવ(અડાજણ), રામનાથ ઘેલા મહાદેવ (ઉમરા), સિદ્ધનાથ મહાદેવ(ઓલપાડ) વિગેરે પૌરાણિક શિવમંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને શિવ પાર્વતીના ચિત્રવાળાં મોટાં કલાત્મક ઘીનાં કમળ બનાવવામાં આવે છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top