SURAT

હવે ગાંધીનગરથી જ 7થી 8 કલાકમાં દર્દીને ઓમિક્રોન છે કે ? તેનો રિપોર્ટ આવી જશે

ગુજરાતમાં ઓમિક્રોનના 23 કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાના કેસ વધતાં હવે રાજ્ય સરકાર દ્વારા સુરત તથા અમદાવાદના એરપોર્ટ પર વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોનાના 75 હજારથી વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત ઓમિક્રોનનું જીનેમ સિકવન્સીગ ગાંધીનગરમાં થઈ રહ્યું છે, અહીં હવે 7થી 8 કલાકમાં દર્દીને ઓમિક્રોન છે કે નહીં ? તેનો રિપોર્ટ આવી જશે.

ગાંધીનગરમાં આજે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે રાજ્યમાં ત્રીજી લહેર આવશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે, હાલમાં સરકારે 1 લાખ જેટલા ઓક્સિજન બેડ તૈયાર રાખ્યા છે. ઓમિક્રોનના દર્દીઓની સારવાર માટે એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવા માટે સરકાર દ્વારા નવી નિષ્ણાંત તબીબોની ટીમ જાહેર કરાશે. ખાસ કરીને રાજ્યમાં પ્રતિદિન 75,000 જેટલા ટેસ્ટ કરાઈ રહ્યા છે. જે પહેલા 45થી 50 હજારની આસપાસ થતાં હતા. દર્દીને ઓમિક્રોન છે કે નહીં તે હવે 7થી 8 કલાકમાં નક્કી થશે. ગાંધીનગરમાં બાયોટેક લેબમાં નવી કિટ આવી ગઈ છે. તેના દ્વારા આ ટેસ્ટ કરાઈ રહ્યા છે.

અગ્રવાલે કહ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ સંદર્ભે WHO અને કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧લી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય યાત્રિકોના ટેસ્ટિંગ માટે જે ગાઈડલાઈન જાહેર કરાઈ ત્યારથી રાજ્યમાં અમદાવાદ તથા સુરત એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં એટ રિસ્ક અને નોન એટ રિસ્ક દેશના મળીને કુલ ૩૧,૦૦૦ હજારથી વધુ યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે તે પૈકી એટ રિસ્ક દેશના ૩,૫૦૦ જેટલાં યાત્રિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે નોન પોઝિટિવ તમામ યાત્રિકોને હોમ આઈસોલેશનમાં રાખીને તમામનું આરોગ્ય વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવા યાત્રિકોના દર ત્રીજા અને પાંચમાં દિવસે સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંક્રમણ વધે નહીં તે માટે રાજ્યભરમાં સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે. રાજ્યમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોન સંદર્ભે ટેસ્ટિંગની સુવિધાઓ વધારીને દરરોજના ૭૦થી ૭૫ હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે અને આગામી સમયમાં આ ટેસ્ટિંગની ક્ષમતા જરૂરિયાત મુજબ વધારવાનું આયોજન છે.

મનોજ અગ્રવાલે વધુમાં કહ્યું કે, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, 1 લાખ ઓક્સિજન બેડ- 10 હજારથી વધુ વેન્ટિલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે. ઓમિક્રોન સંદર્ભે WHO/ICMR દ્વારા જે સારવાર અંગે સૂચનાઓ મળશે એ મુજબની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર દ્વારા ગોઠવી દેવાશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૨૩ કેસ નોંધાયા છે. તેમાં સામાન્ય હળવા લક્ષણો જેવા કે, તાવ, ઉધરસ, શરદીના જોવા મળ્યા છે.

એથી કોઇપણ દર્દીને હોસ્પિટલમાં જવાની જરૂર પડી નથી. પરંતુ તકેદારી માટે એમને હોસ્પિટલમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે જેના લીધે અન્યમાં ચેપ પ્રસરે નહીં. ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે તેનો રાજ્યમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો છે. એટલે નાગરિકોને સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. પરંતુ માત્રને માત્ર સતર્ક રહીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સહયોગ આપવા અપીલ કરી છે.

ભૂપેન્દ્ર પટેલે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, અને મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 75 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી.આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે

Most Popular

To Top