World

ઉત્તર કોરિયાનું વધુ એક મિસાઇલ પરીક્ષણ: નવા પ્રકારનું મિસાઇલ હોવાની શક્યતા

સિઉલ: ઉત્તર કોરિયાએ (North Korea) આજે આ મહિનામાં તેનું પ્રથમ આંતરખંડીય બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ (Missile testing) કર્યું હતું, અને સંભવિત પણે આ એક નવા પ્રકારના મોબાઇલ (Mobile) અને શોધવામાં મુશ્કેલ પડે તેવા મિસાઇલનું પ્રથમ વાર પરીક્ષણ કરાયું હોવાની શક્યતા છે એમ તેના પાડોશીઓએ જણાવ્યું હતું. જ્યારે કે આ દેશ શસ્ત્ર પરીક્ષણોની ઉશ્કેરણીજનક દોડ આગળ વધારી રહ્યો છે.

  • એક હજાર કિમીની ઉડાન પછી આ મિસાઇલ કોરિયન અને જાપાની જળસીમાના વિસ્તારમાં જઇને પડ્યું
  • આ ઘન બળતણવાળું અને શોધવામાં મુશ્કેલી પડે તેવું હાઇટેક આંતરખંડીય મિસાઇલ હોવાની શક્યતા

ઉત્તર કોરિયાના ઉભરતા મિસાઇલ ખતરા સામે તેની જાગૃતિનો સંકેત આપતા જાપાને પોતાના ઉત્તરીય ટાપુના રહીશોને કેટલાક સમય માટે સલામત સ્થળે આશરો લેવા માટે ટૂંકા સમયની વિનંતી કરી હતી. આ મિસાઇલ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ નજીકથી એક હાઇ એંગલ પર છોડવામાં આવ્યું હતું અને કોરિયન દ્વિપકલ્પ અને જાપાન વચ્ચેના જળવિસ્તારમાં ૧૦૦૦ કિલોમીટરના ઉડ્ડયન પછી જઇને પડ્યું હતું એમ સાઉથ કોરિયાના જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેણે આ મિસાઇલની રેન્જ મધ્યમ અથવા લાંબી હોવાનું વર્ણવ્યું હતું. જયારે અમેરિકાની નેશનલ સિકયુરિટી કાઉન્સિલે આ મિસાઇલને લાંબી રેન્જનું ગણાવ્યું હતું અને જાપાનની સરકારે જણાવ્યું હતું કે તે એક આંતરખંડીય રેન્જ હોવાની શક્યતા છે.

દક્ષિણ કોરિયાનું લશ્કર માને છે કે ઉત્તર કોરિયાએ એક નવા પ્રકારના બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જેમાં સંભવિત પણે ઘન બળતણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એમ એક સંરક્ષણ અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું હતું. આ પ્રથમ વખત થયું હોવાની શક્યતા છે. આ પહેલા ઉત્તર કોરિયા તેના તમામ આંતરખંડીય બેલાસ્ટિક મિસાઇલમાં પ્રવાહી બળતણ વાપરતું આવ્યું છે જેને લોન્ચ પહેલા જ ભરવું પડતું હતું. ઘન બળતણવાળું આંતરખંડીય બેલાસ્ટિક મિસાઇલ એક હાઇ ટેક શસ્ત્ર મનાય છે.

Most Popular

To Top