SURAT

‘મારા ઘર પાસે કેમ રિક્ષા પાર્ક કરો છો’, કહી પાડોશીઓ એકબીજા પર ગુપ્તી-સળિયો લઈ તૂટી પડ્યાં

સુરત(Surat): ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાર્કિંગ અને અન્ય મુદે ચાલી રહેલી બબાલ હત્યા (Murder) સુધીમાં પહોંચી ગઇ હતી. તેમાં બે પરિવારોએ એક બીજા પર પાઇપ અને ગુપ્તી વડે હુમલા (Attack) કરીને ગંભીર ઇજા કર્યા હતા. તેમાં એકનું મોત (Death) નિપજયું હોવાની વિગત જાણવા મળી છે. આ પ્રકરણમાં બે લોકોને ઇજા (Injured) થઇ હોવાની વિગત જાણવા મળી છે. છેલ્લા 3 વર્ષથી બે પરિવારો વચ્ચે ચાલતી સામાન્ય બોલાચાલીનો કરૂણ અંજામ આવ્યો હતો.

  • ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઝનૂની બનેલા બાપ દિકરાએ પડોશીને સાત ગુપ્તીના ઘા ઝીંકી દીધા
  • પડોશી હિંમતભાઇનુ સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું, બેને ઈજા પણ પહોંચી

ઉત્રાણની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને સાડી જોબવર્કનું કામ કરતા જયસુખ હિંમત જેઠવા (ઉ.વ. 23 મૂળ રહે. તરેડ, મહુવા, ભાવનગર) અને પડોશી ધીરૂભાઇ કરશન ટાંકના પરિવાર વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી સિલાઇ મશીનના અવાજ, ગાડી પાર્ક મામલે સામાન્ય માથાકૂટ ચાલતી હતી. જેમાં મારામારી પણ થઈ હતી. જયસુખના પિતા હિંમતભાઇ ટેક્સટાઇલ માર્કેટમાંથી કાપડનો માલ લઇને રિક્ષા મોકલી હતી. તેમાં રિક્ષા ડ્રાયવર બંસીને ધીરૂભાઇના પત્ની દ્વારા ગાળો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધીરૂભાઇના પત્ની ગીતાબેને મારા ઘર પાસે કેમ રિક્ષા પાર્ક કરો છો તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો.

દરમિયાન મારી મમ્મી સાથે કેમ ઝઘડો કરો છો? તેમ ગીતાબેનના પુત્ર નરેન્દ્રએ જયસુખને ઢીકમુક્કી મારવાનું શરૂ કર્યુ હતું. જયસુખને બચાવવા માટે તેની માતા દમુબેન અને પત્ની ક્રિષ્નાબેન અન્ય પડોશીઓ વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન જયસુખ અને તેમનો પરિવાર ઘરમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ નરેન્દ્ર અને ધીરૂભાઇએ ઉશ્કેરાઇને જયસુખને તેના દરવાજા પર ગુપ્તીના ઘા ઝીંક્યા હતા. તે જ અરસામાં જયસુખના પિતા હિંમતભાઇ ઘરે આવ્યા હતા. બાપ દિકરા નરેન્દ્ર અને ધીરૂએ હિંમતભાઇના પેટમાં ગુપ્તી મારી દઇને સાત જેટલા ઘા કર્યા હતા. તે દરમિયાન જયસુખે પણ તેના પિતાને ફટકારી રહેલા નરેન્દ્રને માથા અને પીઠ પર સળિયા વડે હૂમલો કર્યો હતો. આ કિસ્સામાં પોલીસને પડોશીઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. તેમાં હિંમતભાઇનુ સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું.

Most Popular

To Top