Gujarat

ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને વર્ષના 10 દિવસ દફતરમાંથી મુક્તિ મળશે

ગાંધીનગર : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy) -2020ની જોગવાઈ હેઠળ આવતા પ્રિ- વોકેશનલ (Pre-vocational) વિદ્યાર્થીઓ કે જેઓ 6 થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે 10- બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. કેબિનેટ પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) શિક્ષણ વિભાગ અંતર્ગત હાથ ધરાયેલ નવીન પહેલ સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અમલી બની છે. ત્યારે તેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને (student) જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે.

હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે
જેના થકી વિદ્યાર્થીઓના જ્ઞાન, સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત સ્થાનિક ઔધોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવી કારકિર્દી વધુ ઉજ્જવળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જો કે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ પણ રાખી શકે છે.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે
તેમણે કહ્યું હતું કે, શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક શાળામાં વિતાવે છે, જેને જોતા વર્ષ દરમિયાન આ કાર્યક્રમની પ્રવૃતિઓ માટે શાળાના સમયના 10 દિવસ અથવા તો 60 કલાક ફાળવવામાં આવશે. જેમાં સત્રના પ્રથમ ભાગમાં ૫ દિવસ અને સત્રના બીજા ભાગમાં ૫ દિવસ આમ 10 દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.

શાળા દીઠ – રૂ. 15000/- એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ
પ્રારંભિક તબક્કે જાન્યુઆરી – 2023 ના પ્રથમ સપ્તાહમાં અજમાયશી ધોરણે રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10 બેંગલેસ ડેનો અમલ શરૂ કરવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી, 2023 અંત સુધીમાં ૧૦૦૯ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 10-બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ – રૂ. 15000/- એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.

Most Popular

To Top