Entertainment

“નાગ” નો હિન્દી ફિલ્મોમાં ફૂંફાડો

આ વર્ષે સાઉથના સ્ટાર્સની હિન્દી ફિલ્મોમાં ભરતીનું વર્ષ છે. તેમના વિશેની ચર્ચા જો કે લાંબી નથી ચાલતી કારણ કે તેઓ મુંબઈમાં રહેતા નથી ને મુંબઈની ફિલ્મોમાં હોતા નથી, પ્રેમમાં પડે કે પરણે તો તે બધું સાઉથમાં. પણ ભરતી ચાલુ છે અને તેમાં નાગ ચૈતન્ય સાઉથનો છે તો પણ તેના વિશે જૂદું કહેવું પડશે. તે સાઉથની નહીં, મુંબઈની ફિલ્મમાં પાત્ર ભજવી રહ્યો છે, હા, તે ભજવે છે તે પાત્રનું નામ બાલારાજુ બોડી છે એટલે સાઉથનું છે, પણ તેનો તો વાંધો નહીં. એક બીજોય મુદ્દો છે કે તેણે આમીરખાનની ફિલ્મથી હિન્દીમાં આવવું પસંદ કર્યું છે.

આમીરની ફિલ્મ હોય તો ચર્ચા આમીરની જ થશે પણ તોય તેણે જોખમ લીધું છે કારણ કે તેનું પાત્ર ખૂબ મહત્ત્વનું છે. ફિલ્મ રજૂ થયા પછી લોકો નાગ ચૈતન્યની ચર્ચા કરવા માંડે એ શક્ય છે. નાગ ચૈતન્ય સાઉથના ટોપસ્ટાર નાગાર્જુનનો દિકરો છે. નાગાર્જુન હિન્દી ફિલ્મોમાં સફળ નહોતો રહ્યો પણ હવે તેનો દિકરો આવ્યો છે તો નવી આશા રાખી શકે. તેના દાદા અક્કિનેની નાગેશ્વર રાવ કે નાના ડી. રામાનાયડુ સાઉથની ફિલ્મોમાં ઝળહળતું નામ ધરાવતા હતા. ડૉ. રામાનાયડુએ તો હિન્દીમાં ‘પ્રેમનગર’, ‘તોહફા’, ‘દિલવાર્તા’, ‘અનાડી’, ‘તકદીરવાલા’, ‘હમ આપ કે દિલમે રહેતે હૈ’ જેવી સફળ ફિલ્મો બનાવી છે. નાગ ચૈતન્ય શું કરે છે તે હવે જોવનું રહેશે.

સાઉથની ફિલ્મોમાં તો તે વિત્યા ચૌદ વર્ષથી છે અને ઘણી સફળ ફિલ્મો આપી ચૂક્યો છે. જોકે હિન્દીમાં તેની ફિલ્મોની ચર્ચા નથી થઈ બલ્કે સમૅન્થા રૂથ પ્રભુ સાથેના છુટાછેડાને કારણે થઈ છે. હવે નાગ ચૈતન્યની જેમ સામંથા પણ હિન્દી ફિલ્મોમાં આવી રહી છે પણ તેની વીસેક ફિલ્મો ડબ્ડ થઈ હિન્દીમાં રજૂ થઈ ચૂકી છે. નાગ ચૈતન્ય પોતાની શક્તિ વિશે તેમ મર્યાદા વિશે પણ સભાન છે. મર્યાદા એ વાતની કે હિન્દી ફિલ્મોમાં તે સાવ નવો છે અને હિન્દી બોલતા બહુ ફાવતુ નથી. જોકે તેનું પાત્ર ઉત્તરભારતમાં દક્ષિણ ભારતનો યુવાન હોય એવું છે અને એટલે જો તે સાઉથના ઉચ્ચારો સાથે હિન્દી બોલશે તો પાત્ર પ્રમાણે યોગ્ય લાગશે. આમીરખાને ‘લાલસીંઘ ચઢ્ઢા’ના લેખક અતુક કુલકર્ણી સાથે આઠ વર્ષની મહેનતે પટકથા પુરી કરી છે. આ ફિલ્મનું 75 ટકા શૂટિંગ પૂરું થયું પછી તેને બોલાવાયો હતો અને તેના ભાગોનું શૂટિંગ કરાયું હતું. ફિલ્મમાં તે બાલારાજુ બોડી છે અને કારગીલ યુધ્ધનાં મેદાનમાં પરિચય થાય છે તે કહે છે કે મારું પાત્ર કદાચ 20 થી 30 મિનીટનું છે પણ લાલસીંઘ ચઢ્ઢાના જીવનમાં તે ઘણો ભાગ ભજવે છે. •

Most Popular

To Top