Editorial

તમામ રાજકીય પક્ષોનું ‘રેવડી કલ્ચર’ બંધ જ થવું જોઈએ

જ્યારે પણ દેશમાં ચૂંટણી જાહેર થાય ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિવિધ લાલચો આપવામાં આવે છે. ચૂંટણી ઢંઢેરાના નામે રાજકીય પક્ષો દ્વારા લોભામણી જાહેરાતો કરવામાં આવે છે. આ જાહેરાતો જ્યાં સુધી જે તે યોજના પુરતી સિમીત હતી ત્યાં સુધી વાંધો નહોતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકીય પક્ષો દ્વારા લોકોને મફતમાં સુવિધાઓ આપવાની ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા એવું સમજવામાં આવે છે કે આવી જાહેરાતો દ્વારા તેઓ મતદારોને લોભાવીને મતો લઈ શકશે અને સત્તા પર આવી શકશે પરંતુ હકીકતમાં આ જાહેરાતોને કારણે દેશને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. મફતમાં સુવિધા આપવાને કારણે દેશની તિજોરી પર મોટી અસર પડી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેને રેવડી તરીકે ઓળખાવ્યું છે તે ચૂંટણીલક્ષી મફતની જાહેરાતોને હવે સુપ્રીમ કોર્ટે પણ ગંભીર મુદ્દો ગણાવ્યો છે. આપ દ્વારા ચૂંટણીલક્ષી મફતની જાહેરાતો કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા જ્યારે તેને દેશને નુકસાનકર્તા ગણાવાયું ત્યારે આપ દ્વારા એવી દલીલો કરવામાં આવી કે શાસક ભાજપ દ્વારા પોતાના ઉદ્યોગપતિ મિત્રોને લ્હાણી કરાવવામાં આવી રહી છે, જ્યારે અમે લોકોને ફાયદો કરાવી રહ્યા છીએ. જો ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવ્યો હોય તો તે પણ ખોટું છે અને જે રીતે આપ દ્વારા મફતની જાહેરાતો કરવામાં આવી રહી છે તે પણ ખોટું છે. કોંગ્રેસ દ્વારા આ જ રીતે મફતની જાહેરાતો કરવામાં આવી રહી છે તે પણ ખોટું જ છે.

રાજકીય પક્ષો દ્વારા એકબીજાની દેખાદેખીમાં એકપછી એક મફતની લ્હાણી કરવામાં આવી રહી છે તેની પર પ્રતિબંધ લાગવો જ જોઈએ. આ મફતની સુવિધામાં નાણાં ક્યાંથી અને કેવી રીતે આવશે અને તેને કારણે દેશ કે રાજ્યની તિજોરીની હાલત પર શું અસર પડશે? તે અંગે જ્યાં સુધી જે તે રાજકીય પક્ષ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી તેની પર આ પ્રકારની જાહેરાત કરવા પર પ્રતિબંધ લગાડી દેવો જોઈએ. એક પીઆઈએલ અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે તો આ ‘રેવડી કલ્ચર’ને બંધ કરવા માટે નિષ્ણાંતોની સંસ્થા રચવાની પણ હિમાયત કરી છે.

કોર્ટે ત્યાં સુધી કહ્યું છે કે, આ સંસ્થામાં કેન્દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ,આરબીઆઈ અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ થવો જોઈએ. કારણ કે આ મુદ્દો સીધી દેશની અર્થવ્યવસ્થા પર અસર કરે છે. મફતમાં આપવાને કારણે દેશ આર્થિક વિનાશ તરફ જાય છે. અમેરિકા સહિતના દેશોનું અર્થતંત્ર ભારે મજબૂત છે. જ્યારે તેની સરખામણીમાં ભારતનું અર્થતંત્ર વિકાસશીલ છે. અમેરિકાનું અર્થતંત્ર મજબૂત હોવાને કારણે તેણે પોતાના નાગરિકોને કોરોનાના સમયમાં તેમના બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા હતા પરંતુ ભારત સરકાર તેવું કરી શકે તેમ નથી.

ભારતમાં એવી સ્થિતિ છે કે, દેશની વસતી 138 કરોડ છે પરંતુ તેની સામે IT રિટર્ન ભરનારની સંખ્યા 5.83 કરોડ જ છે. જે બતાવે છે કે કેટલા ટકા લોકો ઈન્કમટેક્સ ભરે છે. ખરેખર તો તેજ લોકોને સરકારની જે તે યોજનાનો લાભ મળવો જોઈએ કે જે સરકારના બધા ટેક્સ ભરે છે. સરકારની એ ફરજ છે કે પ્રત્યેક નાગરિકને પડતી મુશ્કેલીનો સામનો કરવામાં સરકાર સહભાગી બને. પરંતુ ‘રેવડી કલ્ચર’, પછી તે કોઈપણ રાજકીય પક્ષનું હોય, ભારતના હિતમાં નથી તે ચોક્કસ છે. માત્ર ચૂંટણી જીતવાના લક્ષને બદલે દરેક રાજકીય પક્ષ દેશનો વિકાસ કેવી રીતે કરી શકાય તે લક્ષમાં રાખશે તો જ દેશની પ્રગતિ થશે અન્યથા ભારત દેશે દેવાળું ફૂંકવાનો વખત આવશે તે નક્કી છે.

Most Popular

To Top