SURAT

ગરીબો હક્કના પૈસા માંગે ત્યારે અમીરોને ગુસ્સો આવે છે, સુરતના કોર્પોરેટરના દીકરાએ મજૂરો પર ફાયરીંગ કર્યું

સુરત: શહેરના ભેંસાણ (Bhesan) વિસ્તારના કોર્પોરેટર (Corporator) અજીત પટેલના (AjitPatel) દિકરા દિવ્યેશ (Divyesh) સામે પાલ પોલીસ (Police) દ્વારા જાનથી મારી નાંખવાનો પ્રયાસ અને જાતિવિષયક અપશ્બદો બોલવાના કારણોસર ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

  • બાંધકામ સાઈટના કોન્ટ્રાક્ટર અને શ્રમિકોએ દિવાળી પહેલાં હિસાબ આપવા વિનંતી કરી તો બંને પક્ષ વચ્ચે ચકમક ઝરી
  • દશેરાએ ખરીદેલી લાઈસન્સવાળી રિવોલ્વર કાઢી દિવ્યેશે હવામાં બે રાઉન્ડ ગોળી છોડતાં નાસભાગ મચી
  • રાજકીય દબાણ કામ લાગ્યું નહીં, મોડી રાત્રે દિવ્યેશ વિરુદ્ધ ગુનો નોંધવા પાલ પોલીસે તજવીજ શરૂ કરી

અજીત પટેલની ઇશ્વરકૃપા નામની હાઇરાઇઝની સાઇટ ભેંસાણ ગામમાં ચાલી રહી છે. સાઇટ પર દિવાળી ટાંકણે શ્રમિકો ગામ જવા માંગતા હોવાથી તેઓએ હિસાબ પૂરો કરવા દિવ્યેશને જણાવ્યું હતું. સામી દિવાળીએ હિસાબ મામલે દિવ્યેશ સાથે શ્રમિકોની ચડભડ થઇ હતી.

હિસાબ મામલે શ્રમિકોએ અને કોન્ટ્રાકટરોએ ઉહાપોહ કર્યો હતો. જેમાં અજીત પાસે દિવાળી પર જતા પહેલા શ્રમિકોએ તેમનો હિસાબ આપી દેવા જણાવતા આ મામલે દિવ્યેશ અને મુકાદમ વચ્ચે બોલાચાલી થઇ હતી અને વાત મારામારી સુધી પહોચી હોવાની વિગત જાણવા મળી છે.

કોર્પોરેટર અજીત પટેલના દિકરાને હાલમાં જ એટલે કે દશેરાએ જ રિવોલ્વરનું લાયસન્સ આપવામાં આવ્યું છે, તેણે તેની જર્મન મેડ રિવોલ્વર કાઢી હતી અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેને પગલે શ્રમિકો અને કોન્ટ્રાકટરમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે કોર્પોરેટરના દીકરા દિવ્યેશ સામે મોડી રાત્રે એટ્રોસિટી અને જાનથી મારી નાંખવાની ધમકી મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નવી રિવોલ્વરનું ટેસ્ટિંગ કરતાં હતાં, કોઈને મારવાનો ઈરાદો નહીં હોવાનો કોર્પોરેટર અજીત પટેલનો બચાવ
દિવ્યેશ પટેલ અને કોર્પોરેટર પિતા અજીત પટેલ દ્વારા પાલ પોલીસ મથકમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને હાલમાં જ નવી રિવોલ્વર મળી છે. તેથી તેઓ તેનું ટેસ્ટીંગ કરતા હતા, તેઓનો ઇરાદો કોઇને મારવાનો ન હતો. દરમિયાન રાત્રિના આઠ વાગ્યે રાજકીય પાર્ટીના આગેવાનો પાલ પોલીસ મથકે ધસી ગયા હતા. મોડી રાત્રિએ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા માટે હિલચાલ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top