Vadodara

તબીબો સહિત 2 હજારથી વધુ આરોગ્ય કર્મી મતદાન દરમિયાન સેવાઓ આપશે

વડોદરા:  શહેર અને જિલ્લાના અન્ય તંત્રોની જેમ ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને સફળ બનાવવામાં આરોગ્ય તંત્રો ખૂબ ચાવીરૂપ યોગદાન આપે છે.ખાસ કરીને મતદાનના દિવસે હજારોની સંખ્યામાં ઊભા કરવામાં આવતા મતદાન મથકો અને અગાઉના દિવસે મતદાન સામગ્રીના વિતરણ સમયે પણ જિલ્લા અને મહાનગર પાલિકા આરોગ્ય ટીમો ખૂબ ખંતપૂર્વક સ્વાસ્થ્ય રક્ષા સેવાઓ આપે છે. માત્ર ગણતરીના દિવસ અગાઉ પાદરામાં અને ગઈકાલે ભાયલી નજીક રાઈપુરામાં દૂષિત ખોરાકથી મોટી સંખ્યામાં આરોગ્ય કથળવાની બનેલી ઘટનાઓ વચ્ચે આરોગ્ય તંત્ર ચૂંટણીની ફરજો પણ અદા કરી રહ્યું છે.

મતદાનના દિવસે શહેર અને જિલ્લા આરોગ્ય તંત્રના તબીબો સહિત 2 હજાર થી વધુ આરોગ્ય કર્મયોગી સેવાઓ આપશે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે જણાવ્યું કે આરોગ્ય ની ટીમો આજ થી જ ચૂંટણી ફરજોમાં જોડાઈ ગઈ છે.આજે વડોદરા શહેરની પાંચ અને જિલ્લાની પાંચ એમ કુલ 10 વિધાનસભા બેઠકોના 10 મતદાન સામગ્રી વિતરણ કેન્દ્રો ખાતે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ તેમજ જરૂરી દવાઓ સાથે મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી હતી.વિતરણ દરમિયાન કોઈ આરોગ્ય વિષયક તકલીફ સર્જાય તો તુરત સેવા મળી રહે તેવા આશય સાથે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.શહેર અને જિલ્લાના 2590 મતદાન મથકો ખાતે ફરજ બજાવનારી મતદાન ટુકડીઓ ને મેડિકલ કીટ આપવામાં આવી છે જેમાં તાવ,વોમિટીંગ જેવી સામાન્ય માંદગીમાં ઉપયોગી દવાઓ રાખવામાં આવી છે.

  દરેક મતદાન મથક માટે એક મેડિકલ ટીમ નિયુક્ત કરવામાં આવી છે જેમાં પુરુષ અને મહિલા આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકર બહેનોનો સમાવેશ થાય છે.તેમની સાથે જરૂરી દવાઓ સેની ટાઈઝર,માસ્ક પણ રહેશે.જ્યારે નજીકના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ મતદાન શરૂ થાય ત્યાર થી પૂરું થવા સુધી ઉપસ્થિત રહેશે અને જરૂરિયાત ના સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે.જીવન રક્ષક સેવા 108 સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે જેનો પણ આરોગ્ય કટોકટીને પહોંચી વળવા માટે વિનિયોગ કરવામાં આવશે.

Most Popular

To Top