Sports

IPL મિની ઓક્શન માટે કુલ 405 ખેલાડી શોર્ટલિસ્ટ, ભારતના આ ખેલાડીઓ 1 કરોડની બેઝ પ્રાઈઝમાં સામેલ

નવી દિલ્હી: આઇપીએલ 2023 (IPL-2023) માટે 23 ડિસેમ્બરે કોચીમાં (Kochi) યોજાનારા મિની ઓક્શન (Mini Auction) માટે કુલ 405 ખેલાડીઓને (Players) શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ મિની ઓક્શન માટે કુલ 991 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી, ટીમોએ 369 નામોને શોર્ટલિસ્ટ કર્યા હતા. પછીથી ફ્રેન્ચાઇઝીઓની વિનંતીને પગલે વધુ 36 નામ ઉમેરવામાં આવ્યા હતા અને તેના કારણે મિની ઓક્શનમાં સામેલ ખેલાડીઓની કુલ સંખ્યા 405 થઈ ગઈ છે.

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને ઓસ્ટ્રેલિયાનો ઉભરતો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન સહિત કુલ 19 વિદેશી ખેલાડીને સૌથી વધુ રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ મળી છે. જ્યારે ઇંગ્લેન્ડના માજી ટેસ્ટ કેપ્ટન જો રૂટ, ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન તેમજ ભારતના મયંક અગ્રવાલ અને મનિષ પાંડે સહિત કુલ 20 ખેલાડીને 1 કરોડની બેઝ પ્રાઇસમાં રખાયા છે. પ્રથમ સેટમાં જે 6 ખેલાડીઓ પર બિડિંગ થવાની છે તેમાં રહાણે અને મયંક ઉપરાંત ઈંગ્લેન્ડના હેરી બ્રુક અને જો રૂટ, ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન અને દક્ષિણ આફ્રિકાના રિલે રુસોનું નામ સામેલ છે. સેમ કરન, કેમરન ગ્રીન, શાકિબ ઉલ હસન, જેસન હોલ્ડર, સિકંદર રઝા, ઓડેન સ્મિથ અને બેન સ્ટોક્સના નામ બીજા સેટમાં છે.

405 ખેલાડીઓમાં 273 ભારતીય, 132 વિદેશીમાં 4 એસોસિએટ દેશના ખેલાડી
405 ખેલાડીઓને શોટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં ભારતના 273 અને વિદેશી ખેલાડીઓની સંખ્યા 132 છે. જેમાં 4 એસોસિએટ દેશોના ખેલાડીઓ સામેલ છે. આ હરાજીમાં 119 ખેલાડીઓ એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે, જ્યારે 282 અનકેપ્ડ ખેલાડીઓ તેમાં સામેલ છે. ફ્રેન્ચાઇઝીઓ પાસે ખાલી બચેલા 87 સ્થાનમાંથી મહત્તમ 30 વિદેશી ખેલાડીઓ માટે છે.

મિની હરાજીમાં સામેલ થનારા કેટલાક ચર્ચિત ખેલાડી
મયંક અગ્રવાલ (ભારત), હેરી બ્રુક (ઇંગ્લેન્ડ), જો રૂટ (ઇંગ્લેન્ડ), રિલે રુસો (દક્ષિણ આફ્રિકા), કેમરન ગ્રીન (ઓસ્ટ્રેલિયા), સિકંદર રજા (ઝિમ્બાબ્વે), બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ), અજિંક્ય રહાણે (ભારત), ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા), નિકોલસ પુરન (વેસ્ટઇન્ડીઝ), મુજીબ ઉર રહેમાન (અફઘાનિસ્તાન), ડેવિડ મલાન (ઇંગ્લેન્ડ), દાસુન શનાકા (શ્રીલંકા), પોલ સ્ટર્લિંગ (આયરલેન્ડ), શે હોપ (વેસ્ટઇન્ડીઝ), ડેરિલ મિચેલ (ન્યૂઝીલેન્ડ), રસી વાન ડર ડુસેન (દક્ષિણ આફ્રિકા), ટોમ લાથમ (ન્યૂઝીલેન્ડ), જેસન રોય (ઇંગ્લેન્ડ), કાર્તિક મયપ્પન (યુએઇ), હેરી ટેક્ટર (આયરલેન્ડ), રીઝા હેંડ્રિક્સ (દક્ષિણ આફ્રિકા), બ્લેસિંગ મુજરબાની (ઝિમ્બાબ્વે)

Most Popular

To Top