World

રશિયાના બેલગોરોડમાં મિલેટરી પ્લેન ક્રેશ, યુક્રેન યુદ્ધના 65 કેદીઓ સહિત 74 લોકોના મોત

મોસ્કો: રશિયાના (Russia) બેલગોરોડમાં (Belgorod) આજે બુધવારે એક મિલિટરી ટ્રાન્સપોર્ટ (Military transport) પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું. આ વિમાન 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને (Prisoner of War) લઈ જઈ રહ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે પ્લેનમાં કેદીઓ સહિત 74 લોકો સવાર હતાં. જેમાં છ ક્રૂ મેમ્બર અને ત્રણ ગાર્ડનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં (Accident) દરેકના મોત થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રશિયાના બેલગોરોડમાં બુધવારે એક મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. રશિયન રાજ્ય મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે વિમાન 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જઈ રહ્યું હતું. જેમની આપ-લે થવાની હતી. સંરક્ષણ મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે વિમાન ક્રેશ થયું ત્યારે તેમાં ક્રૂના છ સભ્યો અને ત્રણ ગાર્ડ સહિત 74 લોકો સવાર હતા. રશિયન ગવર્નરે કહ્યું કે આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

આ રશિયાનું IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લેનમાં સવાર તમામ કેદીઓ મૃત્યુ પામ્યા છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી.

પ્લેન પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો
પ્લેન ક્રેશ થવા પાછળના કારણ અંગે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ આ હુમલાની સત્તાવાર જાણકારી પણ હજી સધી જાહેર કરાઇ નથી. પરંતુ રશિયન ધારાશાસ્ત્રી અને નિવૃત્ત જનરલ આન્દ્રેઈ કાર્તાપોલોવે સંસદીય સત્ર દરમિયાન જણાવ્યું હતું કે વિમાનને ત્રણ મિસાઈલો દ્વારા ક્રેશ કરવામાં આવ્યું હતું. જો કે તેમણે એ નથી જણાવ્યું કે કયા સ્ત્રોતમાંથી આ વાતની પુષ્ટિ થઈ છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે રશિયન સુરક્ષા સેવાઓ સાથે જોડાયેલી એક ટેલિગ્રામ ચેનલ પરના વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેન ક્રેશ થયું છે અને તેમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે.

જણાવી દઈએ કે આ સ્થળ યુક્રેનની સરહદને અડીને છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદી વિસ્તારમાં યુક્રેન તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. આ હુમલાઓમાં 25 લોકોના મોત થયા છે. તેમજ યુક્રેન આ વિસ્તારોમાં વારંવાર મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે.

Most Popular

To Top