SURAT

સુરતના મેટ્રો રેલ પ્રોજેકટ માટે આ દેશ આપશે 2211 કરોડ રૂપિયાની સહાય

સુરત (Surat): સુરત શહેરને મેટ્રો શહેર બનાવવા માટેના મહત્વાકાંક્ષી પ્રોજેકટ સમાન મેટ્રો રેલ પ્રોજેકટ (Metro Rail Project, Surat) માટે હવે ફ્રાન્સની એજન્સીએ રૂપિયા 2211 કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા ફ્રાન્સના અધિકારીઓ દ્વારા સુરતના સૂચિત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત હવે સફળ થઈ છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત દ્વારા ટ્વીટર પર આ જાણકારી આપવામાં આવી હતી. આ ભંડોળ મળતાં જ મેટ્રો રેલ બનાવવા માટેની નાણાંકીય મોટી સહાય ઉપલબ્ધ થવા પામી છે.

સુરત શહેરમાં બે રૂટ પર મેટ્રો રેલ તૈયાર થનાર છે. જેમાં એક રૂટ સરથાણાથી ડ્રીમ સિટીનો રહેશે. જે 21.61 કિ.મી.નો છે. જ્યારે બીજો રૂટ ભેંસાણથી સરોલીનો રહેશે. જે 18.75 કિ.મી.નો બનશે. સરથાણાથી ડ્રીમ સિટીનો રૂટ અંડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડે રહેશે. જ્યારે ભેંસાણથી સરોલીનો રૂટ એલિવેટેડ રહેશે. સરથાણાથી ડ્રીમસિટીના રૂટમાં સરથાણા, નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, કાપોદ્રા, લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોક બજાર, ગાંધી બાગ, કાદરશાની નાળ, મજુરા ગેટ (ઇન્ટરચેંજ), રૂપાલી કેનાલ , અલથાણ ટેનામેન્ટ, અલથાણ ગામ, વીઆઈપી રોડ, વુમન આઈટીઆઈ, ભીમરાડ, કન્વેન્શન સેન્ટર, ડ્રીમ સિટી સ્ટેશન રહેશે.

જ્યારે ભેંસાણથી સરોલી સુધીના રૂટમાં ભેંસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગ્રહ, પાલનપુર રોડ, એલ.પી. સવાણી સ્કૂલ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એક્વેરિયમ, બદરી નારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરા ગેટ (ઇન્ટરચેંજ), ઉધના દરવાજા, કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડેલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલ, સરોલી સ્ટેશન રહેશે. આ બંને રૂટ પૈકી હાલમાં પ્રથમ ડ્રીમ સિટીથી રૂટ માટે ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખાતમુહૂર્ત સાથે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી શરૂ થવાની સાથે જ સારા સમાચાર પણ મળ્યા છે.

સુરત મેટ્રો રેલ માટે કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા ફ્રાન્સ ડેવલપમેન્ટ એજન્સી સાથે એમઓયુ કરવામાં આવ્યા હતાં. જેમાં સુરતની મેટ્રો રેલને 250 મિલિયન યુરો એટલે કે 2211 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરાયો હતો. આ સમયે કેન્દ્રીય ઉડ્ડ્યન મંત્રી હરદીપપુરી પણ હાજર રહ્યાં હતાં. આ સહાય સાથે જ હવે મેટ્રો રેલની કામગીરી વધુ ઝડપી બની શકશે. જેનો સીધો લાભ સુરતના વિકાસને મળશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top