National

ભારતમાં નિખિલ સાથે મારે લગ્ન માન્ય જ નથી- નુસરત જહાં

તૃણમુલ કોંગ્રેસના સાંસદ (MP) અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અને તેના પતિ નિખિલ જૈન વચ્ચેના સંબંધોમાં અણબનાવના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નુસરત નિખિલથી અલગ રહે છે. હવે ખુદ અભિનેત્રીએ (Actress) તેના સંબંધ વિશે ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ નુસરત જહાંની ગર્ભાવસ્થાના સમાચાર પ્રકાશિત થયા હતા, જેના પર નિખિલે કહ્યું હતું કે તે નુસરતની પ્રેગ્નેન્સી વિષે તેને કાંઈ જ ખબર નથી. જો એમ હોય તો પછી તે બાળક તેમનું નથી. તેઓ છ મહિનાથી સાથે નથી. હવે નુસરત જહાંએ કહ્યું છે કે નિખિલ જૈન સાથે તેના લગ્ન (Marriage) માન્ય જ નથી. તો છૂટાછેડા લેવાનો સવાલ ઉભો થતો નથી. નુસરતે એક નિવેદન બહાર પાડીને અનેક ઘટસ્ફોટ કર્યા છે. નુસરતે કહ્યું કે તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે. અને આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં તે માન્ય નથી. નુસરતે 2019 માં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ટીએમસી (TMC) સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઉભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ તેનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણાં આરોપ લગાવ્યા છે. તે ઉપરાંત તેણે કહ્યું છે કે, તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે. અને આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં માન્ય નથી. ઉપરાંત અમારા મેરેજ આંતરધર્મીય છે, તેથી આ લગ્નને ભારતમાં સ્પેશિયલ મેરેજ એક્ટમાં મંજૂરી મળવી જરૂરી છે, પરંતુ હજી સુધી તે મંજૂરી મળી નથી. તેથી કાયદાકીય રીતે અમારા લગ્ન માન્ય નથી. તેથી આને માત્ર એક સંબંધ અથવા લિવ-ઈન- રિલેશનશિપ કહી શકાય. આ સંજોગોમાં અમારા તલાકનો કોઈ સવાલજ ઉભો થતો નથી.

નુસરતે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, મારી કમાણીની ઘણી સંપત્તિ પણ તેણે મારી પાસેથી છીનવી લીધી છે. મારા કપડા, બેગ્સ અને ઘણી એસેસરિઝ હજી પણ નિખિલ પાસે છે. મને જણાવતા ઘણું દુખ થાય છેકે, મારા પૈતૃક દાગીના જે મારા માતા-પિતા, મિત્રો અને સંબંધીઓ આપ્યા હતા તે એની પાસે છે.

આ દરમિયાન નુસરતનું નામ બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા અહેવાલો આવ્યા હતા કે નુસરત અને યશ વચ્ચે નિકટતા વધવા માંડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નુસરત અને યશ તાજેતરમાં જ રાજસ્થાન પ્રવાસ પર સાથે હતા. તેઓએ સોશિયલ મીડિયા પર માત્ર તસવીરો જ પોસ્ટ કરી નહોતી, પરંતુ એકબીજાની પોસ્ટ પર પણ ટિપ્પણી કરી છે.

Most Popular

To Top