Business

મેક ઇન ઇન્ડિયા માત્ર પ્રચાર બની રહ્યો, ચીનમાંથી આયાતનો ઉત્તરોત્તર થઇ રહેલો વધારો

યુક્રેન-રશિયા તથા તાઇવાન-ચીન વચ્ચેના જીયો પોલીટીકલ ટેન્શનની સાથે વૈશ્વિક ધરી ઉપર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું હોય તેવુ ફલિત થાય છે. ભારત દેશમાં ઘણી બધી પ્રોડકટસ ઉપર ચીન ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. આ સંજોગોમાં ભારતમાં ચીનની આયાત વધતી જતી જોવા મળી રહી છે. જોકે, કોરોના બાદ ભારતે ચીન ઉપર નિર્ભર ન રહેવું પડે તે માટે આત્મ નિર્ભર અભિયાન હાથ ધર્યુ હતું. જેને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ભારતની ચીન પરની નિર્ભરતા ઘટવાના બદલે વધતી જોવા મળી રહી છે. ભારત સરકારે પીએલઆઇ સ્કીમ હેઠળ ભારતમાં જ ઉત્પાદન વધે તે માટેના પ્રયાસો આરંભી દીધા છે.

હાલમાં ભલે ચીનથી આયાત વધી રહી છે, પરંતુ આ તમામ ઔદ્યોગિક એકમો શરૂ થઇ જશે અને ઉત્પાદન કરવાનં શરૂ કરશે એટલે કે ચીનની ઉપરની નિર્ભરતામાં ઘટાડો આવશે, તેવો સરકારને વિશ્વાસ છે. પરંતુ છેલ્લા બે વર્ષના ડેટા જોઇએ તો ચીન પરની નિર્ભરતા ઘટવાના બદલે વધતી જતી જોવા મળી રહી છે. આમ, મેઇક ઇન ઇન્ડિયાના ખુબ પ્રચાર પછી આ પ્રચાર એ માત્ર પ્રચાર જ બની ગયો છે અને દેશની પ્રજાએ ચાઇનીઝ આઇટમો ખરીદવાનું ટાળ્યું નથી. જોકે, ચાઇનીઝ આઇટમો દરેકના ઘરે પહોંચી ચુકી છે, ત્યારે આ મેઇક ઇન ઇન્ડિયાને સફળ બનાવવામાં હજુય ઘણા વર્ષો લાગી જાય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

વાણિજ્ય મંત્રાલયના ડેટા ઉપર નજર નાંખીએ તો 2021-22માં ભારતની ચીન સાથેના વેપારની ખાદમાં વધારો થયો છે અને આ વલણ 2022-23માં પણ ચાલુ રહેતું જોવા મળ્યું છે. 2021-22માં ચીન સાથેની વેપાર ખાધ 72.9 અબજ ડોલર હતી, તે અગાઉના વર્ષની સરખામણીએ 29 અબજ ડોલર વધુ છે. 2021-22માં 44 અબજ ડોલર હતી, જે 2019-20માં 48.6 અબજ ડોલર હતી. ચીજવસ્તુઓની આયાત અને નિકાસ વચ્ચેની તફાવતને વેપાર ખાધ કહેવામાં આવે છે. દેશની નિકાસ કરતાં આયાત વધુ હોય ત્યારે વેપારમાં ખાધ થાય છે. એટલે કે આયાત વધે છે અને નિકાસ ઘટે છે.

ભારતે મે, 2022માં 1.6 અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી છે, જે મે, 2021ની સરખામણીએ 25 ટકા ઓછી છે, એટલે કે 2021ના 2.1 અબજ ડોલર ઘટી છે. 2022 એપ્રિલ તથા મે મહિનામાં ભારતની નિકાસ ગત વર્ષની સરખામણીએ 31 ટકા ઘટીને 3 અબજ ડોલર રહી છે, જે ગત વર્ષે 4.4 અબજ ડોલરની હતી. બીજી તરફ, નિકાસની સરખામણીએ આયાતમાં વર્ષોવર્ષમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મલ્યો છે. મે મહિનામાં 2022માં ભારતની આયાત મે, 2021 કરતાં 5.47 ટકા વધી હતી, જ્યારે એપ્રિલ-મે, 2022માં કુલ આયાત ગત વર્ષના સમયગાળામાં 12.75 ટકા વધી હતી. ભારતમાં ચીનથી થતી આયાત વધી હતી, જ્યારે ચીનમાં થતી નિકાસ ઘટી હતી.

દેશના વાણિજ્ય મંત્રાલય તેમજ ચીનના જનરલ એડમીનીસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સે જાહેર કરેલા આંકડા અનુસાર સતત બીજા વર્ષે 2022-23માં પણ ભારત તથા ચીન વચ્ચેનો કુલ વેપાર 100 અબજ ડોલર કરતાં વધી જશે. 2021-22માં બંને પડોશી દેશો વચ્ચેનો કુલ વેપાર 115 અબજ ડોલરનો થયો હતો. જોકે, કોવિડ-19ના કારણે ચીનમાં લાંબા સમય સુધી લોકડાઉન હતું, તેથી ભારતમાંથી આયાત થતી મોટા ભાગની ચીજવસ્તુઓ ખાસ કરીને કાચો માલ જેવી કે ખનિજ, લોંખડ, રૂ, માંસ વગેરેની માગમાં ઘટાડો થયો છે.

2021ના પ્રથમ છ મહિનામાં 6.1 ટકા હિસ્સા સાથે ચીન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો આયાતકાર હતો, પરંતુ 2022ના પ્રથમ છ મહિનામાં 3.7 ટકા હિસ્સા સાથે પાંચમા ક્રમે આવી ગયો હતો. આ વર્ષે અમેરિકા, યુએઇ, નેધરલેન્ડ અને બાગ્લાદેશમાં ભારતની નિકાસ વધી છે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું છે કે, પીએલઆઇ યોજનાના કારણે સ્પર્ધાત્મક એકમો ઉભા થશે અને વૈશ્વિક પુરવઠાની સાંકળમાં ભારતનું સ્થાન મજબૂત થશે. ખાસ કરીને આત્મ નિર્ભર અંતર્ગત ભારત આ યોજના હેઠળ નવું નવું ઉત્પાદન કરશે અને તેમાં નિકાસને વેગ મળશે, તેની સાથે સાથે ભારતને આયાતનો ઘટાડો થશે, જે મહત્વનો હેતુ રહેલો છે.

Most Popular

To Top