National

મહારાષ્ટ્રમાં એકસ્પ્રેસ-વે પર દોડતી બસમાં આગ લાગી, 26 મુસાફરો જીવતા ભડ્થું થયા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) બુલઢાણા જિલ્લામાં શુક્રવારની મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ નાગપુર અને પુણે વચ્ચેના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ (Bus) પોલ સાથે અથડાઈ, ડિવાઈડર પર ચઢી પલટી ખાઈ ગઈ હતી જેના કારણે બસમાં આગ (Fire) લાગી ગઈ હતી. બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા ભડ્થું થયા હતા.

પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના જણાવી
અકસ્માતમાં બચી ગયેલા એક મુસાફરે સમગ્ર ઘટનાને વર્ણવતા કહ્યું હતું કે લગભગ 1.30 વાગ્યાની આસપાસ બસપોલ સાથે અથડાઈ, ડિવાઈડર પર ચઢી પલટી ખાઈ ગઈ હતી. અને બસનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતા જ બસમાં આગ લાગી ગઈ હતી. આસપાસ ડિઝલ ઢોળાઈ જતાં આગે રફતાર પકડી હતી અને થોડી જ મિનિટોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હું અને મારી સાથે બેઠેલા અન્ય મુસાફર કોઈક રીતે બસની પાછળની બારી તોડીને બહાર નીકળી ગયા હતા. અમે પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી જેથી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે દુર્ઘટના બાદ 4-5 લોકો સળગતી બસમાંથી બહાર આવી શક્યા પરંતુ બાકીના લોકો બહાર કાઢી શક્યા ન હતા.

રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોની મદદ માટે વિનંતી કરી પરંતુ કોઈએ મદદ માટે વાહન રોક્યું નહિં
અકસ્માતમાં બચી ગયેલા અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે તે બસમાંથી બહાર આવ્યો અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોની મદદ માટે વિનંતી કરી પરંતુ કોઈએ મદદ માટે વાહન રોક્યું ન હતું. જ્યાં અકસ્માત થયો ત્યાંના એક સ્થાનિકે જણાવ્યું કે પિંપલખુટાના આ માર્ગ પર અનેક અકસ્માતો થાય છે. જ્યારે અમને મદદ માટે બોલાવવામાં આવ્યા અને અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે અહીંનું દ્રશ્ય ભયાનક હતું. બસની અંદરનાં લોકો પોતાનો જીવ બચાવવા બારી તોડી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે લોકોને જીવતા સળગતા જોયા…આગ એટલી ગંભીર હતી કે અમે કંઈ કરી શક્યા નહીં.

બસ ડાબી તરફ પલટી જેના કારણે દરવાજો ન ખુલ્યો અને 26 લોકો જીવતા ભડ્થું થયા
અન્ય એકે જણાવ્યું કે જો હાઈવે પરથી પસાર થતા વાહનો મદદ માટે થોભયા હોત તો ઘણા લોકોના જીવ બચી શક્યા હોત. અકસ્માતમાં ઘાયલ આઠ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર છે. અકસ્માત સમયે બસમાં 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 26 લોકો જીવતા સળગી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. ઘટનામાં બસ ડાબી તરફ પલટી હતી જેના કારણે તેનો દરવાજો નીચેની તરફ આવી ગયો હતો અને બસમાં સવાર લોકો બહાર નીકળી શક્યા ન હતાં. અકસ્માત બાદ ડીઝલનો મોટો જથ્થો રોડ પર ફેલાઈ ગયો હતો, જેના કારણે બસમાં આગ લાગી હતી.

મહારાષ્ટ્રના સીએમ અને વડાપ્રધાને આર્થિક સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Most Popular

To Top