Columns

મધ્યે મહાભારત હાથમાં હથિયાર ન લઈને ભગવાન શ્રીકૃષ્ણે પ્રેમનું પાલન કર્યું છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા’ – વિશ્વનું સર્વોચ્ચ અધ્યાત્મદર્શન ! યુદ્ધના મેદાનમાં? એક મહાન યુદ્ધ – મહાભારત યુદ્ધના મેદાનમાં? હા, શ્રીમદ્ ભગવદ્ ગીતા’ યુદ્ધના મેદાનમાં! એક મહાન યુદ્ધ – મહાભારત યુદ્ધના મેદાનમાં! ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને અધ્યાત્મવિદ્યાનાં પરમ રહસ્યોનું જ્ઞાન આપે છે. આ ઘટના મહાભારત યુદ્ધના પ્રારંભે ઘટે છે અને તે અધ્યાત્મવિદ્યાને આપણે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કહીએ છીએ. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ ‘મહાભારત’ના ‘ભીષ્મપર્વની અંતર્ગત છે. અધ્યાત્મવિદ્યાનાં રહસ્યોનું આવું જ જ્ઞાન ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને પણ આપે છે. આ ઘટના પણ યુદ્ધના પ્રારંભે ઘટે છે, યાદવોના આંતરવિગ્રહ અર્થાત્ યાદવાસ્થળીના પ્રારંભે ઘટે છે. તે અધ્યાત્મવિદ્યાને આપણે ‘શ્રી ઉદ્ધવગીતા’ કહીએ છીએ. ‘શ્રી ઉદ્ધવગીતા’‘શ્રીમદ્ ભાગવત’ના એકાદશસ્કંધની અંતર્ગત છે.

‘શ્રીમદ ભગવદ્દ ગીતા’ના 17 અધ્યાય છે અને ‘શ્રી ઉદ્ધવગીતા’ના 24 અધ્યાય છે. હવે પ્રશ્ન એ છે કે અધ્યાત્મવિદ્યા જેવી એક ગહન-ગંભીર, રહસ્યવિદ્યા ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધના પ્રારંભ – યુદ્ધના ટાણે કેમ આપે છે? યુદ્ધ અને અધ્યાત્મનો શો સંબંધ છે ? અધ્યાત્મવિદ્યાના પ્રારંભે ઉપસ્થિત આ યુદ્ધ કયું યુદ્ધ છે? આ છે જીવનયુદ્ધ!  જીવનયુદ્ધ : જીવનયુદ્ધ એટલે શું ? જીવન કોઈ યુદ્ધ છે? ‘યુદ્ધ’ શબ્દ કોઈને ગમતો નથી. જીવનને યુદ્ધ ગણવાનું રુચિકર લાગતું નથી. આમ છતાં જીવનમાં યુદ્ધ છે. એ હકીકતનો ઇન્કાર કરી શકાય તેમ નથી. યુદ્ધ એટલે તલવાર-બંદૂકથી લડી શકાય તેવું યુદ્ધ – આવો મર્યાદિત અર્થ સર્વથા લઈ શકાય નહીં. યુદ્ધનાં અનેક સ્વરૂપો છે અને એક ઘણા સૂક્ષ્મ અને વિશિષ્ટ અર્થમાં ‘જીવનયુદ્ધ’ શબ્દ પ્રયોજાય છે.

 સમગ્ર અસ્તિત્વ અને માનવજીવન સતત વિકાસશીલ પ્રક્રિયા છે. ‘To live is to grow’ – જીવવું એટલે વિકસવું ! આમ, અસ્તિત્વમાં અને જીવનમાં ગતિ છે, વિકાસ છે. જીવનવિકાસની આ મહાન પ્રક્રિયામાં બધાં જ પરિબળો સાનુકૂળ જ હોય તેવું નથી, પ્રતિકૂળ અર્થાત્ વિપરીત પરિબળો પણ હોવાનાં જ. જીવનવિકાસની આ પ્રક્રિયા સાનુકૂળ અને પ્રતિકૂળ પરિબળોની ઘટમાળ વચ્ચે જ ચાલે છે અને આવી ઘટમાળ વચ્ચે આપણે આપણો જીવનવિકાસ સિદ્ધ કરવાનો છે. આ છે જીવનયુદ્ધની પ્રક્રિયા !

માનવજીવન અને સમગ્ર અસ્તિત્વની એક સંવાદિતા હોય છે. આ સંવાદિતા કાયમી નથી. એક સંવાદિતામાંથી આપણે વધુ ઉચ્ચતર સંવાદિતા તરફ સતત ગતિ કરી રહ્યા છીએ, વિકસી રહ્યા છીએ અને યાદ રહે, બે સંવાદિતા(harmony)ની વચ્ચે વિસંવાદિતા (disharmony) હોય છે.  તદનુસાર આપણે એક સંવાદિતામાંથી ઉચ્ચતર સંવાદિતામાં પહોંચવા માટે વિસંવાદિતા(disharmony)ના ક્ષેત્રમાંથી પસાર થવું પડે છે. આ વિસંવાદિતાના ક્ષેત્રમાંથી પસાર થતી વખતે આપણે અનેક વિપરીત પરિબળોનો સામનો કરવો પડે છે. આ જીવનયુદ્ધ છે! આ જીવનયુદ્ધના મેદાનમાં અધ્યાત્મવિદ્યાની અર્થાત્ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અનિવાર્ય આવશ્યકતા છે.

 મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણ : ભગવાન શ્રીકૃષ્ણ મહાભારત યુદ્ધમાં સંમિલિત થયા છે પરંતુ યોદ્ધા તરીકે નહીં, સારથિ તરીકે! આમ શા માટે ? ભગવાન શ્રીકૃષ્ણ મહાન યોદ્ધા છે, અપ્રતિમ યોદ્ધા છે અને આ મહાન યુદ્ધમાં પાંડવપક્ષે સંમિલિત થયા છે અને છતાં યોદ્ધા તરીકે સંમિલિત થયા નથી. આ યુદ્ધ દરમિયાન હાથમાં હથિયાર ધારણ ન કરવાની તેમની પ્રતિજ્ઞા છે. આમ શા માટે ? પાંડવપક્ષે સંમિલિત થયા છે અને પાંડવોનો વિજય થાય તેમ તેઓ ઇચ્છે છે અને તે માટે પ્રયત્નશીલ છે. જો તેમણે હથિયાર ધારણ કર્યાં હોત તો પાંડવો માટે વિજય સાવ સરળ, ત્વરિત અને નિશ્ચિત બની ગયો હોત.

આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણે આ મહાભારત યુદ્ધ દરમિયાન હાથમાં હથિયાર ધારણ કર્યાં નથી – તેઓ યુદ્ધમાં યોદ્ધા બન્યા નથી. આમ શા માટે ? આમ હોવા પાછળ એક ગહન રહસ્ય છે. જીવનનાં બે મહાન કેન્દ્રસ્થ તત્ત્વો છે – સત્ય અને પ્રેમ. આ બે વ્રતો છે, જે સર્વ વ્રતોના અધિપતિ સમાં વ્રતો છે. અન્ય સર્વ વ્રતો આ બે મહાવ્રતોમાંથી નિષ્પન્ન થાય છે – થઈ શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ આ બંને કેન્દ્રસ્થ તત્ત્વોને – આ બે મહાન વ્રતોને જાળવવા ઇચ્છે છે, તેમનું જીવનમાં પાલન અને પરિશીલન કરવા ઇચ્છે છે.

મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના પક્ષે રહે છે કારણ કે પાંડવોના પક્ષે સત્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ સત્યના પાલન માટે, સત્યના વિજય માટે પાંડવોના અર્થાત્ સત્યના પક્ષે સંમિલિત થાય છે. આ છે ભગવાન શ્રીકૃષ્ણનું સત્યનું પરિશીલન, સત્યનું પાલન અને સત્યના વિજય માટેની તેમની અભિલાષા ! ભગવાન સત્યના વિજય માટે, સત્યના પાલન માટે પાંડવોના પક્ષે સંમિલિત થયા તે તો સમજાય છે પરંતુ પ્રશ્ર હવે એ ઉપસ્થિત થાય છે કે તો ભગવાને હથિયાર હાથમાં ધારણ ન કરવાની પ્રતિજ્ઞા શા માટે લીધી ? જો સત્યના વિજયની અભિલાષા હોય તો સત્યના પક્ષે રહીને હથિયાર હાથમાં ધારણ કરીને લડવામાં શો વાંધો હતો? તેમ કરવાનું પણ કારણ છે અને સમર્થ કારણ છે ! ભગવાન માત્ર સત્યના જ નહીં, પરંતુ પ્રેમના પણ પૂજારી છે. ભગવાને જીવનમાં માત્ર સત્યની જ નહીં પરંતુ પ્રેમની પણ પ્રતિષ્ઠા કરવાની છે. •ભગવાનના આ પ્રેમે, તેમના હૃદયમાંથી માનવમાત્ર પ્રત્યે સતત વહેતી પ્રેમની ધારાએ જ તેમને હાથમાં હથિયાર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેર્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણ માત્ર સત્યપ્રિય જ નથી, પરંતુ પરમ પ્રેમી પણ છે જ ! ભગવાન જેમ સત્યસ્વરૂપ છે, તેમ પ્રેમસ્વરૂપ પણ છે જ ! ભગવાનના હૃદયમાંથી સતત વહેતી પ્રેમધારાએ તેમના હૃદયમાં આવો ભાવ જાગ્રત કર્યો છે : “મારાથી આ મહાસંહાર નહીં આચરી શકાય.”  આમ હાથમાં હથિયાર ન લઈને ભગવાન શ્રીકૃષ્ણે પ્રેમનું પાલન કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોના પક્ષે સંમિલિત થઈને સત્યનું પાલન કર્યું છે અને હાથમાં હથિયાર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લઈને પ્રેમનું પાલન કર્યું છે. આમ, ભગવાને સત્ય અને પ્રેમ બંનેનું પાલન કર્યું છે. ભગવાને બંનેની સમતુલા સિદ્ધ કરી છે. આ સમતુલા સિદ્ધ કરવા માટે જ ભગવાને પોતાના હાથમાં ચક્ર અને ધનુષ્યને બદલે ચાબુક અને લગામ ધારણ કર્યા છે.

Most Popular

To Top