Columns

ધજા અને ધ્વજ ધર્મનાં અને રાષ્ટ્રનાં

સનાતન ધર્મમાં એવા અગણિત ધર્મપ્રતીકો છે જેની સાથે તેનું મહત્ત્વ અને અનેક ધર્મકથાઓ જોડાયેલી છે. સૌથી વધુ આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. માણસ મંદિરમાં જઇને પ્રતિમા સામે બે હાથ જોડી મસ્તક નમાવે છે અને 2-5 મિનિટ આંખ બંધ કરી પ્રાર્થના કરે છે ત્યારે અલૌકિક શાંતિ અનુભવે છે. મંદિરનાં પગથિયાંથી માંડી શિખર સુધીના કળશ કે ધજા સુધીના પ્રત્યેક પ્રતીકોનું આગવું મહત્ત્વ રહેલું હોય છે. મંદિરની ધજાના દર્શનનું પણ વિશેષ પ્રકારે મહત્ત્વ દર્શાવાયું છે. વિવિધ ધર્મગ્રંથોમાં ધજાની મહત્ત્વતા અંગે વિસ્તૃત વિગતો મળે છે. આપણે મંદિરોમાં જઇએ છીએ ત્યારે પરત ફરતા શિખર પરના કળશ અને ધજાના દર્શન કરીએ છીએ પણ લગભગ એવું બનતું હોય છે આપણને તે દર્શનનું કે ધજાનું મહત્ત્વ ખબર નથી હોતું. આ લેખમાં ધજા અંગે સંક્ષિપ્તમાં વિગતો જાણવાનો પ્રયાસ છે.

મંદિર નિર્માણ શાસ્ત્રોમાં સોમપુરાઓએ લખ્યું છે કે મંદિર તો એ દેવસ્વરૂપ પવિત્ર શરીર છે. એના પાયા એ પગ છે. સ્થંભો તેના ઘૂંટણ છે. મંદિરનું ગર્ભગૃહ એ શરીર સ્વરૂપનું હૃદય છે. તેમાં પ્રજજવલિત દીપ આત્માનું પ્રતીક છે. શિખર એ મસ્તક છે અને ઉપર ફરકતી ધજા એ શિખા છે. રડાર જેવું કામ કરતી શિખા સ્વરૂપ આ ધજા બ્રહ્માંડમાંથી દૈવી શકિત અને સકારાત્મક ઊર્જાના તરંગોને ગ્રહીને મંદિરમાં ફેલાવે છે અને એટલે જ આપણને મંદિરમાં પ્રવેશતા એક અલૌકિક અનુભૂતિ થતી હોય છે. ધજા અને ધ્વજા શબ્દોમાં બહુ જ પાતળી ભેદરેખા છે.

ધજા અને ધ્વજના ઉપયોગ અને આશય પણ અલગ – અલગ હોય છે. ધ્વજ એ દરેક રાષ્ટ્રના, સંસ્થાનોના પ્રતીક સમાન પણ છે. દેશના જૂના રજવાડાઓના વિશેષ પ્રકારના પ્રતીકો – ચિહ્નો સાથેના પોતાના ઓળખધ્વજ હતા. યુદ્ધ માટે પણ વપરાતા વિવિધ કલરના અને ચિહ્નો સાથેના ધ્વજ હોય છે. મહાભારત જેવા મહાયુદ્ધમાં પણ જુદી જુદી સેનાના ધ્વજ હતા. રણભૂમિ માટે જય, વિજય, ભીમ, ચપલ, વૈજયન્તિક, દીર્ઘ, વિશાલ અને લોલ એમ આઠ પ્રકારના ધ્વજનો ઉપયોગ થતો. આ પૌરાણિક વાતો માત્ર જાણકારી માટે છે પણ વર્તમાને ઉપયોગી ધજાઓ મંદિરમાં બિરાજતા દેવી-દેવતાઓ મુજબ અલગ – અલગ પ્રતીકો અને ચિહ્નો સાથેની જુદા જુદા રંગની હોય છે.

વૈષ્ણવોમાં પણ ધ્વજાજીનું ખૂબ મહત્ત્વ છે. નાથદ્વારા જનાર ભકત વૈષ્ણવો શ્રીનાથજીના દર્શન બાદ ધ્વજાજીના અચૂક દર્શન કરે છે. વૈષ્ણવોના ઘર સુધી દર્શન કરાવવા ધ્વજાજીની પધરામણી કરાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રીનાથજીની ધ્વજા સાત રંગોની હોય છે. ગૌ કૃષ્ણાવતી વહુજી મહારાજશ્રીએ સપ્તરંગી ધ્વજાજીનું ખૂબ સરસ ભાવનાત્મક વર્ણન કર્યું છે. જેમાં પ્રથમ મેઘશ્યામ રંગને શ્રીનાથજીના ભાવથી વર્ણવી છે તો બીજો પીળા રંગને શ્રી સ્વામીજીનો ભાવ દર્શાવ્યો છે.

ત્રીજો શ્યામ રંગમાં શ્રી યમુનાજીનો ભાવ, ચોથો સફેદ રંગ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ, પાંચમો લીલો રંગ શ્રી રાધાસહચરીજીના ભાવથી વર્ણવી છે. તો છઠ્ઠો જાંબલી રંગ શ્રી ગિરિરાજજીના ભાવ અને સાતમા ગુલાબી રંગને ગોપીજનોના ભાવ સાથે વર્ણવાઇ છે. સ્થળસંકોચને કારણે દરેક રંગના ભાવ વિગતવાર વર્ણવવા શકય નથી પણ આ સાત રંગોને અન્ય પ્રસંગો સાથે પણ સરખાવ્યા છે. કૃષ્ણ ભગવાને સાત વર્ષની ઉંમરે સાત દિવસ સુધી ગોવર્ધન ધારણ કરેલ હતો. મહાપ્રભુજીએ શ્રીમદ્‌ ભાગવતની સાત રીતિઓ કરી હતી જેમાં સ્કન્ધાર્થે, પ્રકરાણાર્થે, અધ્યાર્થેમાં શ્લોક, પદ, શબ્દ અને અકારાર્થ એ સાત પ્રકારે અર્થ કરેલા છે. સાતને વધુ જોડતા કહે છે કે ગુંસાઇજીને સાત બાળકો હતાં. શ્રીજીનો પાટોત્સવ પણ મહાવદી સાતમનો આવે છે. શ્રીનાથજીના છ ધર્મો છે અને સાતમા ધર્મી સ્વરૂપ પ્રભુ પોતે જ છે. પ્રભુશ્રીની વેણુમાં સાત છિદ્રો છે. આમ ‘સાત’ વિવિધ પ્રકારે ધ્વજાજીના સાત રંગો સાથે સંકળાયેલ છે.

ડાકોર, અંબાજી તથા દ્વારકામાં ધજા ચઢાવવાની એક પ્રથા છે. કેટલાક ભાવિકો પગપાળા ધજા ચઢાવવા માટેની કઠીન યાત્રાઓ પણ કરતા હોય છે. અંબાજી ખાતે ધજા ચઢાવવા પહોંચનારા ભાવિકોની સંખ્યા અધિક છે. તેમાં પણ ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાપૂર્વક ધજા ચઢાવવા આવતા હોય છે. જેમાંથી પ્રસાદરૂપે પરત માંગતા ભાવિકોને તેમના ઘર સુધી કુરિયર દ્વારા ધ્વજા પહોંચાડવાનું કામ અંબાજી મંદિર ટ્રસ્ટ વિનામૂલ્યે કરે છે. રોજેરોજે આવતી અધધધ નાની – મોટી ધજાઓનો સદ્‌પયોગ થાય એ હેતુથી નંદનવન સંસ્થાએ વનવાસી બહેનો પગભર થાય અને રોજી મળી રહે એ માટે ધજાઓના વિવિધ કલરના કાપડમાંથી ફોલ્ડર ફાઇલ, માઇક્રો સ્ટેન્ડ સાથેની નાની ધજા, તોરણ, બટવા તથા છાબ માટેની ચીજ-વસ્તુઓ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. દર વર્ષે નાની -મોટી 5000 જેટલી ચઢાવાતી ધજાઓને પહેલાં પોટલું વાળી નદીમાં વહાવી દેવામાં આવતી જે ગમે તે કિનારા પર અટવાઇ જતી અને ભકતોની આસ્થાને ઠેસ પહોંચતી તેથી ધજાઓના સદ્‌પયોગ માટે ગૃહપયોગી ચીજવસ્તુઓ બનાવવાનું આયોજન કરાયું છે.

ધજા માટે એવું કહેવાય છે કે તે ત્રિકોણ, ડબલ ત્રિકોણ કે લંબચોરસ હોવી જોઇએ. બે હાથ કે ત્રણ હાથ લંબાઇની ધજામાં પહોળાઇ કરતાં લંબાઇ સવા બે ગણી હોવી જોઇએ. લંબાઇ બાબતે મતમતાંતર હોય શકે પણ ધજામાં દંડ જે વપરાય તે લાકડાના વાંસ, ખેર, સીસમ, અર્જુન કે મહુડાનો સોલિડ હોવો જોઇએ. ઉપરાંત આ દંડ તાંબા, પિત્તળ, સુવર્ણ જેવી ધાતુથી ઢંકાયેલો હોવો જોઇએ. આચાર્ય ત્રિવિક્રમાચાર્યનો તો એવો મત છે કે ધજા ચડાવનારને ધજાના કાપડમાં જેટલા દોરા છે એટલા હજાર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. પવિત્રતાનું પ્રતીક ધજાને અનુયાયીઓ, ભકતો પોતાના ઘર પર પણ લગાવી જેતે ધર્મ પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરતા હોય છે.

દ્વારિકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. સવારે મંગળા આરતીની 7-30 વાગે, શ્રૃંગાર આરતીની સવારે 10-30 વાગ્યે ત્યાર બાદ 11-30 કલાકે, સાંજની આરતીની 7-45 કલાકે અને શયન આરતીની 8-30 કલાકે એમ દ્વારિકા ખાતે રોજની પાંચ વખત ધજા ચઢાવવામાં આવે છે છતાં આરતી ચઢાવનાર ભકતોની એટલી ભીડ છે કે તમારે ધજા ચઢાવવી હોય તો વેઇટીંગમાં 2 વર્ષ પછી તમારો વારો આવે. મંદિર ઉપર તમારા નામે ધજા ચઢાવવાનો અધિકાર અહીંના અબોટી બ્રાહ્મણોને જ છે.

તે તમારી ધજા લઇ શિખર પર ચઢી જૂની ધજા ઉતારી નવી ધજા ચઢાવે છે. જૂની ધજા પર પણ અબોટી બ્રાહ્મણોનો જ હક હોય છે. જેના તે ભગવાનના સુંદર વસ્ત્રો બનાવી દ્વારિકાધીશને રોજ નવા વસ્ત્રો ધારણ કરાવે છે.  અહીંની પણ દરેક ધજા સપ્તરંગી હોય છે. અહીં ચઢતી 52 ગજની એટલે કે 1404 ઇંચની ધજા કેટલાંક કિલોમીટર દૂરથી દર્શનીય હોય છે. 52 ગજની ધજા અંગે એવું કહેવાય છે કે 4 દિશા, 9 ગ્રહો, 12 રાશિ અને 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે એવા તથ્ય ઉપરાંત એવી પણ માન્યતા છે  56 યાદવોમાંથી શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુધ્ધ અને પ્રદ્યુમ્ન એ ચારે અવતારી દેવ હોવાથી તેના મંદિરો છે બાકીના 52 યાદવોની યાદમાં 52 ગજની ધજાઓ ફરકાવવામાં આવે છે. 

સુરેન્દ્રનગર પાસેના તરણેતરનો લોકમેળો જયાં ભરાય છે એવા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ 52 ગજની ધજા ચઢાવાય છે. સુરેન્દ્રનગરનો એક દરજી પરિવાર છેલ્લાં 32 વર્ષથી આ મંદિર માટે નિ:શુલ્ક આટલી મોટી ધજા  બનાવી આપે છે જે બનાવતા અંદાજે 22 દિવસનો સમય લાગે છે. ધજા તૈયાર થતા પરંપરાગત પાળીયાદના મંદિરના મહંતને અર્પણ કરવામાં આવે છે જે વિધિ અનુસાર શિખર પર ધજાને પ્રસ્થાપિત કરે છે. આ 52 ગજની ધજામાં 139 પ્રકારના શિવજીના વિવિધ ચિત્રો સાથે ઓમને અંકિત કરવામાં આવે છે. જો કે પ્રતિ વર્ષ ધજાની ડિઝાઇનમાં ફેરફાર થતા રહે છે. દેવ-દેવીઓના અનેક ધર્મ પ્રતીકોની જેમ ધજાને પણ પવિત્રતાનું પ્રતીક ગણી ખૂબ સમ્માનપૂર્વક ફરકાવવામાં આવે છે. આપણે જેટલું સમ્માન ધજાને આપીએ તેટલું રાષ્ટ્રધ્વજને પણ આપવું જ જોઇએ. એ જ આપણો ધર્મ અને રાષ્ટ્રધર્મ છે.

Most Popular

To Top