લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે બહુ દૂર નથી. આપણી લોકશાહી દુનિયામાં સૌથી મોટી છે. 75 વર્ષ થઇ ગયાં પણ કમનસીબે ભાગ્યે સક્ષમ વિરોધ પક્ષ મળ્યો છે જે કોઇ પણ લોકશાહી માટે બહુ જરૂરી છે નહિ તો સત્તાધાર પક્ષ પોતાને ફાયદો થાય એવા જ નિર્ણયો લે છે. 2014 પછી મોદી અને આમાં ફેરફાર થયો. દેશહિતને પ્રાથમિકતા મળી. દુનિયામાં ભારતનો મત અનિવાર્ય બન્યો. પોતે પણ ફકત ભારત નહીં, પણ દુનિયાના લોકપ્રિય નેતા બન્યા. ઘણા વખત પછી હવે લાગે છે કે એમનામાં થોડું અભિમાન આવી ગયું છે અને આ વખતે ચારસો પારનો નારો આપ્યો છે અને એ રીતે જ પ્રચાર કરે છે. આજની પરિસ્થિતિમાં એ શકય પણ છે. વિરોધ પક્ષે એક થવા ગઠબંધન કર્યું, પણ કમનસીબે નિભાવી ન શકયા. હકીકતમાં એમણે થોડી બાંધછોડ કરી સાચવી લેવાની જરૂર હતી.
પોતાના ચૂંટણી પ્રચારમાં સત્તામાં આવે તો ફકત ભાજપા સરકારે લીધેલા કેટલાક પ્રજાવિરોધી નિર્ણયો બદલવાનો વાયદો બસ હતો જેમ કે અમુક ખાદ્ય પદાર્થ પર લગાવાયેલો જી.એસ.ટી. આયકરમાં કમ સે કમ દસ લાખ સુધીની છૂટ વયસ્કોને રેલ્વે મુસાફરીમાં મળતી. પાછી ખેંચાયેલી છૂટ (રેલ્વે તો હવે લાખોમાં નફો કરે છે, જયારે આ છૂટ ફકત એકસો સિત્તેરથી બસ્સો કરોડની જ છે) મધ્યમ વર્ગ આજે મોંઘવારીમાં પીસાય છે ત્યારે રાંધણ ગેસમાં ઓછામાં ઓછી ત્રણસો રૂની છૂટ ભણતરની ફી પર કાબૂ વગેરે આ લખું છું ત્યારે મોદીજી બંગાળમાં જીત માટે એક સભામાં જાહેર કર્યું કે ત્યાં સરકારે ગરીબો પાસેથી પૈસા લૂંટયા છે(?) તે જો ભાજપ સત્તામાં આવશે તો પાછા ફરશે. શું આ વ્યવહારુ કે શકય છે? એનો હિસાબ કેવી રીતે થાય. ભાજપને જીતાડનાર મધ્યમ વર્ગ અને યુવા મતદાતા છે શું એમના માટે કોઇ રાહત નહીં? ખેર, હવે તો જલદી જ પરિણામ આવશે કે ભાજપ અને સહયોગ પેલો ચારસો પાર કરી શકે છે કે નહીં.
હૈદરાબાદ – જીતેન્દ્ર શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મોદી સરકાર એટલે કેવળ ભપકો
એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની ઇકોનોમીને વિશ્વની ત્રીજા ક્રમની, થ્રી ટ્રીલીયન ડોલરની કરવાનો હુંકાર કરી રહ્યા છે તો બીજી તરફ દેશની 140 કરોડની વસ્તીમાંથી 80 કરોડની જનતાને મફત રાશન આપવું પડે છે, એ કેવી વિડંબના? એક તરફ મોદી શાસનમાં 25 કરોડ લોકોને ગરીબી રેખા હેઠળથી ઉપર ઉઠાવ્યાનો દાવો થાય છે તો બીજી તરફ બેરોજગારી, મોંઘવારીનો આંક વધતો જાય છે, એ કેવી વક્રતા? મોદી સરકાર શું કેવળ ઉપલા વર્ગને જ ધ્યાનમાં રાખીને શાસન કરે છે? આ દેશને મેમૂ ટ્રેનની વધારે જરૂર હતી ત્યારે દેશને માથે બુલેટ ટ્રેન ઠોકી બેસાડી. વંદે ભારત ટ્રેનનાં ભાડાં જ જ્યારે મોંઘાં લાગતાં હોય ત્યારે, બુલેટ ટ્રેનનાં ભાડાં કઈ રીતે લોકોને પરવડશે? કોરોના કાળ વખતે ખમતીધર લોકોને વિદેશથી વિમાન ભરી ભરીને ઘર ભેગાં કર્યાં, પણ દેશનાં જ શ્રમિકોને ઘરે પહોંચાડવાની કોઈ વ્યવસ્થા ન કરી, ઉલ્ટા રસ્તે રઝળતાં કરી દીધાં. મોદી સરકારને કશું પણ નાનું કે સસ્તું કરવું ફાવતું નથી, એમને તો બસ, મોટું અને ભવ્ય કરીને છવાઈ જવું છે.
ગુજરાતમાં ત્રણ હજાર કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું ઊભું કર્યું, (જે સરદાર સાહેબે પણ ક્યારેય સ્વીકાર્યું ન હોત) એના કરતાં ગુજરાતની જીવાદોરી એવી કલ્પસર યોજનામાં રૂપિયા ખર્ચાયા હોત તો ઉપયોગી જ નહીં, ગુજરાત માટે આશીર્વાદ સમા બની રહેતે. હજુયે દેશના એવા ખૂણાઓ છે, જ્યાં વીજળી, પાણી, રસ્તા, સ્કૂલો, હોસ્પિટલો ઈત્યાદિ પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી, ત્યારે નવું સંસદભવન કે નવા મોટા સ્ટેડિયમ બનાવવામાં આવે તેને અણઘડ વહીવટ કહેવાય.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.