Sports

દિગ્ગજોની હરોળમાં સામેલ થવાથી લિયોનલ મેસી માત્ર એક જીત દૂર

કતારમાં રમાઇ રહેલા FIFA વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની ટીમ જ્યારે પોતાની પહેલી જ મેચમાં સાઉદી અરેબિયા સામે હારી ત્યારે બધાને એમ થયું હતું કે સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી જે સપનાનો છેલ્લા બે દાયકાથી પીછો કરી રહ્યો છે તે અધૂરું જ રહી જશે. જો કે એ એક મેચ પછી મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે એક પછી એક અવરોધો પાર કરીને અંતે ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી અને હવે રવિવારે જ્યારે તેઓ ફ્રાન્સ સામે ફાઇનલ રમવા માટે ઊતરશે ત્યારે આર્જેન્ટિનાની આખી ટીમ પોતાના દિગ્ગજ ખેલાડીના સપનાને પૂરું કરવા માટે પોતાનો જીવ રેડી દેશે. 11 વર્ષની ઉંમરે ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી (GHD) સામે લડતા મેસીની દુનિયાના મહાન ફૂટબોલરોમાંના એક બનવા સુધીની સફર જુસ્સો, મક્કમતા અને જિજીવિષાની એવી એક કથા માંડે છે જે તેને બધાથી અનોખો બનાવે છે.  જો તે રવિવારની ફાઇનલમાં ટાઇટલ જીતી શકે તો ફૂટબોલના ઇતિહાસની તે  જીવંત દંતકથા બની જશે.

જો આર્જેન્ટિના રવિવારે ફ્રાન્સને હરાવીને વર્લ્ડ કપ જીતશે તો મેસીનું નામ પેલે અને ડિએગો મેરાડોના જેવા મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ જશે. મેરાડોના અને મેસીમાંથી કોણ મહાન છે તેની ચર્ચાનો પણ તેની સાથે અંત આવશે. દેશ માટે FIFA  વર્લ્ડકપ ટાઈટલ ન જીતવાના મેસીના દરેક ઘા પણ રૂઝાઈ જશે. સાત વાર બેલોન ડી’ઓર, યુરોપિયન ગોલ્ડન શૂઝનો રેકોર્ડ છ વખત, બાર્સિલોના સાથે રેકોર્ડ 35 ટાઇટલ, લા લીગામાં 474 ગોલ, એક ક્લબ (બાર્સિલોના) માટે સૌથી વધુ 672 ગોલ કરી ચૂકેલો મેસી હંમેશાં વર્લ્ડકપ ન જીતી શકવા અંગે દુઃખી રહ્યો છે. તેને ખબર જ છે કે આ તેની છેલ્લી તક છે અને તેને યાદગાર બનાવવા માટે હવે તે કોઈ કસર છોડવા નહીં માગે.1986માં જ્યારે આર્જેન્ટિનાએ છેલ્લો વર્લ્ડકપ જીત્યો ત્યારે મારાડોના દેશ માટે ભગવાન બની ગયો હતો.

તેની નજીક સુધી માત્ર મેસી જ પહોંચી શક્યો છે પરંતુ વર્લ્ડકપ ન જીતી શકવાને  કારણે તેની મહાનતા પર આંગળી ચીંધાતી રહી છે. 2014માં ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને એક ગોલથી હરાવ્યું ત્યારે પણ તેની સામે આંગળી ચીંધાઇ હતી. આ વર્લ્ડ કપની પહેલી જ મેચમાં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાની સામે અણધાર્યો વિજય નોંધાવ્યો ત્યારે પણ મેસી સામે સવાલો ઊભા થયા. એ પરાજયે જો કે આર્જેન્ટિના અને મેસી માટે સંજીવની જેવું કામ કર્યું અને એક પછી એક મેચમાં મેસી અને આર્જેન્ટિના બંનેના પ્રદર્શનમાં નિખાર આવતો રહ્યો  અને તેઓ એકતરફી સેમીફાઇનલમાં અગાઉના રનર્સ-અપ ક્રોએશિયાને હરાવીને ફૂટબોલના મહાકુંભની ફાઇનલમાં પહોંચી ગયા

મેસીની વર્લ્ડકપની સફર 2006માં શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં તેણે સૌથી વધુ 25 મેચ રમી છે. વર્લ્ડકપના ઈતિહાસમાં આર્જેન્ટિના માટે સૌથી વધુ 11 ગોલ કર્યા છે. આ વિશ્વકપમાં 4 ગોલ કર્યા પછી, બેમાં સૂત્રધારની ભૂમિકા ભજવીને તેણે ત્રણ ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ એવોર્ડ જીત્યા છે. 1987માં રોઝારિયોમાં ફૂટબોલ પ્રેમી પરિવારમાં જન્મેલો મેસી જ્યારે પહેલી વાર ઘરના આંગણામાં તેના ભાઈઓ સાથે ફૂટબોલ રમ્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તેનું નામ વિશ્વના મહાન ખેલાડીઓમાં સામેલ થઇ જશે. બાર્સિલોના માટે લગભગ દરેક ખિતાબ જીતી ચૂકેલા પેરિસ સેન્ટ-જર્મનના આ સ્ટાર સ્ટ્રાઈકરે 2004માં 17 વર્ષની ઉંમરે બાર્સિલોના સાથે તેની ક્લબ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 22 વર્ષની ઉંમરે તેનો પહેલો બેલોન ડી’ઓર જીત્યો હતો. ઓગસ્ટ 2021માં બાર્સિલોના છોડતા પહેલાં તેણે લગભગ તમામ ક્લબ ફૂટબોલ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

મેસીએ 2006માં જર્મનીમાં સર્બિયા અને મોન્ટેનેગ્રો સામેની ગ્રુપ મેચમાં તેની વર્લ્ડકપ યાત્રાની શરૂઆત કરી હતી, જેને જોવા માટે મારાડોના મેદાનમાં હાજર હતો. 18 વર્ષીય મેસી 75મી મિનિટે સબસ્ટીટ્યુટ તરીકે મેદાન પર આવ્યો હતો. 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સમાં જ્યારે આર્જેન્ટિનાએ ફૂટબોલમાં ગોલ્ડમેડલ જીત્યો ત્યારે 2010ના વર્લ્ડકપમાં મેસી પાસેથી અપેક્ષાઓ વધી ગઈ હતી. ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાનો જર્મની સામે પરાજય થયો હતો અને મેસી પાંચ મેચમાં એક પણ ગોલ કરી શક્યો નહોતો.

તે પછી ચાર વર્ષ પછી બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડકપમાં મેસીએ એકલા હાથે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી, જો કે ફાઇનલમાં જર્મની સામે માત્ર એક ગોલથી હાર્યા પછી તે અશ્રુ ખાળી શક્યો નહોતો. તે પછી, 2018 માં રશિયામાં પ્રથમ નોકઆઉટ મેચમાં ફ્રાન્સે આર્જેન્ટિનાને 4-3 થી હરાવ્યું હતું. એ ત્રણમાંથી બે ગોલ મેસીએ કર્યા હતા. છેલ્લાં ચાર વર્ષમાં આ મહાન ખેલાડીએ વર્લ્ડકપ જીતવાનું એક જ સપનું જોયું હતું. ક્વાર્ટર ફાઇનલમાં જીત બાદ મેસીએ પોતે કહ્યું હતું કે, ડિએગો અમને આકાશમાંથી જોઈ રહ્યો છે અને વર્લ્ડકપ જીતવા માટે પ્રેરિત કરી રહ્યો છે. આશા છે કે ડિએગો છેલ્લી મેચ સુધી અમને પ્રેરિત કરતા રહેશે. મારાડોનાના કરિશ્માનું પુનરાવર્તન કરવા માટે, મેસી પાસે રવિવારની ફાઇનલ છે જેની રાહ આર્જેન્ટિના સાથે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે.

Most Popular

To Top