Gujarat

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં 25-26મીએ હળવા વરસાદની વકી

ગાંધીનગર: રાજ્યમાં હાલમાં પ્રિ-મોન્સુન (Pre Monsson) એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને હાલમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે તા.25 અને 26મી મેની આસપાસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની વકી રહેલી છે. ગુજરાત તરફ વહેલુ ચોમાસુ આગળ વધી રહ્યું છે. જે 10થી 15મી જુનની આસપાસ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જશે. સોમવારે રાજ્યમાં વાદળના કારણે ગરમીના પ્રમાણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. એકલા અમદાવાદમાં સૌથી વધુ 41 ડિગ્રી ગરમી નોંધાવવા પામી છે.

હવામાન વિભાગના કહેવા મુજબ, તા. 25 અને 26મી મે દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં પ્રિ-મોન્સુન એકિટવિટી સાથે હળવો પણ થઈ શકે છે.
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 40 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 38 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 34 ડિ.સે., વલસાડમાં 34 ડિ.સે., ભૂજમાં 36 ડિ.સે., નલિયામાં 34 ડિ.સે., કંડલા પોર્ટ પર 38 ડિ.સે., કંડલા એરપોર્ટ 38 ડિ.સે., અમરેલીમાં 38 ડિ.સે., ભાવનગરમાં 41 ડિ.સે., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 40 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

17 કિ.મી. ઝડપી પવન સાથે શહેરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ
સુરત: શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને લીધે અરબ સાગરમાંથી વાદળો ખેંચાતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. જેને કારણે ભારે પવનોની સાથે વરસાદી ઝાપટાં પણ પડ્યાં હતાં.

શહેરમાં રવિવારે મોડી રાત્રે કેટલાંક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. જયારે આજે સવારે પણ શહેરમાં પ્રતિ કલાકે 14 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. સવારથી જ ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. શહેર અને જિલ્લામાં ચારેક દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુસવાટાભેર પવનો ફુંકાય છે. ઝડપી પવનોથી લોકોને ગરમીમાં ઘણાઅંશે રાહત મળી છે. પરંતુ ઉકળાટનો દોર હજી યથાવત છે. રાજસ્થાન ઉપર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને લીધે આબોહવાકીય ફેરફાર જોવા મળ્યા છે.

આ સિસ્ટમને લીધે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે. અરબ સાગરમાંથી વાદળોનો સમૂહ ખેંચાતા શહેરમાં વાદળિયું વાતાવરણ જોવા મળે છે. આજે હવામાં 69 ટકા ભેજની સાથે શહેરમાં 17 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું.

25-26 તારીખે પ્રિમોન્સુન એક્ટિવિટી વધારે એક્ટીવ થશે
હવામાન વિભાગે હાલ પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થયાના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે આગામી 25 અને 26 તારીખે સિસ્ટમ વધારે અક્ટિવ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે આ બે દિવસ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. એટેલે કે આગામી બે-ત્રણ દિવસ શહેરમાં વાતાવરણનો આ મિજાજ જળવાયેલો રહેશે.

જૂનના બીજા અઠવાડિયે ચોમાસું આવે તેવી શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળમાં મે મહિનાના અંત સુધીમાં ચોમાસાનો પ્રારંભ થશે. અને જો ચોમાસુ સમયસર આગળ વધે તો દક્ષિણ ગુજરાત સુધી જૂન મહિનાના બીજા અઠવાડિયાના પ્રારંભે ચોમાસુ આવી પહોંચે તેવી શક્યતા છે.

Most Popular

To Top