Vadodara

દંતેશ્વરની જમીનના ગેરકાયદે વેચાણ મુદ્દે 10 જણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

વડોદરા : દંતેશ્વર વિસ્તારમાં એક જમીનનો વર્ષો અગાઉ વેચાણ દસ્તાવેજ થઈ ગયો હતો અને આ જમીન અંગેનો દાવો ગુજરાત હાઈકોર્ટમાં પોન્ડિંગ હોવા છતાં બારોબાર જમીનનો રૂ.7.56 કરોડમાં વેચાણ આપી વેચાણ દસ્તાવેજ કરી લેતા આ મામલે જમીન માલિકે પૂર્વ જમીન માલિકો વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના પાણીગેટ વિસ્તારની અંકુર સોસાયટીમાં રહેતા હિતેશભાઈ રસીકભાઈ શાહ (ઉં.વ.57) એ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, મારા સ્વર્ગસ્થ પિતા રસિકલાલ મણીલાલ શાહને આરોપીઓએ વર્ષ  1993 દરમિયાન સબ રજિસ્ટ્રારની કચેરીમાં વેચાણ બાનાખત અને ડેવલપમેન્ટ કરાર દંતેશ્વર ખાતેની સર્વે નંબર 414, 414/1, 410, 411, 412 વાળી જમીનના કરી આપ્યા હતા અને રદ ન થઈ શકે તેવું કુલ મુખ્યતાર પણ આપ્યું હતું. ઉપરાંત નોટરી જે.આર ભાવસાર આરોપીઓએ તમામ જમીનોનું બાનાખત કરી જમીન કબજા પાવતી પણ આપી હતી.

ત્યાર બાદ આરોપીઓ દ્વારા આ જમીન બાબતે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરાતા મારા પિતા દ્વારા અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.સિવિલ કોર્ટના હુકમનું આરોપીઓ દ્વારા પાલન કરવામાં નહીં આવતા અમે વારસદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ ગુજારી હતી. વિવાદિત આ જમીન અંગેની જાણ આરોપીઓને હોવા છતાં ગેરકાયદે કલેકટરને રજૂઆત કરી આ જમીન બીનખેતીની કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે અને આરોપીઓએ વર્ષ-2020 દરમિયાન રૂ.7,56,18,600 રૂપિયાથી આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો છે. ખોટા ડોક્યુમેન્ટ, ખોટી હકીકતો, ખોટી અરજીઓ, ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યા વગર આરોપીઓએ કાવતરું રચી છેતરપિંડી કરી જમીનો વેચાણ આપી દીધી છે.

જિલ્લા કલેકટર સમક્ષ ખોટી હકીકતો દર્શાવી જમીનો બિનખેતી કરવાનો હુકમ મેળવ્યો છે. હિતેશભાઈ શાહે વધુમાં જણાવ્યુ હતું કે, મે અગાઉ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર સમક્ષ આરોપીએ કરેલા ગુના બાબતે ફરિયાદ અરજ ગુજારી હતી. પરંતુ ફરિયાદ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી મે અદાલત સમક્ષ ગુજારેલી હતી. આરોપીઓએ સ્પષ્ટપણે કાયદાનો ભંગ કર્યો છે. આરોપીઓને પકડી આરોપીઓને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.

Most Popular

To Top