National

કોટા: કોચિંગ હબ બન્યું સુસાઇડ હબ, 24 કલાકમાં વધુ બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા, ટેસ્ટ પર 2 મહિના માટે પ્રતિબંધ

કોટા: કોટાને (Kota) કોચિંગ હબ (Coaching Hub) ગણવામાં આવે છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ (Students) સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive exams) તૈયારી કરવા આવે છે. કોટામાં ઘણા કોચિંગ સેન્ટર છે જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્વાભાવિક છે કે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા આટલી વધારે હોય ત્યારે સ્પર્ધા પણ સમાન સ્તરની હોય છે. આ સ્પર્ધા કલ્ચરથી હારીને ઘણા વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં કોટામાં એક પછી એક પોતાના જીવનનો અંત (Suicide) આણ્યો હતો. અહીં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેને ધ્યાનમાં રાખીને કોટાના કોચિંગ સેન્ટરો માટે આદેશ પસાર કરવામાં આવ્યો છે.

કોટામાં NEETની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ આ વર્ષે કોટામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે બંને ઘટનાઓ ચાર કલાકના ગાળામાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર અવિશકાર શંબાજી કાસલેએ જવાહર નગરમાં તેની કોચિંગ સેન્ટર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી બપોરે લગભગ 3.15 વાગ્યે કૂદકો માર્યો હતો. સંસ્થાની ટેસ્ટ આપ્યા બાદ તેણે આ પગલું ભર્યું હતું. વિજ્ઞાન નગરના સીઓ ધરમવીર સિંહે કહ્યું કે સંસ્થાનો સ્ટાફ કાસલેને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

કાસલેના મૃત્યુના ચાર કલાક પછી આદર્શ રાજએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે આદર્શ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો, તેણે રવિવારે સાંજે લગભગ 7 વાગે કુનહડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના ભાડાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

કોટાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના કાર્યાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર કોટામાં ચાલતી કોચિંગ સંસ્થાઓમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માનસિક સહાય અને સુરક્ષા પ્રદાન કરવા માટે, આગામી બે મહિના માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં સમયાંતરે જે પરીક્ષાઓ લેવામાં આવે છે તે હવે લેવામાં આવશે નહીં અને કોંચિંગના બાળકોને ઓક્ટોબર મહિના સુધી કોઈપણ પ્રકારની પરીક્ષા આપવી પડશે નહીં.

તાજેતરમાં કોટામાં રહેતા બે યુવકોએ આત્મહત્યા કરી હતી. તેમની આત્મહત્યા બાદ આ વર્ષે કોટામાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. જ્યારે વહીવટીતંત્રે 2015 થી અહીં થઈ રહેલી આત્મહત્યાનો ડેટા એકત્રિત કર્યો, ત્યારે જાણવા મળ્યું કે આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. તેથી કલેક્ટર કચેરી તરફથી એવો આદેશ પણ આવ્યો કે અહીંના કોચિંગ સેન્ટરોને ફરજિયાતપણે રવિવારની રજા આપવી પડશે. આ સાથે, આ દિવસે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં.

Most Popular

To Top