World

ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં હત્યા

નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી (Terrorist) હરદીપ સિંહ નિજ્જરને (HardisinhNiajjarMurder) કેનેડામાં (Canada) ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકાર દ્વારા નિયુક્ત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ સામેલ હતું.

મળતી માહિતી મુજબ હરદીપ નિજ્જરને હુમલાખોરો દ્વારા કેનેડાના સરેમાં ગોળી મારી હતી, જે બાદ તેનું મોત થયું હતું. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. હાલમાં ભારતીય તપાસ એજન્સીઓ કેનેડાની તપાસ એજન્સીઓ પાસેથી આ ઘટના અંગે માહિતી મેળવી રહી છે.

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદ માટે પ્રચાર કરતો હતો. નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે મોટો માથાનો દુ:ખાવો બની ગયો હતો.

કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પહેલા ભારત સરકારે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યા હતા. નિજ્જરના બે સહયોગીઓની થોડા મહિના પહેલા ફિલિપાઈન્સ અને મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પૂજારીની હત્યાનો પણ આરોપ
વર્ષ 2022ની શરૂઆતમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. NIAના જણાવ્યા અનુસાર પૂજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું. કેનેડામાં રહેતા નિજ્જર KTFના વડો હતો.

NIAની FIRમાં પણ નિજ્જરનું નામ છે
જ્યારે ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, તે જ સમયે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિદેશમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં NIAએ ભારત સરકાર વિરુદ્ધ ભાવનાઓને ભડકાવવા બદલ FIR નોંધી હતી.

આ એફઆઈઆર અનુસાર ભારત સરકાર વિરૂદ્ધ ગ્રાઉન્ડ કેમ્પેઈન અને પ્રોપેગેન્ડા માટે જંગી રકમ એકત્ર કરવામાં આવી છે, જેમાં વિદેશમાં ભારતીય દૂતાવાસો સામે વિરોધ કરવા લોકોને ઉશ્કેરવાનો સમાવેશ થાય છે. તેમાં ત્રણ આતંકવાદીઓ ગુરપતવંત સિંહ પન્નુન, પરમજીત સિંહ પમ્મા અને હરદીપ સિંહ નિજ્જરના નામ હતા, જ્યારે ચોથી કોલમમાં ભારત સરકાર વિરુદ્ધ કાવતરું ઘડનારા અજાણ્યા આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top