Charchapatra

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન

સમય સાથે માનવીના આચાર-વિચાર, રૂચિ-પસંદગી, રહેણીકરણી બધું બદલાતું રહે છે. આધુનિક જમાનો ફેશનનો છે, એમ કહી શકાય. નિત્ય બદલાતી રહે તે ફેશન. આપણે ત્યાં કહેવત છે કે “એક નૂર આદમી હજાર નૂર કપડાં.” નવી પેઢીની ઓળખ ફેશન દ્વારા વ્યક્ત થાય છે. ફિલ્મો, ટી. વી. સિરિયલો અને ફેશન શોની પણ અસર થાય છે. વેપાર-ધંધાનો વિકાસ પણ ફેશનને કારણે થયો છે. હવે તો ઇન્ડિયા ફેશનવીક લોકપ્રિય છે. આજે ખાદી ગ્રામોદ્યોગ પણ કેટલાંક ડિઝાઇનરો સાથે ફેશનેબલ ખાદીના વસ્ત્રો તૈયાર કરે છે, જે લોકપ્રિય છે. આપણા ફેશન ડિઝાઇનરો પણ સામાન્ય વ્યક્તિને આકર્ષવા માટે નજીવા દરે વસ્ત્રો તૈયાર કરી આપે છે. કહેવાય છે કે ખાદી એ વસ્ત્રો નહિ પણ વિચાર છે.

લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે. આપણે ત્યાં સૂત્ર પણ વહેતું થયું છે, “ખાદી ફોર નેક્સટ જનરેશન, ખાદી ફોર અવર નેશન.” મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો- નઈતાલીમને અનુસરતી શૈક્ષણિક સંસ્થાઓમાં ખાદીને સ્વેચ્છાએ સૌએ અપનાવી હોવાથી ખાદીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સંસ્થાઓમાં નવા જોડાનારને એ અપનાવવું જ રહ્યું. હવે તો ખાદીમાં સૌને મનગમતું વસ્ત્ર  મળી રહે છે જે પહેરીને વ્યક્તિત્વમાં પણ વધારો થાય છે. “ખાદી ફોર નેશન -ખાદી ફોર ફેશન”ના મંત્રને ચરિતાર્થ કરવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનો હેતુ રાજ્યના વણાટકામ ક્ષેત્રે  કાર્યરત  જરૂરિયાતમંદને રોજગારી આપવાનો છે.  આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા પહેરવા માટેનું અભિયાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન અંતર્ગત શિક્ષણ વિભાગમાં બજાવતાં સૌ કોઈ વ્યક્તિગત/સામૂહિક ખાદી ખરીદીને  આ અભિયાનમાં   સહભાગી થવા તથા આગામી ૨૫/૧૦/૨૦૨૧ ના રોજ ખાદીના વસ્ત્રો પહેરવા માટે અને સૌને પ્રેરિત કરવા અપીલ કરવા પરિપત્ર થયો છે. ખાદીના વસ્ત્રો અને નઈતાલીમના વિચારોને જીવનમાં અપનાવીએ તો ઘણું!
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top