National

કેરળ: કેપ્ટન વિક્રમ બત્રાની યાદમાં બનાવેલી અનોખી અંડરવોટર તસવીર બનાવાય, વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

કેરળ: આજના કારગિલ વિજય દિવસ પર શહીદ કેપ્ટન વિક્રમ બત્રાને કેરળમાં (Kerala) અનોખી રીતે યાદ કરવામાં આવ્યા છે. કેરળના એક કલાકારે વિક્રમ બત્રાની પાણીની (Water) અંદર એટલેકે અંડરવોટર તસવીર (Underwater Picture) બનાવી છે. આ તસવીર તૈયાર કરવા બદલ આ કલાકારનું નામ વર્લ્ડ રેકોર્ડમાં (World Record) સામેલ થઈ ગયું છે. શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનું આ અન્ડરવોટર પોટ્રેટ કેરળના કલાકાર દા વિન્સી સુરેશ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનું આયોજન ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું. પાંગોડે મિલિટરી સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બોન્ડ વોટર સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્કુબા ટીમ દ્વારા સેનાને સહયોગ આપવામાં આવ્યો હતો. શહીદ કેપ્ટન વિક્રમ બત્રાનું આ પોટ્રેટ 50 ફૂટ લાંબુ અને 30 ફૂટ પહોળું છે. તેને યુનિવર્સલ રેકોર્ડ ફોરમમાં સ્થાન મળ્યું છે. URF ટીમે સ્થળ પર જ દા વિન્સી સુરેશને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. દા વિન્સી સુરેશને પાણીની નીચે વિક્રમ બત્રાનું ચિત્ર દોરવામાં 8 કલાકનો સમય લાગ્યો હતો. આ ચિત્ર ટાઇલ્સની મદદથી બનાવવામાં આવ્યું હતું. દા વિન્સી સુરેશે કહ્યું, ‘સમગ્ર કામ પાણીની અંદર કરવામાં આવ્યું હતું, જે તેને વધુ ખાસ બનાવે છે. તે મારો પહેલો અનુભવ હતો, મને તસવીર તૈયાર કરવામાં ધણો આનંદનો અનુભવ થયો હતો.

જણાવી દઈએ કે કારગિલ યુદ્ઘને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તા. 3/5/1999 થી 26/7/1999 સુઘી 84 દિવસ ભારત અને પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો. તે સમયના તાત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ 26 જુલાઈ 1999ના રોજ વિજય જાહેર કરી 26મી જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ધોષણા કરી હતી. આ દિવસે દેશના તમામ લોકોમાં લાગણી તેમજ રાષ્ટ્રીય ભાવનાનું ઘોડાપુર જોવા મળ્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાન સામે લડતા 527 ભારતીય જવાનો શહીદ થયા હતા. તેમજ 1363 જવાનો ઘાયલ થયા હતા. કેપ્ટન વિક્રમ બત્રાની વાત કરીએ તો તેઓ દુશ્મનોને મારી નાંખ્યા પછી એક વાકય બોલતા હતા, ‘ યે દિલ માંગે મોર…’ કારગિલ યુદ્ઘમાં બહાદુરી દાખવનાર જવાનોને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કારગિલમાં એક શહીદ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લેહમાં હોલ ઓફ ફેમ મ્યુઝિયમમાં સેનાના જવાનો કારગીલ યુદ્ઘની સરસ માહિતી આપે છે.

Most Popular

To Top