Madhya Gujarat

કપડવંજના ભુતીયા ગામે ગાંજાની ખેતી કરતાં વૃદ્ધ ઝડપાયો

નડિયાદ: ગાંજા સહિતના માદક પદાર્થનું સેવન કરવું, તેનો સંગ્રહ કરવો, હેરાફેરી કરવી તેમજ ઉત્પાદન કરવા ઉપર સખત પ્રતિબંધ હોવાછતાં કેટલાક અસામાજીત તત્વો તંત્રની આંખ નીચે માદક પદાર્થનું ઉત્પાદન કરી તેને ગ્રાહકો સુધી સરળતાથી પહોંચાડી રહ્યાં છે. ત્યારે સમાજમાં વધતાં જતાં આવા માદક પદાર્થનાં સેવનનું દૂષણ અટકાવવા માટે પ્રયત્નશીલ ખેડા જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીને આધારે કપડવંજ તાલુકાના ભુતીયા ગામમાં દરોડો પાડી ગાંજાનું વાવેતર કરતાં બે ભાઈઓ પૈકી એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને ભાઈઓના ખેતરમાંથી રૂ.૫૪,૯૮,૦૦૦ કિંમતનો ૫૪૯.૮ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના ભુતીયા તાબે કૃપાજીના મુવાડામાં રહેતાં ૭૪ વર્ષીય માનસિંહ સોમાભાઈ ઝાલા અને તેમના ભાઈ શંકરભાઈ સોમાભાઈ ઝાલા પોતાના ઘરને અડીને આવેલાં સર્વે નં ૩૩૯ વાળા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ ઉગાડ્યાં હોવાની બાતમી ખેડા જિલ્લા એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે મંગળવારના રોજ સવારના સમયે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી માનસિંહ ઝાલાની અટકાયત કરી હતી. જે બાદ પોલીસની ટીમે ખેતરની તલાશી લેતા તેમાં એરંડા, તુવેર તેમજ કપાસની આડમાં છુટાછવાયા અંતરે વાવેતર કરેલાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૧૦૩ લીલા છોડ મળી આવ્યાં હતાં. જે બાદ પોલીસે નજીકમાં આવેલ માનસિંહ ઝાલાના ભાઈ શંકરભાઈ ઝાલાની માલિકીના સર્વે નં ૩૪૩ વાળા ખેતરમાં દરોડો પાડી તલાશી લેતાં તેમાંથી પણ તુવેર અને કપાસના પાકની આડમાં વાવેતર કરાયેલાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૨૨૮ લીલા છોડ મળી આવ્યાં હતાં.

પોલીસે આ બંને ખેતરમાંથી મળી આવેલ ગાંજાના છોડના સેમ્પલ એફ.એસ.એલમાં તપાસ અર્થે મોકલ્યાં હતાં. જેમાં આ છોડ ગાંજાના જ હોવાનું બહાર આવ્યુ હતું. જેથી પોલીસે બંને ખેતરમાં વાવેતર કરવામાં આવેલ કુલ ૩૩૧ નંગ ગાંજાના છોડ ઉખેડી લેવડાવ્યાં હતાં. જે બાદ પોલીસે તમામ ગાંજાના છોડનું વજન કરાવ્યું હતું. જેમાં કુલ ૫૪૯.૮ કિલો ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે બંને ખેતરમાંથી મળી આવેલ કુલ રૂ.૫૪,૯૮,૦૦૦ કિંમતનો ૫૪૯.૮ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી, પકડાયેલાં માનસિંહ ઝાલા તેમજ સ્થળ પર મળી ન આવેલ તેમના ભાઈ શંકરભાઈ ઝાલા વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૨૦(એ)(આઈ) મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top