Gujarat

જૂનાગઢ: પરિક્રમા રૂટ પર યાત્રાળુએ વાનરની પૂંછડી પકડી ઢસડ્યો, વીડિયો જોઈ તમને પણ આવશે ગુસ્સો

જૂનાગઢ: જૂનાગઢમાં (Junagadh) ગિરનારની લીલી પરિક્રમાનો (Girnar lili parikrama) પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે લોકો પુણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. ત્યારે આ પરિક્રમા દરમિયાન એક યાત્રાળુનો વીડિયો (video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં તે વાનરની (Monkey) પૂંછડી પકડી તેને ખેંચી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક પ્રાણીપ્રેમીઓ સોશિય મીડિયા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ગિરનારની પરિક્રમા શરૂ થયા પહેલા જ વનવિભાગ દ્વારા વાનરો તેમજ પ્રાણીઓને કનડગત ન કરવાનો આદેશ આપવામાં આવે છે. વનવિભાગની ચેતવણી આપ્યા બાદ પણ પરિક્રમા દરમિયાન વાનરને કનડગત કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પરિક્રમા દરમિયાન એક વ્યક્તિએ એક વાનરની પૂંછડી પકડી લીધી હતી અને તેને ઢસડવા લાગ્યો હતો. આ દર્શ્યો જોઈને આસપાસના લોકો પણ ગુસ્સે થઈ ગયા હતા.

વાનરની પૂંછ પકડી કનડગત કરતો યાત્રાળુ
વીડિયોમાં જોઈ શકો તેમ પરિક્રમાના રૂટની બાજુ પર બે વાનર બેસેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થઈ રહેલા એક યાત્રાળુએ વાનરની નજીક પહોંચી જાય છે. કેટલાક યાત્રાળુઓ વાનરને હાથ આગળ કરી ખાવા માટે કઈ આપે છે ત્યારે એક ટીખળખોર યુવક રોડ પાસે બેસેલા એક વાનરની પૂંછડી પકડી લે છે. વાનર આગળ ભાગવાનો પ્રયાસ કરે છે પણ યુવક તેના હાથમાં વાનરની પૂંછડી પકડી રાખે છે અને પૂંછડી પકડીને વાનરને ખેંચવા લાગે છે. આ સાથે તેેને ઢસડવા લાગે છે. યાત્રાળુના આ વ્યવહારથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ જાય છે લોકો કઈ સમજે તે પહેલા જ આ ઘટના બની છે.

ટીખળખોર યાત્રાળુની આગળ કેટલી મહિલાઓનું ટોળું ચાલે છે પરંતુ તેઓ પણ યાત્રાળુના આ વર્તન જોઈને ગુસ્સે થઈ જાય છે. ત્યારે વૃદ્ધ મહિલાથી આ દર્શ્યો સહન થતા નથી અને તે બોલી પડે છે માણસ થાઓ હવે. યાત્રાળુની આવી મસ્તી જોઈને અન્ય પ્રવાસીઓ અકડાઈ જાય છે અને વાનરને છોડી દેવા માટે કહે છે.

વન વિભાગે ટીખળખોરની શોધખોળ હાથ ધરી
વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ એક્ટિવ થઈ છે. પરિક્રમાના રૂટ પર વાનરની કનડગત કરતા યાત્રાળુનો વીડિયો વાયરલ થયા બાદ તે યાત્રાળુની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top