Columns

મદ્રાસ હાઈ કોર્ટનો ચુકાદો વટાળપ્રવૃત્તિ સામે લાલ બત્તી સમાન છે

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના તમામ નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મની આરાધના કરવા ઉપરાંત તેનો પ્રચાર કરવાનો પણ અધિકાર છે. આ કલમનો ઉપયોગ કરીને ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં મોટા પાયે વટાળપ્રવૃત્તિ ચલાવી રહી છે. જાણીને નવાઈ લાગશે, પણ મદ્રાસ હાઈ કોર્ટના નિરીક્ષણ મુજબ તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાની ૬૨ ટકા વસતિ વટલાઈને ખ્રિસ્તી થઈ ગઈ છે. વસતિગણતરીના આંકડાઓ મુજબ આજે પણ કન્યાકુમારીની ૪૮ ટકા વસતિ પોતાને હિન્દુ ગણાવે છે, પણ તે એક છેતરપિંડી છે. ઘણા ખ્રિસ્તીઓ વટલાઈ ગયા પછી પણ અનામતનો લાભ લેવા માટે પોતાની હિન્દુ ઓળખ ચાલુ રાખે છે, પણ તેઓ હકીકતમાં ખ્રિસ્તી ધર્મ પાળતા હોય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા જયરામન હતાં, જેમનું નામ હિન્દુ હતું, પણ જ્યારે તેમનું મરણ થયું ત્યારે તેમના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાને બદલે તેને દફનાવવામાં આવ્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીનું નામ હિન્દુ પરંપરા મુજબ છે, પણ તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે.

ભારતમાં જ્યારે વટાળપ્રવૃત્તિની વાત આવે છે ત્યારે કાયદાની કોર્ટો બંધારણની ૨૫મી કલમને આગળ કરીને તેના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દેતી હોય છે. કદાચ આ કારણે જ ગુજરાત અને કર્ણાટક જેવાં રાજ્યોમાં વટાળપ્રવૃત્તિ પર નિયંત્રણ લાવતા કાયદાઓ કરવામાં આવ્યા છે. આ કાયદાઓ મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાનો ધર્મ પરિવર્તન કરવા માગતી હોય તો તેણે કલેક્ટરની પરવાનગી લેવી પડે છે. કલેક્ટર ચકાસણી કરે છે કે તેને ભય કે પ્રલોભન વડે વટલાવવામાં નથી આવતો ને? જો તેવું ન હોય તો તેને ધર્મપરિવર્તન કરવાની રજા આપવામાં આવે છે. જો કે આ કાયદા સામે પણ કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે.

આ સંયોગોમાં વટાળપ્રવૃત્તિની ટીકા કરતો મદ્રાસ હાઈ કોર્ટનો તાજેતરનો ચુકાદો ધાર્મિક સ્વતંત્રતાની પણ રક્ષા કરનારો છે. તામિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક ધાર્મિક ભાષણ દરમિયાન પી. જ્યોર્જ નામના પ્રચારકે જાહેરમાં હિન્દુ દેવીદેવતાનું અપમાન કરતાં ઉચ્ચારણો કર્યાં હતાં. તેણે કહ્યું હતું કે ‘‘તમે જેને ભૂમિમાતા અને ભારતમાતા ગણીને પૂજા કરો છો, તે તો ગંદી છે. જે ભૂમિમાતાને પવિત્ર માનીને હિન્દુઓ ખુલ્લે પગે તીર્થયાત્રા કરે છે, તેઓ હડકવા જેવા ચેપી રોગનો ભોગ બને છે.  તેના કરતાં ખ્રિસ્તીઓ સમજદાર છે કે તેઓ જૂતાં પહેરીને જમીન પર ચાલે છે.’’ આ ભાષણમાં જ પ્રચારકે દાવો કર્યો હતો કે કન્યાકુમારી જિલ્લામાં ખ્રિસ્તીઓની વસતિ વધીને ૬૨ ટકા પર પહોંચી ગઈ છે. ખ્રિસ્તી પ્રચારકના આ ભાષણ સામે પોલિસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પોલિસે એફઆઈઆર કરી હતી.

આ ફરિયાદને રદ્દ કરાવવા પ્રચારકે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને આંશિક માન્યતા આપતાં મદ્રાસ હાઈ કોર્ટના વિદ્વાન જજે ટિપ્પણ કરી હતી કે ‘‘આ વિધાન જો કોઈ કોમેડિયન દ્વારા કરવામાં આવ્યા હોત તો કદાચ માફ કરી દેવાયા હોત; પણ કોઈ ધર્મપ્રચારક આ રીતના જાહેર વિધાનો કરે તે ચલાવી લેવાય નહીં. આપણાં બંધારણમાં ભલે દરેક નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મનું આચરણ કરવાની પરવાનગી આપવામાં આવી હોય; પણ તે પરવાનગી વ્યક્તિગત આસ્થા માટે છે. દાખલા તરીકે દિલીપ કુમાર નામના સંગીતકાર પોતાનો ધર્મ બદલીને એ.આર. રહેમાન બની ગયા તે તેમની વ્યક્તિગત આસ્થાનો સવાલ છે, પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા જથ્થાબંધ ધર્મપરિવર્તનનો કાર્યક્રમ ચલાવતી હોય તો તેને સહન કરી શકાય નહીં.’’

હિન્દુ દેવીદેવતાઓનું અપમાન કરનારા પ્રચારક પર ઇન્ડિયન પિનલ કોડની ૨૯૫-એ, ૧૫૩-એ અને ૫૦૫(૨) કલમો લગાડવામાં આવી હતી. તદુપરાંત તેની ઉપર ગેરકાયદે સભા કરવાની કલમ પણ લગાડવામાં આવી હતી. ૨૯૫-એની કલમ બદઇરાદાપૂર્વક કોઈ પણ વર્ગના ધર્મનું કે ધાર્મિક માન્યતાનું અપમાન કરવા સબબની છે. ૧૫૩-એની કલમ બે કોમો વચ્ચે ધર્મ,જાતિ, ભાષા કે સ્થળના આધારે વૈમનસ્ય કે ધિક્કારની લાગણી પેદા કરવા સબબની છે. ૫૦૫(૨) ની કલમ સમાજના એક વર્ગને બીજા વર્ગ સામે ઉશ્કેરવાને લગતી છે. મદ્રાસ હાઈ કોર્ટના વિદ્વાન જજ દ્વારા પોતાના ચુકાદામાં ૨૯૫-એ, ૧૫૩-એ અને ૫૦૫ (૨) ની કલમ કાયમ રાખવામાં આવી હતી, પણ ગેરકાયદે સભાને લગતી કલમ રદ્દ કરવામાં આવી હતી.

 વિદ્વાન જજે બહુ મહત્ત્વનું તારણ કાઢ્યું હતું કે ભારતની સંસ્કૃતિ બહુરંગી છે. વટાળપ્રવૃત્તિ દ્વારા તેને એકરંગી ન બનાવવી જોઈએ. આ ચુકાદા દ્વારા દક્ષિણ ભારતમાં બેફામ ચાલી રહેલી વટાળપ્રવૃત્તિ પર લગામ તાણી શકાશે.

જો ખ્રિસ્તી મિશનરીઓને છૂટો દોર આપવામાં આવે તો તેઓ વટાળપ્રવૃત્તિ દ્વારા કેવો ચમત્કાર સર્જી શકે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશની સરહદે આવેલો અરૂણાચલ પ્રદેશ છે. ઇ.સ.૧૯૫૧માં અરૂણાચલ પ્રદેશની રચના થઇ ત્યારે તેમાં ખ્રિસ્તીઓની વસતિ શૂન્ય હતી. કોંગ્રેસના રાજમાં મિશનરીઓને વટાળ પ્રવૃત્તિ કરવાનો છૂટો દોર આપવામાં આવ્યો હતો, જેને કારણે ઇ.સ. ૨૦૦૧માં ખ્રિસ્તી વસતિ વધીને ૧૮.૭ ટકા પર પહોંચી ગઇ હતી, જ્યારે હિન્દુઓ ૩૪.૬ ટકા સાથે બહુમતીમાં હતા. ત્રીજા નંબરે અરૂણાચલ પ્રદેશના મૂળ વનવાસીઓ હતા, જેમની વસતિ ૩૦.૭ ટકા જેટલી હતી.

ઇ.સ.૨૦૧૧માં વસતિગણતરી થઇ ત્યારે ખ્રિસ્તીઓ ૩૦.૨૬ ટકા સાથે પહેલા નંબરે પહોંચી ગયા હતા, જ્યારે હિન્દુઓ ૨૯.૦૪ ટકા સાથે બીજા નંબરે ધકેલાઇ ગયા હતા.  વર્તમાનમાં તો ખ્રિસ્તીઓની વસતિ વધીને ૪૦ ટકા પર પહોંચી ગયાનું માનવામાં આવે છે. અરૂણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓની વસતિ હિન્દુ તેમ જ મૂળ વનવાસી પ્રજાના ભોગે વધી રહી છે.

દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતું ધર્માંતરણ રોકવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) દાયકાઓથી પ્રયત્નશીલ છે. તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં અરૂણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓની વસતિ વધીને ૪૦ ટકા પર પહોંચી ગઇ છે, જ્યારે હિન્દુઓ ૩૦ ટકા સાથે લઘુમતીમાં ધકેલાઇ ગયા છે. અરૂણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર આવી તે પછી તેણે મિશનરીઓ દ્વારા થતું ધર્માંતરણ રોકવાના પ્રયાસો કર્યા હતા, પણ તેમાં તેને સફળતા મળી નહોતી. હવે તેણે બહુમતી ખ્રિસ્તીઓને ખુશ કરવા છેક ૧૯૭૮માં પસાર કરવામાં આવેલો ધર્માંતર વિરોધી કાયદો રદ્દ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને ખ્રિસ્તી સંસ્થાઓએ વધાવી લીધી છે, પણ અરૂણાચલ પ્રદેશના વનવાસી જૂથો દ્વારા તેનો સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમને ભય છે કે ધર્માંતરવિરોધી કાયદો રદ્દ થતાં મિશનરીઓની વટાળપ્રવૃત્તિમાં જોરદાર વધારો થશે.

અરૂણાચલ પ્રદેશમાં ધર્માંતરવિરોધી કાયદો રદ્દ કરવા પાછળનો ભાજપનો તર્ક એવો પણ હોઇ શકે છે કે આ કાયદો અમલમાં આવ્યો તેને ૪૦ વર્ષ વીતી ગયાં તે દરમિયાન કાયદાની મદદથી ધર્માંતરણ અટકાવી શકાયું નથી. આ કાયદાના અમલનાં ૪૦ વર્ષ દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓની વસતિમાં ઘટાડો નથી થયો, પણ પ્રચંડ વધારો થયો છે, તો કાયદાને ચાલુ રાખવાની શું જરૂર છે? તેને બદલે કાયદો રદ્દ કરીને ખ્રિસ્તીઓના મતો મેળવવામાં વધુ ફાયદો છે. ભાજપ મણિપુરની ચૂંટણી જીત્યો તે પણ ખ્રિસ્તી મતદારોનું તુષ્ટિકરણ કરીને જ જીત્યો હતો.

Most Popular

To Top