Entertainment

જાન્હવીની નવાજુની

જયારે કોઇ નવા હીરો યા હીરોઇન સફળ થવા માંડે ત્યારે ફિલ્મ જગતમાં અને પ્રેક્ષકોમાં એક નવો ઉત્સાહ, નવી અપેક્ષા જાગતી હોય છે. વિત્યા થોડા વર્ષમાં આવી અપેક્ષા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સિવાય કોઈ જગાવી શકયું નથી. છેલ્લા વર્ષોમાં આવેલ અભિનેત્રીઓમાં ઘણીએ એ આશા જગાવી છે પણ હજુ કોઇ કારણથી પરિણામ જોઇ શકાતું નથી. થોડો વાંક તે અભિનેત્રીઓનો થોડો તેઓ જે ફિલ્મમાં આવી તેના વિષય અને ટ્રીટમેન્ટનો હશે. બાકી કોઇના સફળ થવાનાં કે નિષ્ફળ જવાના કારણ એકદમ તરત ન શોધી શકાય. જેની ‘બવાલ’ રજૂ થઇ રહી છે તે જાન્હવી વિશે પણ એવું જ કહી શકાય. તે તેની મમ્મી શ્રીદેવી જેવી રૂપાળી નથી પણ તેનામાં પણ રૂપની ચમક છે.

લોકો તેને બોની કપૂરથી વધુ શ્રીદેવીની દીકરી તરીકે જ ઓળખે છે અને અપેક્ષા શ્રીદેવી જેવી સફળતાની જ છે. શું ‘બવાલ’ એ દિશાની ફિલ્મ હશે. જાન્હવીની પહેલી ફિલ્મ પ્રેમકથા જ ધરાવતી હતી અને ‘બવાલ’ માં પણ તે વરુણ ધવનની પત્ની જ બની છે. અજય અને નિશા વચ્ચેની દોસ્તી લગ્નમાં પરિણમે છે. અને લગ્ન પછી યુરોપ ગયા બાદ વાતો અચાનક બદલાવા માંડે છે. લગ્ન સ્વયં એક કસોટી બની જાય છે. અને તેમાં યુવા પેઢીને મઝા આવે એવો મસાલો છે. પ્રેમ અને લગ્ન જીવન બંનેની વાત છે તો પ્રેક્ષકો સારો રિસ્પોન્ડ કરે ય ખરા. હા, આવા પ્રકારની ફિલ્મ થિયેટર્સમાં રજૂ થવી જોઈએ પણ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રજૂ થઇ રહી છે.

થિયેટરમાં રજૂ થયેલી ફિલ્મની સફળતા કે નિષ્ફળતા દેખાતી હોય છે, ઓટીટી પ્લેટફોર્મ પર દેખાતી નથી. બાકી ‘ચિલ્લર પાર્ટી’, ‘ભૂતનાથ રિટર્ન્સ’, ‘દંગલ’ જેવી ફિલ્મોની સફળતા જેના નામે ચડી હોય તેવા દિગ્દર્શખ નિતીશ તિવારીએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. હમણાં જ નિતીશ નિર્મીત ‘તરલા’ રજૂ થઇ છે તેનો તો સારા સમાચાર નથી પણ ‘બવાલ’ કદાચ વાતાવરણ બદલી શકે. હા, આ ફિલ્મની સ્ટાર્સ વેલ્યુ બહુ નથી. વરુણ–જાન્હવી પછી મનોજ પાહવા, મુકેશ તિવારીના નામો છે એટલે ફિલ્મની જવાબદારીના નામો છે એટલે ફિલ્મની જવાબદારી જાન્હવી-વરુણ પણ રહેશે. જાન્હવીની ગયા વર્ષે બે ફિલ્મ રજૂ થયેલી ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ બંનેના વિષય સારા તો પણ બોક્સ ઓફિસ પર સારી ગઇ નહોતી. પણ હવે તે તેની બધી ફિલ્મ પાસે જ સારી આશા રાખે છે.

તેમાં એક તો મહેન્દ્રસિંહ ધોની જે નામથી ઓળખાય છે તેના પરથી જ ‘મિ એન્ડ મિસીસ માહી’ નામ ધરાવે છે અને એ ફિલ્મમાં જાન્હવી સામે જે રાજકુમાર રાવ છે તેનું નામ પણ મહેન્દ્ર ધોની જ છે. હકીકતે પણ મહેન્દ્રસિંહ ધોનીની જ કહાની છે. થાય કે તેને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ તો આવી ગઇ હવે બીજીથી કઇ સિકસર વાગવશે? પરંતુ કરણ જોહર આ ફિલ્મનો નિર્માતા છે એટલે આશા તો રાખી શકો. જાન્હવી માટે આ જોડી યોગ્ય કહેવાય કે નહિ તે સવાલ જરૂર કરી શકાય. પણ તે જરૂરથી જ ટોપ સ્ટાર્સ સાથે જોડી બનાવવા બાબતે સભાન નથી હતી. એટલે જ તો ‘ઉલઝ’ નામની ફિલ્મ વિશે વધુ વાત નથી થતી તેમાં તેની સાથે રોશન મેથ્યુ છે.

એ ફિલ્મ યુવાન ભારતીય વિદેશ સેવા અધિકારીની યાત્રાને વર્ણવે છે. જાન્હવીએ જોડી બનાવવા વિશેના અભિગમ બદલવો જોઈએ. હા, આ ફિલ્મમાં ફરી તે અધિકારીની ભૂમિકામાં છે, કદાચ તેને ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ અને ‘મિલી’ને કારણે આ ફિલ્મ મળી હશે. જહાન્વી પોતાના બળે આખી ફિલ્મને ખેંચી શકે છે તે તેનો વિશેષ છે પણ તે મનોરંજક ફિલ્મ, મસાલા ફિલ્મથી દૂર રહે છે. તેની ક્ષમતા ઓછી નથી પણ પસંદગી જૂદી છે. બાકી તો તે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં નાની ભૂમિકામાં દેખાશે અને તે ઉપરાંત ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સન્ડે’માં આવી રહી છે. એક ફિલ્મ ‘જન ગણ મન’ છે જેમાં વિજય દેવરકોન્ડા અને પૂજા હેગડે છે. તે તેની મમ્મી શ્રીદેવીની જેમ તમિલ બોલી શકે છે. એટલે જૂનિયર એન.ટી.રામારાવ સાથે ‘દેવારા’ અને ફહાધ ફાસીલ સાથે ‘ઓરુ બિલથીકઢા’ માં પણ કામ કરે છે. જાન્હવી કામ મેળવવામાં સફળ જ છે બસ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળે તો તેના ચાહકો અને મમ્મી શ્રીદેવી પણ રાજી થશે. •

Most Popular

To Top