Charchapatra

એ દિશામાં વિચારવા જેવું ખરું

શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ ફેરફારો થઈ રહ્યા છે. પરિવર્તન દરેક ક્ષેત્રમાં આવશ્યક છે. ટેકનોલોજીના, સ્વતંત્રતાના,સ્વચ્છન્દતાના વિલાસી યુગમાં સંતાનોને સંસ્કાર આપી, એ મૂલ્યો એનામાં ટકાવી રાખવા એક મોટો પડકાર માતા-પિતા, સમાજ અને શાળાઓ માટે છે. પડકાર તો છે જ. સમસ્યાઓ પણ અનેક છે. ઉકેલ પણ છે.  બાળકના વિકારોને ઉત્તેજિત કરે તેવાં દૃશ્યો, ચોપાનિયાંઓ, સોશ્યલ મીડિયા ,વાતાવરણ, કુસંગ, વાચનનો અને વિચારોનો દુષ્કાળ આવા અનેક સંસ્કારઘાતક પરિબળોની અસર તેના મન પર થવાની જ છે. આ બધાથી એને બચાવવાનું છે.બાહ્ય વાતાવરણ બદલવું શકય નથી. આપણા હાથમાં નથી. પણ એમાં રહીને બાળકને કેવી રીતે બચાવવું એ કામ કરવાનું છે. કામ અઘરું છે પણ અશક્ય નથી.  મહદંશે ઘરોમાં, સમાજમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને માથે માત્ર ને માત્ર ઉપદેશ સલાહ, ભાષણોની વણઝાર સહિત સૂચનાઓ ઠોકી દેવાય છે. યાદ રહે “બાળકના જીવન પર ઉપદેશની અસર એટલી નથી થતી, જેટલી ઉદાહરણની થાય છે. “ ઉપયોગમાં લીધેલ આ શસ્ત્રો ધાર વગરનાં છે. બાળકો તમને સાંભળતાં નથી પણ શું દેખાડો છો એ ધ્યાનથી જુએ છે. ઘરમાં સૌ વડીલોનું, માતા-પિતાનું ,ઘરનાં અન્ય સભ્યોનું અને શાળામાં શિક્ષકોનું નિરીક્ષણ કરે છે. વાત અને વર્તન વચ્ચેનો તફાવત જુએ છે, સમજે છે.બંનેમાં વિરોધાભાસ દેખાતા બાળક મૂંઝાય છે. બાળક નાનું છે, નાસમજ છે એવું વિચારવાની ભૂલ કરવા જેવી નથી. રાજકુમારીના કોમળ પગમાં કાંટા કે કંકરની ઈજા ના થાય તે માટે આખા નગરના રસ્તા ઉપર ચામડું કે જાજમ ન પથરાય, શક્ય પણ નથી. પણ રાજકુમારીને પગરખાં પહેરાવી ઈજાથી બચાવી શકાય. એ દિશામાં ગતિમાન થઈ શકાય. બાળકોને સદ્વર્તન દ્વારા કેળવી શકાય. બાળકો પાસે સારા સભ્ય આચરણની અપેક્ષા રાખીએ તો સારા વિચારો અને વાતાવરણ આપવા પણ એટલાં જ જરૂરી છે. એ દિશામાં ગહનતાથી, ગંભીરતાથી વિચારવા જેવું નથી લાગતું !?
સુરત     – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગણપતિ યાત્રામાં સાવચેતી

ગણપતિ બાપા આપણા વિઘ્નહર્તા છે. એનું આગમન ધામધૂમથી થવું જોઇએ. પણ તેમને આવકારવા જે ભાવ, જે શ્રધ્ધા હોવી જોઇએ તે ભૂલી ગયા છીએ. ગણપતિ બાપાના આગમન યાત્રામાં અભદ્ર ગીતો અને ડાન્સ યોગ્ય નથી. ભજન-ધૂન-ઢોલ-નગારા-ત્રાંસા- લેઝીમથી એમનું સ્વાગત યોગ્ય છે. દરેક આગમન યાત્રાની અનિવાર્યપણે પરમિશન હોવી જોઇએ જેથી પોલીસ ભાઇઓ ટ્રાફિકની સમસ્યા હલ કરી શકે. બીજું રસ્તા પર અધવચ્ચે ગણપતિ સ્થાપના કરે તે પણ યોગ્ય નથી.
સુરત     – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top