Comments

ભગવદ્ ગીતા ગુજરાતમાં તો ખરેખર ભણવી જરૂરી જ છે!

“હે અર્જુન યુદ્ધ કર.લડવું તે તારો ધર્મ છે. તારો હક તારે લેવો જ જોઈએ. આ બધાં તારાં સગાં છે માટે તું આમની સામે નહીં લડી શકે. તારે ના લડવું જોઈએ તે વિચાર છોડી દે. લડવું તે તારો ધર્મ છે, તારું કલ્યાણ યુદ્ધમાં છે”. –      ભારતમાં તો જેમણે ભગવદ્ ગીતા નથી વાંચી તેમને પણ ગીતા માટેની આ સાદી સમજ છે. હવે સરકાર ગુજરાતમાં શિક્ષણમાં ભગવદ્ ગીતા ફરજીયાત ભણાવવા જઈ રહી છે ત્યારે ગુજરાતનાં વિદ્યાર્થીઓ, વાલીઓ ભગવદ્ ગીતા માટેની સાદી સમજમાંથી વ્યાપક સમજ તરફ જશે તેવી આશા બંધાઈ છે.

ગીતા જયંતી નિમિત્તે ગુજરાત સરકારે જાહેર કર્યું કે હવેથી ગુજરાતમાં શાળા કક્ષાએ ધોરણ છ થી બારમાં ગીતા ભણાવવામાં આવશે અને પરીક્ષા પણ લેવાશે. ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં આ લાભ હાલ પૂરતો નથી અપાયો, બાકી મેડીકલ અને એન્જીનીયરીંગમાં કોલેજ કક્ષાએ બધે જ ગીતા ભણાવી શકાય. જો કે ગીતા માત્ર શાળામાં જ ભણાવાય તેવું ઓછું છે? તે તો ઘર કુટુંબમાં પણ ભણાવી શકાય. બધું જ કાંઈ સરકાર ઓછું કરે? થોડું તો પ્રજાએ જાતે કરવું જોઈએ ને! ભારતમાં રામાયણ અને મહાભારત પ્રજાજીવન સાથે ઓતપ્રોત છે. આપણાં જીવનમૂલ્યો આ બે ગ્રંથો સાથે જોડાયાં છે. પહેલાં આ બન્ને વાંચતાં હતાં, પછી કથા દ્વારા સાંભળતાં હતાં, પણ હવે નવી પેઢી વાંચતી પણ નથી અને સાંભળતી પણ નથી, માટે આ બે ગ્રન્થ માટે અહોભાવ સિવાય તેની પાસે કશું નથી.

જો ભગવદ્ ગીતા ખરેખર યુવાનો વાંચે અને ખાસ તો ગુજરાતમાં, તો સત્તાવાળા ધારે છે તેના કરતાં જુદાં પરિણામો આવે અને આપણે તો ઈચ્છીએ જ છીએ કે નીતિમત્તા અને સામાજિક નિસ્બતથી દૂર જનારી પ્રજા ગીતા વાંચે અને કર્મ ફળના નિયમમાં વિશ્વાસ કરતી થાય. નબળો પુલ બને તો એ તૂટે જ અને આવા નબળા પુલ બનાવનારાને વારંવાર સત્તામાં બેસાડો તો આ પુલ તૂટવામાં તમે ભોગ પણ બનો જ. આ કુદરતી ન્યાયનો સિધ્ધાંત છે. ગીતા ખરેખર વ્યવહારુ જ્ઞાન આપે છે. માણસને પુરુષાર્થ પર ભરોસો રાખવાનું કહે છે. ગીતા ઉપર અનેક લોકોએ ભાષ્યો લખ્યાં છે, ચિંતન રજૂ કર્યાં છે, પણ આપણે ગીતાની સાવ સાદી સમજણ પણ જો વિદ્યાર્થીમાં આવે તો પણ રાજી છીએ. આ સાદી સમજ શું છે?

મહાન પુસ્તકો વિષેની પાયાની સમજણ એ છે કે શક્ય હોય ત્યાં સુધી તે જાતે વાંચવાં. કારણ તે તમારી સમજણ સીધી વિકસાવે છે. તમારે અન્યનાં અર્થઘટન સ્વીકારવાં નહીં પડે. જાતે વાંચો તો સ્વાવલંબી બનશો. ઘણી વાર તો એવું બને કે કોઈ ગ્રંથ વિષે કોઈને સાંભળીએ તે કરતાં જાતે વાંચે ત્યારે તે સમજાય કે આ તો સાવ જુદું છે. પેલા વિદ્વાન તો ભળતું-સળતું સમજાવતા હતા. એટલે ગીતા પણ વિદ્યાર્થીઓ, યુવાનો જાતે વાંચશે તો ઘણા ખ્યાલો સ્પષ્ટ થશે અને ઘણી ભ્રમણાઓ દૂર થશે. જો આપણે ગીતા વાંચીએ છીએ, સમજીએ છીએ તો સૌ પ્રથમ તો એ સમજાય છે કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ માટે ઊભેલા બન્ને તરફનાં લોકો વિરુદ્ધ સંપ્રદાયના  હતા, પણ કાકા બાપના મતલબ કે એક જ કુટુંબનાં સગાંવહાલાં હતાં અને કૃષ્ણ જ્યારે અર્જુનને લડવાનું કહે છે ત્યારે તે હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી સમ્પ્રદાયના વિવાદ માટે યુદ્ધ કરવાનું નથી. પોતાનાઓ સાથે જ પોતાના હક માટે લડવાનું કહે છે.

ગીતા ધ્યાનથી વાંચીએ તો સમજાય છે કે અહીં “ધર્મ માટે લડવાનું નથી.” અહીં તો “લડવું એ જ ધર્મ”છે. તદ્દન નમાલી અને દરેક વાતમાં હા જી હા કરવા ટેવાયેલા માટે આ એક લીટીનું ગીતાજ્ઞાન પણ પચાવવું અઘરું છે. આપણે તો ગીતાના ધર્મયુદ્ધ અને અન્યાય માટે હથિયાર ઉપાડવાની આખી વાત જ ઉડાડી દીધી છે. મહાભારતના કુરુક્ષેત્રમાં જે ગીતા કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાઈ છે તે જીવનનો સૌથી મોટો સંદેશ એ આપે છે કે જીવનમાં ખરી લડાઈ તો આપણે આપણા સામે કરવાની છે. આપણે સત્યની બાજુએ રહેવાનું હોય છે, સત્તાની બાજુએ નહીં. વફાદારી મૂલ્યો તરફ હોવી જોઈએ, સત્તા તરફ નહિ. ખોટું એ ખોટું જ હોય છે, તે આ બાજુ થાય કે પેલી બાજુ.

ગીતા એ મહાભારતનો એક ભાગ છે. આ ગ્રન્થ સાવ સાદાં જીવનમૂલ્યો સમજાવે છે કે ચોરીને લીધેલી વિદ્યા પણ નકામી છે. હક ના હોય એ ધન નકામું છે. મન વગર લડે તો  અક્ષૌહિણી  સેના પણ યુદ્ધ જીતી શકતી નથી. તમે વિદુર જેટલા સજ્જન હો પણ દુર્યોધનના પક્ષે રહો તો તમારો પણ વિનાશ જ છે. બાપ પુત્રપ્રેમમાં અંધ બને તો કુળનું નિકંદન કાઢે.ગીતાજ્ઞાન સાવ સરળ છે. એને ગૂંચવશો નહિ. અને હા, શિક્ષણમાં તે માત્ર કર્મકાંડ બની જશે તો ગીતાજ્ઞાનની પણ કાપલી થવા મળશે. એટલે શિક્ષણમાં ગીતા ફરજીયાત કરવાથી કાંઈ વળવાનું નથી, જો તે મૂલ્યો જીવનમાં ના ઊતરે તો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top