Charchapatra

પાલિકામાં  હોદ્દાની રુએ મ્યુનિસિપલ કમિશનર છે ખરા!?

શહેરના વિવિધ વિસ્તારોમાં વધતા જતા અતિક્રમણ અને ગેરકાયદેસરના બાંધકામના પ્રશ્ને  અનેકો નામી, અનામી, નામજોગ ફરિયાદો પાલિકાની વડી કચેરી સહિત સંબંધિત ઝોન ઓફિસને મળતી જ હોય છે, કિન્તુ ગંદા રાજકારણ અને ભ્રષ્ટાચારને કારણે  તેની ભૌતિક તપાસ જે તે વિભાગના જવાબદાર અને ભ્રષ્ટ ચીફ ઝોનલ ઓફિસર  સહિત કાર્યપાલક ઈજનેર વિગેરે  તરફથી મહિનાના મહિનાઓ સુધી થતી જ નથી. આમ થવાથી  અસર પામેલ ત્રસ્ત અરજદાર ફરિયાદી ચૂંટાયેલી પાંખનાં લોક પ્રતિનિધિ અને / અથવા સ્થાનિક નગરસેવકને રૂબરૂ મળતો હોય છે ત્યાં તેને કોણીએ મીઠો ગોળ લગાડીને તગેડી મુકાય છે.

આવી વહીવટી અને વ્યવસ્થાકીય પરિસ્થિતિ પાલિકાની હોય ત્યારે પ્રશ્ન એ થાય કે, પાલિકામાં સક્ષમ અધિકારી તરીકે મ્યુ.કમિશનર હોદ્દાની રુએ હશે ખરા !? પાલિકાનું વિજિલન્સ અને ઇન્સ્પેકશન વિભાગ શું કરે છે !? થોડાક સમય પહેલાં આ લખનારની સૌજન્ય અને અંગત  મુલાકાતે (નામ ગુપ્ત રાખવાની શરતે ) એક ભૂતપૂર્વ નગરસેવક સદર પ્રશ્ને પોતાની હૈયાવરાળ  ઠાલવવા આવ્યા, પાલિકામાં શાસક પક્ષની સરકાર હોવા છતાં મારું વજન હવે પડતું નથી વિગેરે. એમનો બળાપો સાંભળ્યા પછી મેં સહજ ભાવે સ્મિત સાથે કહ્યું કે,તમે શહેરી બાવા હતા ત્યારે એ સમય દરમિયાન શું કરતા હતા?

અધિકારીઓ સાથેના મેળાપીપણા  હેઠળ તોડજોડ કરી હપ્તા જ ખાતા હતા ને? (હાલ વિકાસ અને વિનાશના નામે ગોરખધંધા થાય જ છે ને!? )  મિત્ર પાસે કોઈ જવાબ નહોતો કે નથી એટલે મેં આશ્વાસન આપવા કહ્યું પાલિકા એક જાહેર સ્વરાજ્યની લોક સેવા કરતી સ્વાયત્ત સંસ્થા છે અને તેના વડા મ્યુ.કમિશનર છે એ સાંભળતા નથી, ગણકારતા નથી, દાદ દેતા નથી તો સદર સમસ્યા પ્રશ્ને સિવિલ પ્રોસીજર કોડ રુલ 80 અન્વયે પાલિકા સામે દાવો કરતાં પહેલાં, ભવિષ્યમાં કાનૂની મુદ્દે ટેક્નિકલ બાધ નહીં નડે એ કારણોસર એક કાયદેસરની સ્ટેચ્યુટરી નોટિસ કોઈ કહેવાતા વિદ્વાન ધારાશાસ્ત્રી મારફત પાઠવો અને દાદમાં સંબંધિતોની જવાબદારી નક્કી કરો !

ટૂંકમાં પાલિકાનું સમગ્ર તંત્ર ખાડે ગયેલ છે અને ચોમેરથી ભ્રષ્ટાચારની બૂ આવે છે,બીચારા બાપડા  માજી નગરસેવકની પોતાની સરકાર સતા પર હોવા છતાં એ દુ:ખિયાની નૈયા પાર થતી નથી ! ત્યારે સામાન્ય માણસની શી વિસાત !? ખેર, હવે શહેરીજનોમાં કરદાતાઓએ સંગઠિત અને જાગૃત થઈ પાલિકાના દરવાજે મોરચો માંડી હલ્લા બોલ કરવો  પડશે તો જ આ ગેંડાની ચામડી જેવા નપાણિયા  તંત્રમાં કાળક્રમે ધીમી અને ધીરી ગતિએ  ચેતના આવશે !
સુરત     -સુનીલ રાજેન્દ્ર બર્મન
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top