ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં? તે અલગ ચર્ચાનો વિષય છે. અને દારૂબંધીને આર્થિક વિકાસ સાથે સીધો સંબંધ છે કે નહીં?- તે અલગ ચર્ચાનો વિષય છે. ગુજરાતથી અનેક લોકો રાજસ્થાન જાય છે, જેમાંથી થોડા દારૂ પણ પીવે છે પણ બધા જનારા દારૂ પીતા નથી અને માત્ર દારૂ પીવા માટે જ રાજસ્થાન જતા હોય તેવા તો ખૂબ ઓછા. આવું જ ગોવા અને મુંબઈનું પણ છે. ગુજરાતમાંથી મુંબઈ કે ગોવા જનારાં બધાં માત્ર ત્યાં દારૂ મળે છે માટે નથી જતાં. સૌ પોતપોતાનાં કામ અને અગત્યાનુક્ર્મ મુજબ ફરવા કે કામ માટે જતા હોય છે એટલે જ્યાં દારૂ મળે છે કે દારુબંધી નથી ત્યાં પ્રવાસન વધારે વિકસે અને જ્યાં દારૂબંધી છે તો ના વિકસે એ વાત જ ગળે ઉતરે તેવી નથી.
હાલમાં ગુજરાત સરકારે ગાંધીનગર નજીક ગીફ્ટ સિટીમાં દારૂબંધી આંશિક નિયમ અનુસાર છૂટ જાહેર કરી એટલે સમાચાર માધ્યમ અને ચર્ચાજીવી લોકોમાં દારૂબંધી હળવી કરવા માટે હાસ્ય કટાક્ષથી માંડી ગંભીર મુદ્દાસર ચર્ચાઓ શરૂ થઇ ગઈ. એમાં એક મુખ્ય મુદ્દો એ હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી આર્થિક વિકાસને ધાર્યો વેગ મળતો નથી. ગુજરાતમાં દારૂબંધી દૂર કરવામાં આવે તો આર્થિક વિકાસમાં ગતિ આવે તેવું સીધું ગણિત મૂકનારા મુખ્યત્વે નીચેની દલીલો કરતા હોય છે. એક વારંવાર કરવામાં આવતી દલીલ એ છે કે દારૂબંધીને કારણે સરકારને એક્સાઈઝની આવક થતી નથી.
જો કે મૂળભૂત અર્થશાત્ર સમજ્નારા સમજે છે કે સમગ્ર અર્થતંત્ર વિકસે, જેના પરિણામ સ્વરૂપ સરકારની કુલ કમાણીનો વ્યાપ વધે તે ચોક્કસ આર્થિક વિકાસ બતાવે છે.પણ, કોઈ એક વસ્તુ પરની ટેક્સની આવક એ આર્થિક વિકાસનો માપદંડ નથી. ત્યાં તો એક વસ્તુ નહીં તો બીજી વસ્તુ વેચાય અને સરકારને તેમાં ટેક્સ મળી જ રહે. અનેક સમાજશાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓ કહે જ છે કે ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા તો સિગરેટ પીવે છે, તમાકુ ખાય છે, ગુટખા વધારે ખવાય છે અને માત્ર ટેક્સ જ અગત્યનો હોય તો તે આમાંથી પણ મળે જ છે . એટલે કોઈ એકાદ વસ્તુ પરની ટેક્ષની આવક મજબૂત દલીલ બનતી નથી.
બીજી દલીલ એમ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી દૂર થાય તો રોકાણ વધે, ગીફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી ત્યાં ઓફીસ અને ફ્લેટના વેચાણ વધશે.આ તદ્દન વાહિયાત વાત છે. સ્પોન્સર વાત છે. માણસ દારૂ મળતો થાય ત્યાં ઘર ઓફીસ ખરીદે તેવું કહેવું મુર્ખાઈભરેલું છે. ઘર ખરીદવા માટે આજુબાજુ સામાજિક મૂડી રોકાણ કેટલું થયું તે જોવાય છે અને દુનિયાભરમાં મૂડીરોકાણ કરનારા જે તે જગ્યાની પ્રજાની ખરીદશક્તિને ધ્યાનમાં લે છે, પીવાની ટેવને નહીં.
પ્રવાસન ઉદ્યોગને દારૂબંધી દૂર થવાથી ફાયદો થાય તેવું દારૂબંધીમાં સતત જીવતાં અને પીવા માટે ગોવા જતાં કેટલાંક ગુજરાતી વિચારી શકે. બાકી પ્રવાસને સામાજિક સલામતી આંતરમૂડી માળખાની સગવડો અને કુદરત કે માનવસર્જિત આકર્ષણો ફાયદો કરાવે છે. વળી આપણે એ ન ભૂલવું જોઈએ કે વિદેશી યાત્રીઓ કે દેશમાં જ દારૂની જરૂરિયાતવાળાં લોકોને ગુજરાતમાં દારૂ પીવાની પરમીટ મળે જ છે એટલે દારૂબંધી હોવા છતાં પીનારાને વાંધો આવતો નથી તો પ્રવાસનને ક્યાંથી આવે?
આપણે જોયું જ કે ગુજરાતમાં જ્યારથી રોડ મોટા અને સુવિધાપૂર્ણ બન્યા, હોટલ ઉદ્યોગ વિકસ્યો અને સોમનાથ, દ્વારકા, સાયન્સ સીટી કચ્છ ઉત્સવ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં ત્યાં દારૂના પ્રલોભન વગર પણ પ્રવાસીઓ ઉમટ્યાં. વધ્યાં. ટૂંકમાં દુનિયાના દેશો લઈ લો કે ભારતના દારૂની છૂટ આપતાં રાજ્યો લઇ લો, આર્થિક વિકાસ અને દારૂ વચ્ચે સીધો સંબંધ બાંધી શકાયો નથી. આપણા પડોશી રાજસ્થાનમાં તો પહેલેથી દારૂબંધી નથી તો પણ રાજસ્થાનનાં ઘણાં લોકો રોજગારી શોધમાં ગુજરાત આવે છે.મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, છતાં પહેલાં મુંબઈ અને પછી પુના સિવાયના પ્રદેશો હજુ ઘણા પાછળ રહી જવા પામ્યા છે.
ભારતનાં અનેક રાજ્યોમાં દારૂ છૂટથી મળે છે ત્યાં લોકો ફરવા જતાં નથી. મૂડીરોકાણમાં ઉત્સાહ બતાવતા નથી એટલે દારૂ પીવાની છૂટ આપવા માટે આર્થિક વિકાસનું કારણ આગળ ધરવું યોગ્ય નથી. હા, દારૂબંધી હોવી જોઈએ કે નહીં તેની વ્યાપક ચર્ચા ભલે થાય. ગાંધીના ગુજરાતમાં દારૂ? એવા લાગણીશીલ પ્રશ્નો પણ કરવા નહીં. ગાંધીજીએ દારૂ ના પીવો તેમ કહેવા સિવાય ઘણું કહ્યું છે. ગાંધીના અનેક નિયમો તોડ્યા અને છોડ્યા પછી ખાલી દારૂબંધીને પકડી રાખવી પણ કેટલું યોગ્ય? દારૂ પીનારા દેશોએ નૈતિકતાની મિસાલ આપી જ છે. તો મુખ્ય વાત આટલી જ કે ખોટાં બહાનાં ના બતાવો.નહીં તો પી ને વાલે કો પીનેકા બહાના ચાહિયે એ કહેવત સાચી પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.