Comments

ભણેલા અભણો પેદા કરનારો યુગ અમૃતકાળ કહેવાય?

ગયા વર્ષે યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો ત્યારે ખબર પડી કે વિશ્વગુરુનાં સંતાનો યુક્રેનમાં ભણવા જાય છે અને એ પણ મોટી સંખ્યામાં. કારણ? કારણ એ નહોતું કે યુક્રેન વિશ્વગુરુનું પણ ગુરુ છે પરંતુ એટલા માટે કે વિશ્વગુરુ પાસે પોતાનાં બાળકોને ભણાવવા માટે પૂરતાં સાધનો નથી માટે વિશ્વગુરુનાં બાળકોએ યુક્રેન અને તેના જેવા ભિખારી દેશોમાં ભણવા જવું પડે છે. ‘ગર્વ સે કહો હમ હિંદુ હૈ’ એમ કહેનારાઓની ગાય માતાની જેવી હાલત છે એવી જ હાલત ગર્વ સે કહો હમ હિંદુ રાષ્ટ્રવાદી હૈ એમ કહેનારા દેશભક્તોનાં સંતાનોની છે. એક રસ્તે રઝળે છે અને બીજા યુક્રેન, ફિલિપિન્સ જેવા દેશોમાં રઝળે છે.

બ્લૂમબર્ગ નામની સંસ્થાના અહેવાલ મુજબ ભારતમાં શિક્ષણનો વ્યવસાય 9000 અબજ રૂપિયાનો છે, બિલાડીના ટોપની માફક કોલેજો સ્થપાઈ રહી છે પણ તેમાંથી જે ડીગ્રીધારી યુવાધન નીકળે છે તે નોકરી આપવાને લાયક નથી હોતું. ભારતમાં પ્રવાસ કરશો તો ધોરીમાર્ગ ઉપર ઠેકઠેકાણે હોર્ડિંગ્સ જોવા મળશે જેમાં દાવો કરવામાં આવ્યો હોય છે કે તેઓ મેરિટેડ વિદ્યાર્થીઓ પેદા કરે છે. તેઓ નોકરી મળવાની ગેરંટી આપે છે. તમે જ્યારે શહેરમાં પ્રવેશીને એ કોલેજ જોવા જશો તો આઘાત લાગશે કે એ મહાન કોલેજ તો શહેરની બજારમાં કોઈ શોપિંગ સેન્ટરમાં બે-ચાર કમરામાં ચાલે છે. આવી કોલેજોમાંથી પેદા થતા ડીગ્રીધારી યુવાનોને નોકરી નથી મળતી એનું કારણ એ નથી કે નોકરીનો દુકાળ છે પણ ટેલેન્ટનો દુકાળ છે. તેઓ પાયાનું જ્ઞાન પણ ધરાવતા હોતા નથી.

આ એક એવો દેશ છે જે એક અંતિમે સત્ય નાડેલા અને સુંદર પિચાઈ પેદા કરે છે અને બીજા અંતિમે ભણેલા અભણો પેદા કરે છે. શિક્ષણનો ધંધો અનિયંત્રિત છે અને શિક્ષણનો ધંધો કરનારાઓ રાજકીય પક્ષોના નેતાઓ અને શાસકોને ગજવામાં રાખીને ફરે એટલી તાકાત ધરાવે છે.  ન્યાય ખાતર કહેવું જોઈએ કે આ સ્થિતિ નરેન્દ્ર મોદીની સરકારે પેદા નથી કરી. ભારતમાં ભણેલા અભણ પેદા કરનારું શિક્ષણ દાયકાઓથી આપવામાં આવે છે. શોપિંગ સેન્ટરમાં નહીં, ભેંસોના તબેલામાં શિક્ષણ અપાતું હોય એવી એક કોલેજ મેં મુંબઈમાં જોઈ છે. સરકારી આદેશના કારણે તબેલો મુંબઈની બહાર લઈ જવામાં આવ્યો હતો તબેલાની જગ્યામાં ક્લાસરૂમ ઉતારીને તેને કોલેજમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. ગમાણ એની એ જ, માત્ર પ્રાણી બદલાયું.

વાત એમ છે કે શિક્ષણ એ પ્રચંડ અછતનું માર્કેટ છે. સરકારે પ્રત્યેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની, કેળવણી આપવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે. ભગવાને આપ્યું છે તો એમાંથી થોડું સમાજને પાછું આપવું જોઈએ એમ સમજીને દેશભરમાં ઠેકઠેકાણે કેળવણી મંડળો શાળા-કોલેજો સ્થાપતા હતા એ યુગ આથમી ગયો છે અને જે જૂના યુગનાં કેળવણી મંડળો છે તેણે સેવા છોડીને શિક્ષણનો ધંધો શરૂ કરી દીધો છે. આવું જ આરોગ્યનું. જે એક સમયે સરકારની ફરજ સમજવામાં આવતી હતી અને જેને સેવા તરીકે જોવામાં આવતાં હતાં એ શિક્ષણ અને આરોગ્ય વ્યવસાયમાં ફેરવી નાખવામાં આવ્યાં છે. ભારતના 8% GDP માં ચોથા ભાગનો હિસ્સો સેવાઓને વ્યવસાયમાં ફેરવી નાખી તેનું પરિણામ છે.

હવે અહીં નરેન્દ્ર મોદી સરકારની સામે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શિક્ષણની બિસ્માર હાલતનો તેમણે શું ઉપાય કર્યો? ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે અને ભારત પાસે વિશ્વમાં સૌથી મોટું યુવાધન છે પણ જો એ સક્ષમ ન હોય તો તેનો ફાયદો શું? વડા પ્રધાન તેમના શાસનકાળને અમૃતકાળ તરીકે ઓળખાવે છે અને ભારતને વિશ્વગુરુ જાહેર કરી દીધું છે પરંતુ કોના ભરોસે? ભણેલા અભણો પેદા કરનારો યુગ અમૃતકાળ કહેવાય? અભણોના ભરોસે ભારત વિશ્વગુરુ બનશે? જુમલા ફેંકવાથી વાસ્તવિકતા નથી બદલાતી. બેવકૂફોને સુવાણ થાય એટલું જ અને એ પણ એવા સમયે જ્યારે પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે. ચીનની વિકાસની ગતિ થંભી ગઈ છે. જાપાન વિકાસના મોરચે પાછળ ધકેલાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ભારત માટે તક છે. કોઈ પણ શાણો અને જવાબદાર શાસક તક ઝડપી લેવાનો પ્રયાસ કરે. ઓછામાં વધારે શિક્ષણનું રાજકીયકરણ થઈ રહ્યું છે. શિક્ષણસંસ્થાઓ પર ખાસ પ્રકારની વિચારધારા ધરાવનારાઓ કબજો કરી રહ્યા છે. લખી રાખજો થોડાં વર્ષો પછી નાડેલા અને પિચાઇ પણ પેદા નહીં થાય.

વડા પ્રધાન જે કહે છે એ વાતે ખરેખર પ્રામાણિક હોત અથવા હોય તો તેમણે ધોરણસરના અને ગુણવત્તાવાળા શિક્ષણને અગ્રતાક્રમ આપવો જોઈએ. ઇતિહાસમાં હિસાબકિતાબ કરવાનું છોડીને ભવિષ્ય તરફ નજર કરવી જોઈએ. સમૃદ્ધિ અને સુખાકારી આગળ જોવામાં છે, પાછળ જોવાથી રડવા અને ડરવા સિવાય કાંઈ હાથ લાગવાનું નથી અને એ પણ કારણ વિના ખોટો ઇતિહાસ ભણીને.  આ એક એવો કમભાગી દેશ છે જેની પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન છે પણ તેને સમૃદ્ધિનો સિપાહી બનાવવાની જગ્યાએ રડાવવા અને ડરાવવામાં આવી રહ્યો છે. આને અમૃતકાળ કહેવાય? પણ ભક્તો કહેશે, હા.

Most Popular

To Top