Columns

દેશમાં કોમી રમખાણો કરાવવાની યોજના આકાર ધારણ કરી રહી છે?

દેશમાં કોરોનાનો પ્રકોપ માંડ શાંત પડ્યો ત્યાં કોમી રમખાણોનો સિલસિલો ચાલુ થયો છે. જે ગુજરાત ભાજપના રાજમાં શાંત જણાતું હતું તેના હિંમતનગરમાં અને ખંભાતમાં પણ રમખાણોને રોકવામાં સરકારને સફળતા મળી નહોતી. દિલ્હીના જહાંગીરપુરીમાં રામ નવમીની શોભા યાત્રા દરમિયાન હિંસક તોફાનો થયાં, જેમાં નવ જણા ઘાયલ થયા હતા. આ તોફાનો માટે જે ૨૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમોના તોફાનીઓનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશના ખરગોનમાં અને રાજસ્થાનના કૈરોલીમાં જે કોમી તોફાનો થયાં તેમાં હિન્દુ પરિવારોને હિજરત કરવાની ફરજ પડી હતી. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પછી હવે ગુજરાતમાં તોફાનોના આરોપીઓનાં ઘરો પર બુલડોઝર ચલાવી દેવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે ખૂબ ચિંતાજનક છે. તોફાનો કરનારા આરોપીઓ પર ખટલો ચલાવવાનો હોય અને તેઓ ગુનેગાર પુરવાર થાય તો કોર્ટ તેમને સજા કરશે. તેને બદલે પોલીસ જ કાયદો હાથમાં લઈને તોફાનીઓનાં ઘરો પર બુલડોઝર ચલાવી દે તેમાં અન્યાય થવાનો અને સૂકાં ભેગું લીલું બળી જવાનો ભય રહેલો છે.

મુસ્લિમ બાદશાહો ભારતમાં રાજ કરી ગયા અને હિન્દુ મંદિરોનો ધ્વંસ કરવા ઉપરાંત લાખો હિન્દુઓને વટલાવતા ગયા તે ઐતિહાસિક હકીકત છે, પણ તેની સજા મુસ્લિમોની વર્તમાન જમાતને કરવામાં કોઈ ડહાપણ નથી. દેશનાં હિન્દુઓમાં પદ્ધતિસર રીતે સોશ્યલ મીડિયામાં મુસ્લિમોનો ડર ફેલાવાઈ રહ્યો છે કે જો તેમની વસતિ હદ બહાર વધી જશે તો તેઓ ભારતને પણ મુસ્લિમ દેશ બનાવી દેશે. કર્ણાટકમાં હિજાબ અને હલાલનો વિવાદ ચગાવાઈ રહ્યો છે તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે મસ્જિદોમાં થતી આઝાનનો વિરોધ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભાજપની સરકાર વસતિનિયંત્રણનો કાયદો લઘુમતી કોમને ટાર્ગેટ કરવા લાવી રહી છે.

રામ નવમીના દિવસે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એક નહીં પણ ત્રણ શોભાયાત્રાઓ નીકળી હતી. પહેલી બે શોભાયાત્રા શાંતિથી પસાર થઈ ગઈ, કારણ કે તેના રૂટમાં ફેરફાર કરીને મસ્જિદવાળો રસ્તો બદલવામાં આવ્યો હતો. ત્રીજી શોભાયાત્રા છેક સંધ્યાટાણે નીકળી હતી. તેના આયોજકો કોઈ સંયોગોમાં મસ્જિદની નજીકથી પસાર થતો રૂટ બદલવા તૈયાર નહોતા. શોભાયાત્રામાં યુવાનો ભગવાં વસ્ત્રો પહેરીને આવ્યા હતા અને તેમના હાથમાં નાગી તલવારો તેમ જ લાકડીઓ હતી. મુસ્લિમ યુવાનો પણ આ શોભાયાત્રાથી ભયભીત થઈ ગયા હતા. તેમણે સ્વરક્ષણ માટે મસ્જિદમાં પથરાનો સ્ટોક કરી રાખ્યો હતો. મસ્જિદ નજીક આવતાં હિન્દુ યુવાનોનું ટોળું જોરશોરથી પોકારવા લાગ્યું હતું કે ‘‘હિન્દુસ્તાન મેં રહેના હો તો જયશ્રી રામ કહેના હોગા.’’

આ સૂત્રોચ્ચાર સાંભળી મુસ્લિમ યુવાનો શોભાયાત્રા પર પથરો ફેંકવા લાગ્યા હતા. તેથી ઉશ્કેરાયેલા હિન્દુ યુવાનો ભગવો ઝંડો લઈને મસ્જિદમાં ઘૂસી ગયા હતા. તેમનો ઇરાદો મસ્જિદના ઘુમ્મટ પર ચડીને ભગવો ઝંડો ફરકાવવાનો હતો, પણ મુસ્લિમ યુવાનોએ તેને નાકામ બનાવ્યો હતો. હિન્દુ યુવાનો ભગવા ઝંડા મસ્જિદના કમ્પાઉન્ડમાં ફેંકીને ભાગી ગયા હતા. આ તોફાનો જોતજોતામાં આખા જહાંગીરપુરી વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. બ્લોક જી અને એચમાં હિન્દુ બહુમતી હોવાથી મુસ્લિમો પર હુમલા કરવામાં આવ્યા હતા. બ્લોક સીમાં મુસ્લિમોની વસતિ વધુ હોવાથી હિન્દુઓનાં ઘરો પર હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા મેદાનમાં આવી ત્યારે પોલિસ પર પણ ગોળીબાર કરવામાં આવ્યા હતા. પથ્થરમારામાં અને ગોળીબારમાં આઠ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જે ૨૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમાં ૧૫ મુસ્લિમ છે અને ૮ હિન્દુ છે. ગોળીબાર કરનારો એક મુસ્લિમ યુવાન તો સગીર હોવાનું કહેવાય છે.

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં રામ નવમીની શોભાયાત્રામાં સામેલ થયેલા યુવાનો હાથમાં તલવાર અને લાઠી ઉછાળી રહેલા જોવા મળ્યા હતા. કેટલાક યુવાનો હાથમાં રિવોલ્વર લઈને હવામાં ગોળીબાર કરતાં પણ નજરે પડતા હતા. યુવાનોએ કબૂલ કર્યું હતું કે તેઓ તલવાર લઈને આવ્યા હતા, પણ તેમના કહેવા મુજબ તેઓ માત્ર મનોરંજનના હેતુથી તલવાર લઈને આવ્યા હતા. તેમના કહેવા મુજબ તેમના હાથમાં જે લાઠીઓ હતી તે ઝંડા ફરકાવવા માટે હતી. તોફાનો પછી પોલીસે આરોપીઓ પાસેથી દેશી તમંચા અને તલવારો જપ્ત કરી હતી. જહાંગીરપુરીમાં ભડકી ઊઠેલાં તોફાનો પ્રિપ્લાન્ડ હોવાની પૂરી સંભાવના રહેલી છે.

રાજસ્થાનના કરૌલીમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી હિન્દુઓની રેલી પર હુમલો કરવામાં આવ્યો તેના પગલે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનાના ચાર દિવસ પહેલાં પીએફઆઈ નામના આતંકવાદી સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે કરૌલીની રેલી પર હુમલો થવાનો છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે આ ચેતવણીની ઉપેક્ષા કરી હતી. કરૌલીમાં હિન્દુઓ લઘુમતીમાં હોવાથી તેમનાં ઘરો અને દુકાનો પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. ભયભીત થયેલા હિન્દુ પરિવારો ત્યાંથી હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ કરૌલીની મુલાકાતે જવાની જાહેરાત કરી તો રસ્તામાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભાજપે રાજસ્થાન સરકાર પર મુસ્લિમોની તરફેણ કરવાનો આક્ષેપ કર્યો છે.

મધ્ય પ્રદેશના ખરગોનમાં પણ રામ નવમીની શોભાયાત્રા પર હુમલાને પગલે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં ગરીબ હિન્દુઓની જેમ ગરીબ મુસ્લિમોનાં ઘરો પણ લૂંટવામાં આવ્યાં હતાં અને તેને આગ ચાંપવામાં આવી હતી. આ તોફાનો મુસ્લિમ વિસ્તારમાં ચાલુ થયાં હતાં, પણ પાછળથી હિન્દુ વિસ્તારોમાં પણ ફેલાયાં હતાં. તોફાનો કરનારાં મુસ્લિમોનાં ઘરો સરકારી જમીન પર અતિક્રમણ કરીને બાંધવામાં આવ્યાં હતાં. તેની સામે કેસો ચાલી રહ્યા હતા.

આ કેસોમાં કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના મધ્ય પ્રદેશની ભાજપ સરકારે મુસ્લિમોનાં મકાનોનું ડિમોલિશન કરવાનો આદેશ આપી દીધો હતો. તોફાનો કદાચ પરિવારના એક સભ્યે કર્યાં હશે, પણ તેની સજા પરિવારના તમામ સભ્યોને કરવામાં આવી હતી. સરકારે કાયદો પોતાના હાથમાં લઈ લીધો હતો. આ ઘટનાનું પુનરાવર્તન ગુજરાતના ખંભાતમાં પણ થયું હતું. તોફાન કરનારા મુસ્લિમ યુવાનોનાં ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ભાજપશાસિત ઘણાં રાજ્યો મુસ્લિમોને પાઠ ભણાવવા માટે આ નીતિનો અમલ કરી રહ્યા છે, જેને કારણે દેશની મુસ્લિમ કોમમાં અજંપો ફેલાઈ ગયો છે.

હિજાબ અને હલાલનો વિવાદ ઓછો હોય તેમ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે મસ્જિદ પર વગાડવામાં આવતા લાઉડસ્પિકરોનો મુદ્દો ચગાવી રહ્યા છે. રાજ ઠાકરેએ ધમકી આપી છે કે જો સરકાર તા. ૩ મે સુધીમાં મસ્જિદો પરનાં ભૂંગળાં નહીં ઉતરાવી લે તો તેઓ દરેક મસ્જિદની બહાર હનુમાન ચાલીસાનો પાઠ લાઉડ સ્પિકર પર કરાવશે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાતના ૧૦ થી સવારે ૬ દરમિયાન લાઉડ સ્પિકરનો ઉપયોગ થઈ શકતો નથી; પણ મસ્જિદોમાં વહેલી સવારે આઝાન કરવામાં આવતી હોય છે. હવે આ મુદ્દાનો પણ રાજકીય ઉપયોગ કરાઈ રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top