Sports

IPL માટે ખેલાડીઓ તૈયાર કરવા BCA ટી-20 પ્રીમિયર લીગ રમાડશે :

કોટંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકોને મેચ જોવાનો લ્હાવો મળશે :

વડોદરાની વિવિધ એકેડેમીમાં રમી રહેલા ખેલાડીઓથી ટી-20 પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવશે :

બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ દ્વારા વડોદરા શહેરમાં પોતાનું ટી-20 પ્રીમિયર લીગ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ આઈપીએલ માટે વડોદરાના ખેલાડીઓને તૈયાર કરવા માટેનો છે. લીગની શરૂઆત વડોદરામાં વિવિધ એકેડેમીઓમાં રમી રહેલા ખેલાડીઓથી કરવામાં આવશે. આ લીગની મોટાભાગની ક્રિકેટ મેચો વડોદરા શહેર નજીક કોટંબી ખાતે નવા બનેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.

આઈપીએલ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓ તૈયાર કરવા આગામી સપ્ટેમ્બર – ઓક્ટોમ્બર માસ સુધીમાં ટી-20 ક્રિકેટ પ્રીમિયર લીગ શરૂ કરવાનું આયોજન બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોટંબી ખાતે નવ નિર્મિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મોટા ભાગની મેચો રમાડવામાં આવશે અને તેની નોંધ ઈન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા લેવામાં આવશે. વડોદરા ખાતે થનાર ટી-20 ક્રિકેટ પ્રીમિયર લીગના આયોજનથી વડોદરા સહિત ગુજરાતના ખેલાડીઓને આઇપીએલમાં જવા માટેની એક તક મળી રહેશે. હાલ આ લીગનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કુશળ ખેલાડીઓને તૈયાર કરવાનો છે. અને આ પ્રીમિયર લીગની શરૂઆત વડોદરામાં જ રમી રહેલા ખેલાડીઓથી કરવામાં આવશે અને આ મેચોનું લાઈવ અથવા ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારણ કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આઈપીએલમાં ખાનગી કંપનીઓ અને વિવિધ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરાના ખેલાડીઓ પણ તે પ્રમાણે તૈયાર થાય અને તેઓને પણ આઈપીએલમાં રમવાની તક મળે તે માટે ટી-20 ક્રિકેટ પ્રીમિયર લીગ રમાડવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ આ માટે બીસીએ મેનેજમેન્ટ ટી-20 લીગની વિગતો અને ફોર્મેટ પર ચર્ચા કરવા માટે આગામી થોડા દિવસોમાં બેઠક કરશે. વડોદરામાં હાલ નાની મોટી ક્રિકેટ એકેડમી કાર્યરત છે. જેમાંથી પણ ખેલાડીઓની ટી 20 પ્રીમિયર લીગ માટે પસંદગી કરવામાં આવશે. ત્યારે લાંબા સમય બાદ વડોદરામાં કોટંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચો રમાવાથી ક્રિકેટ રસિકોને પણ મેચ જોવાનો લ્હાવો મળશે.

Most Popular

To Top